ભાગી છૂટવાના પ્લાનની પૂર્વ તૈયારીઓ શરૂ કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

ભાગી છૂટવાના પ્લાનની પૂર્વ તૈયારીઓ શરૂ કરી


કોટડીની બારી તોડવા માટે દિલીપ પરૂળકરે રોજ થોડી થોડી મથાણ કરવા માંડી

માસિક ભથ્થાના રૂપિયામાંથી દિલીપે દ્રાક્ષ, ખજૂર અને ડ્રાયફ્રૂટ્સના પેકેટ્સ મંગાવી રાખ્યા

ગ્રેવાલે યુરોપ પ્રવાસની વાત આગળ વધારતા કહ્યું, એ વેળા માથે હું ''પોનિ-ટેલ'' બાંધતો હોવાથી લોકોને એમ લાગતું કે હું હિપ્પી છું''

એક દિવસ બધા બ્રિજ રમતા હતા તે વેળા કેમ્પ કમાન્ડન્ટ સ્કવોડ્રન લીડર ઉસ્માન હમીદ ત્યાં આવી ચઢ્યા. સૌને રમતા જોઇ તેઓ ત્યાં ઊભા રહ્યાં. ઉસ્માન હમીદ યુધ્ધકેદીઓ સાથે હસીમજાક કરી તેમને ખુશ કરી દેતા હતા. આજે તેમણે તેમની ઇગ્લેન્ડ ટૂરની વાત કરતા કહ્યું, ''ઇગ્લેન્ડની સ્ટાફ કોલેજમાં ટ્રેનીંગ માટે જવાનો મને અચાનક એક દિવસ હુક્મ કરાયો. 

તૈયારી માટે બહુ જ ઓછો ટાઇમ અપાતા મને દુઃખ એ વાતનું હતું કે તમારા ભારત દેશની સરસ ફિલ્મ 'મોગલે આઝમ' મને જોવા નહીં મળે, એ વેળા પાકિસ્તાનમાં થોડા દિવસ પહેલા જ મોગલે આઝમ ફિલ્મ આવી હતી. મને એ ફિલ્મ જોવા જવાનો સમય નહોતો અને ઇગ્લેન્ડથી ટ્રેનિંગ લઇ પાછો આવું ત્યાં સુધીમાં તો કદાચ ફિલ્મ ઊતરી જાય તો મને ગમતી એ ફિલ્મ જોવા નહીં મળે તેનો મને અફસોસ થતો હતો.

પરંતુ મારા અબ્બાજાને મને તે વેળા કહ્યું, દીકરા ચિંતા ના કરીશ. તું પાછો આવીશ ત્યાં સુધી આ ફિલ્મ અહીં ચાલતી જ હશે. અને મઝાની વાત એ થઇ કે ઇગ્લેન્ડની સ્ટાફ કોલેજમાં લગભગ એક વર્ષની ટ્રેનીંગ પછી ઉસ્માન હમીદ પાકિસ્તાન પાછા ફર્યા ત્યારે મોગલે આઝમ ફિલ્મ એ જ થિયેટરમાં ચાલુ હતી....!

થોડા દિવસ પછી ફરી ઉસ્માન હમીદ યુધ્ધકેદીઓની બેઠકમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું, 'મને હંમેશા બાય રોડ યુરોપની ટૂર કરવાની ઇચ્છા થયા કરે છે.

ઉસ્માન હમીદના મનની આ ઇચ્છા સાંભળીને દિલીપ પરૂળકરને લાગ્યું કે આ તક ઝડપી લેવા જેવી છે. તેમણે તુરત કહ્યું, મને પણ આવી જ ઇચ્છા થયા કરે છે. આ ઉનાળે ઓલિમ્પિક જોવા મ્યુનિક જવાની ગ્રેવાલ અને મારી, અમારા બન્નેની ઇચ્છા છે. લેબેનોનમાં મારા માસી રહે છે અને ઇજીપ્તમાં ગ્રેવાલના કાકા રહે છે. ઓલિમ્પિક જોવા જઇએ ત્યારે રસ્તામાં આ બન્ને સ્થળે રોકાવાનું અમે વિચારીએ છીએ.'

અને આ બહાને દિલીપ પરૂળકરે ઉસ્માન હમીદ પાસે સ્કૂલના એટલાસની માંગણી કરી. જો અમારી પાસે સ્કૂલ એટલાસ હોય તો હું અને ગ્રેવાલ મ્યુનિક ઓલિમ્પિકની ટ્રીપનું સરસરીતે પ્લાનિંગ કરી શકીએ.ઉનાળા પહેલા તો અહીંથી અમારો છૂટકારો થઇ જશે. અત્યારે અહીં અમારી પાસે નવરાશનો પુષ્કળ સમય છે. અહીં જો અમને સ્કૂલ એટલાસ (નકશાપોથી) મળી જાય તો હું અને ગ્રેવાલ અહીં બેઠા બેઠા અમારી મ્યુનિક ઓલિમ્પિક ટ્રીપનું પ્લાનિંગ ફાઇનલ કરી નાંખીએ.

ઉસ્માન હમીદને દિલીપ પરૂળકરે આવી વાત તો કરી પણ હકીકતમાં તેમના મનમાં કોઇ બીજો જ 'ગેમપ્લાન' સળવળતો હતો. જર્મનીના મ્યુનિક શહેરમાં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવ જોવા જવાની વાત તો દિલીપે ખાલી ઉપજાવી કાઢેલી વાત હતી. ઉસ્માન હમીદ પાસે સ્કૂલ એટલાસ માંગવા પાછળનો તેમનો આશય તો બીજો જ હતો.

એ પછીના એક દિવસ દિલીપે તેમના સાથીદારોને કાનમાં ગુસપુસ વાત કરી કે મારો ઇરાદો કેદી છાવણીમાંથી ભાગી છૂટવાનો છે. મારી કોટડીની બારીના સળીયા કટાઇ ગયેલા છે અને વાંકા વળી ગયેલા આ સળીયા તોડીને બારીમાંથી ભાગી જવાના પ્લાન વિશે હું વિચારી રહ્યો છું.

દિલીપ પરૂળકરની આ વાત સાંભળીને મુલ્લા-ફિરોઝે નકારમાં ડોકું ધુણાવતા કહ્યું, ભઇલા, તને તારા આ પ્લાનની ગંભીરતાનો સ્હેજેય ખ્યાલ હોય એમ લાગતું નથી. મને લશ્કરની હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરાયો તે પછી એક દિવસ કેટલાક લોકોને જ્યારે ખબર પડી કે હું તો ભારતીય યુધ્ધ કેદી છું ત્યારે એ લોકોએ મારા પર હુમલો કર્યો હતો. મારી રૂમની બહાર એક ગાર્ડ તૈનાત કરાયો હોવા છતાં કેટલાક લોકોએ રૂમમાં ઘુસીને મને માર્યો હતો.

આવા તોફાની લોકોથી મને બચાવવા માટે જ મારા રૂમ બહાર ગાર્ડ ઊભો રખાયો હતો છતાં લોકો ઘુસી ગયા હતા. પેથીઆને સારવાર માટે અવારનવાર હોસ્પિટલ લઇ જવાતા હતા ત્યારે એક વખત તેમના પર પણ કટ્ટરવાદીઓએ હુમલો કર્યો હતો. એટલે અહીંથી ભાગવું એ ગાંડપણ કરવા સમાન છે. રસ્તામાં તમે પોલીસ કે લશ્કરના સૈનિકોથી તમારી જાતને કદાચ બચાવી શકો, પણ રસ્તામાં ભારતીયો વિરૂધ્ધ ભારે રોષ ધરાવતા હજારો પાકિસ્તાનીઓથી તમે કઇરીતે બચી શકો ?

ત્રીજે દિવસે દિલીપે તેના બીજા સાથીદારોને કહ્યું કે ઉસ્માન હમીદ પાસેથી મને નકશો કે એટલાસ મળવાનો છે, ત્યારે એ સાથીદારોએ પણ તેને અહીંથી ભાગવાનો વિચાર પડતો મુકવાની સલાહ આપી હતી.

તું ગાંડો છે. ઉસ્માન તને ક્યારેય નકશા આપશે જ નહીં. એ અહીંનો કેમ્પ કમાન્ડન્ટ છે,  બ્લડી ઇડિયટ નથી....! સાથીદારોના કહેવા મુજબ ઉસ્માન હમીદ પાસેથી રોડ-રસ્તાના નકશા મેળવવાનું કામ દિલીપ માટે મોટા પડકારરૂપ હતું.

પરંતુ બીજીબાજુ દિલીપ પણ કેદી છાવણીમાંથી ભાગી છૂટવાના તેના પ્લાનમાં મક્કમ હતો. ગમે તે હિસાબે, બીજા કોઇની પાસેથી નહીં પણ માત્ર ને માત્ર ઉસ્માન પાસેથી જ નકશા મેળવી લેવા માટે તેણે મનોમન દ્રઢ નિર્ધાર કરી લીધો.

રાવલપિંડીની કેદી છાવણીમાંથી ભાગી છૂટવાના દિલીપના પ્લાન વિશે સાથીદારોમાં અંદરોઅંદર કોમેન્ટસ થવા માંડી. મુલ્લા-ફિરોઝે દિલીપની ગેરહાજરીમાં સાથીદારોને કહ્યું, દિલીપ તો અહીંથી ભાગવાનો માત્ર પ્લાન જ ઘડી રહ્યો છે જેથી અહીંથી છૂટયા બાદ ભારત જઇને એ તેના આ પ્લાન વિશે બડાઇ હાંકી શકે.

દિલીપના પ્લાન વિશે કેવળ મુલ્લા-ફિરોઝને જ આશંકા હતી એવું નથી. ૨૬ વર્ષના ફલાઇટ લેફટનન્ટ સિંહજીના કહેવા મુજબ દિલીપની આ વાતને કોઇએ ગંભીરતાથી નહોતી લીધી.

વાસ્તવમાં દિલીપ સાવ જ એકલો પડી ગયો હોય એવું પણ નહોતું. બીજા સાથીદારોની વાત જવા દો, પણ દિલીપના બેચમેટ એવા બ્રધર ભાર્ગવે તો એની વાત પુરેપુરી ગંભીરતાથી લીધી હતી. કેદી છાવણીમાંના બીજા જાંબાઝ પાયલોટોની સરખામણીમાં બ્રધર ભાર્ગવ ; દિલીપ પરૂળકરને ખૂબ સારી રીતે ઓળખતો હતો. નરમ-હૃદયનો ભાર્ગવ આથી જ ચિંતામાં પડયો હતો કે આ શૂરવીર પરૂળકર અહીંથી ભાગવાનો તેનો પ્લાન અમલમાં  મુક્યા વગર જંપીને નહી બેસે.

આથી જ ભાર્ગવે દિલીપને વિનંતીના સ્વરમાં કહ્યું, ''પ્લીઝ, દિલીપ આવું ન કરીશ. રસ્તામાં પકડાઇશ તો કોઇ તને શૂટ કરી દેશે.'' ઉસ્માને દિલીપને નકશા આપવાની ના તો ના પાડી, ટૂંકમાં નકશા આપવાની હા કહ્યે રાખી, પણ તેને નકશા આપ્યા નહીં.

ઉસ્માન જ્યારે પણ છાવણીના કમ્પાઉન્ડમાં કે જાંબાઝ પાયલોટોની ટી કલબમાં ક્યારેક આવી ચઢે ત્યારે દિલીપ રમૂજમાં તેને નકશાની વાત યાદ કરાવતા કહેતો, 'મને ખબર છે કે તમે આ વખતે પણ નકશો લાવવાનું ભુલી ગયા છો. તમે નકશો નહીં આપો તો અમે અમારી યુરોપ ટૂરનો પ્લાન કઇ રીતે ઘડી શકીશું ?

જાન્યુઆરી તો પુરો થઇ ગયો. ફેબુ્રઆરીમાં દિલીપ તેના પ્લાનના અમલમાં વધુ ગંભીર બન્યો. તેની કોટડી નંબર-૫ની બારી કઇ રીતે તોડવી તે વિશે દિલીપ જુદા જુદા નુસ્ખા વિચારવા માંડયો. કોટડી નં-૫ની આ બારી કોટડીની સાઇડની દીવાલમાં હતી. એ બારી સાંકડી ગલીમાં પડતી હતી, અને તે પછી સામે બીજી બિલ્ડિંગ હતી.

દિલીપ જો કોટડીની બારી તોડીને બહાર કુદે તો બે બિલ્ડિંગના વચ્ચેની સાંકડી ગલીમાં તે પડે. કોટડીની બારીવાળી દીવાલ સાવ તકલાદી હતી.

સાંકડી ગલીના છેવાડે કોટડીની બારીથી માંડ થોડા ફૂટ જ દૂર તારની ફેન્સિંગ હતી અને ફેન્સિંગની બીજી તરફ રિક્રુટિંગ ઓફિસનું કમ્પાઉન્ડ હતું. દિવસ દરમિયાન આ ઓફિસમાં પાક. હવાઇદળનો ઘણો સ્ટાફ કામ કરતો હતો. કેટલાક સિવિલિયન કર્મચારીઓ પણ આ ઓફિસમાં કામ કરતા હતા અને આ પૈકીના ઘણાં કર્મચારીઓ તારની ફેન્સિગ પાસે તેમની બાઇક પાર્ક કરતા હતા. પણ પાંચ વાગ્યે ઓફિસ છૂટે તે પછી એ કમ્પાઉન્ડમાં ચકલું ય ફરકતું નહોતું.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JFMb8y

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages