
અમદાવાદ, તા. 24 મે 2019, શુક્રવાર
વડોદરા શહેરમાં આવેલા લક્ષમીપુરા પોલીસ સ્ટેશનની હદમાં અંકોડિયા પાણીની કેનાલની બાજુમાંથી એક રસ્તો પસાર થાય છે આજે સવારે 11:30 ની આસપાસ પોલીસ સ્ટેશનની PCR વાન ત્યાંથી નીકળી હતી. પોલીસ લોકરક્ષક ડાયાભાઈ ચીકાભાઈ તથા અશોકભાઈ અંબારામ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ સમયે એકાએક કેનાલ ઉપરથી કેટલાક બાળકોની બૂમ સંભળાઇ હતી. તેનાથી થોડે જ દૂર ત્રણેક નાના બાળકો બુમો પાડી ઇશારાઓ કરી રહ્યા હતાં.
બૂમો સાંભળીને પોલીસ કર્મચારીઓએ તુરંતજ PCR વાનને કેનાલ પાસે લઇ ગયા હતા ત્યાં જઈ બાળકો સાથેની વાતચીતમાં ખબર પડી કે આ બાળકો અહીંયા કેનાલના કાંઠે રમવા આવ્યા હતા અને રમતા રમતા 8-10 વર્ષનો એક બાળક પાણીની કેનાલમાં પડી ગયો છે. આ બાળક ડૂબી રહ્યો હતો, આ જોઈને તુરંત જ PCRના ડ્રાઈવર ડાયાભાઇએ ગાડી ઉભી રાખી પાણીમાં ડૂબી રહેલા બાળકને બચાવવા માટે યુનિફોર્મમાં જ તાત્કાલિક કેનાલમાં કૂદી પડ્યા હતા. જ્યારે સાથે રહેલા પોલીસ લોકરક્ષક અશોકભાઈ એ તાત્કાલિક બીજી ગાડીનો સંપર્ક કરી દોરડું મંગાવ્યું હતું.
પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ધીરુભા દોરડું લઈને આવી ગયા હતા ત્યારબાદ આ બાળકને આશરે 8-10 ફૂટ ઊંડા પાણીમાંથી રેસ્ક્યુ કરી ડૂબતો બચાવી લેવાયો હતો. આ બાળકનું નામ વિપુલ સોમાભાઇ બારીયા છે અને તેઓ અંકોડિયા ગામની સીમમાં રહે છે અને મૂળ વતન દાહોદ જિલ્લાના નવજીવન સાયન્સ કોલેજની બાજુમાં,ટીંડોલિયા ફળિયું છે. આ બાળક ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. આ બાળકને તેના પિતાને બોલાવી સોંપી દીધો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W1r8EB
No comments:
Post a Comment