
અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર યુદ્ધ બહુ લાંબુ ચાલવાનું છે કારણ કે બંને દેશો આડા ચાલવામાં નિષ્ણાત છે. દુનિયાના કોઈ પણ દેશ સાથે ચીન અને અમેરિકાને માત્ર સ્વાર્થલુબ્ધ સંબંધો જ છે. મિત્રતા એટલે વળી શું એમ તેઓ પૂછે તો કોઈને નવાઈ ન લાગવી જોઈએ કારણ કે એક રાષ્ટ્ર તરીકે બાય ડિફોલ્ટ તેમને મિત્રતાનો પરિચય નથી. આ દેશોના હાથમાં દુનિયાને નેવિગેટ કરવાની તાકાત છે. મહાસત્તાઓએ આજ સુધી વિશ્વ સમુદાયમાં ગરીબ રાષ્ટ્રોની સંખ્યા અભિવૃદ્ધ કરવાનું જ કામ કર્યુ છે.
કોઈ પણ વિકાસશીલ દેશ જ્યાં છે ત્યાં જ રહે એ માટે જે કંઈ કરવું પડે એ તેઓ નિરંતર કરતા રહે છે. અમેરિકા અને ચીન બન્ને દેશો પાસે એના તોતિંગ વિદેશ મંત્રાલયો છે જેમાં એકથી એક ચડિયાતા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો કામ કરે છે. અમેરિકાની કુશળતા નીતિ એટલે કે પોલિસીમાં છે. એ એની ચતુરાઈયુક્ત નીતિથી જ ભલભલા દેશોને પાડી દે છે. દુનિયામાં ભારતની છબી એક નિરુપદ્રવી અને તટસ્થ રાષ્ટ્રની છે છતાંય ભારત અનેકવાર અમેરિકી કૂટનીતિનો શિકાર બનેલું છે.
અમેરિકા અને ચીન બંનેમાં એટલી બધી ઇર્ષ્યા ભરેલી છે કે દુનિયાના કોઈપણ દેશને તેઓ સુખી જોઈ શકતા નથી. આજે પરિસ્થિતિ એ છે કે વ્યાપાર અને વાણિજ્ય અંગે એ બન્ને મહાસત્તાઓ ટકરાઈ રહી છે અને એમનો નીતિગત સંઘર્ષ હવે હદ વટાવવા લાગ્યો છે. ચીન માને છે કે સમગ્ર દુનિયામાં પિનથી પિયાનો સુધી બધા જ ઉત્પાદનો તો અમારા જ હોવા જોઈએ. ચીને છેલ્લા બે દાયકામાં સ્પેન, ફ્રાન્સ, બ્રિટન, જાપાન અને અમેરિકાની નિકાસ પર ઉપરાઉપરી કારમા ઘા કરેલા છે.
એક રીતે તો ચીન અને અમેરિકાની આ ટક્કરથી ઈતર અનેક દેશો રાજી છે પરંતુ તકલીફ એ છે કે બન્ને દેશોનો દુનિયા પર પ્રભાવ અને કામકાજનો વ્યાપ એટલો બધો છે કે સહુને એના નકારાત્મક પ્રભાવમાંથી પસાર થવાનું આવ્યું છે. એમના જંગની છાલક સહુને ઉડે છે. હવે એમનો વ્યાપારિક ટકરાવ ગંભીર તબક્કામાં પ્રવેશ્યોે છે.
અમેરિકાએ ચીનથી પોતાના દેશમાં આયાત થનારી ચીજવસ્તુઓ પર ડયુટી એટલે કે એક પ્રકારનો વેરો દસ ટકાથી વધારીને પચીસ ટકા કરી દીધો છે. ટકાવારીનો આ ઉછાળો જ બતાવે છે કે અમેરિકાને ચીન સાથેના પોતાના સંબંધો તંગ કરવાની કેટલી બધી ઉતાવળ છે.
આ જે ચીજવસ્તુઓ પર અમેરિકાએ આયાતશુલ્કમાં વધારો કર્યો એ કુલ સામાન બસો અબજ ડોલરનો છે. અમેરિકા અને ચીન બન્ને પોતાના નકલી ચહેરાઓ સાથે છંછેડાઈ ગયેલા વ્યાપાર યુદ્ધને ખત્મ કરવાની વાટાઘાટો પણ ચલાવતા હતા પરંતુ બન્નેની પ્રવૃત્તિ મુખ મેં રામ અને બગલ મેં છુરી જેવી હોવાથી એ વાટાઘાટો કામયાબ નીવડી નથી.
આવી નકલી ચહેરાઓ ધારણ કરેલી દસથી વધુ વાટાઘાટો પાણીમાં ગઈ છે. દાનત જ સારી ન હોવાથી એવી વાટાઘાટોનો કોઈ અર્થ સરતો નથી. ચીનના નાયબ વડાપ્રધાન લ્યૂ હે અનેક પ્રયત્નો કરી ચૂક્યા છે અને તેમણે અમેરિકાની ખેપ પણ ઓછી નથી કરી.
પરંતુ તેમની પાસે ન તો સ્વતંત્ર વિચારવાની સત્તા છે કે ન તો તેઓ અમેરિકાનું દૃષ્ટિબિંદુ અપનાવીને સમસ્યા સમજવા તૈયાર છે. દરેક વાતચીત પછી બન્ને દેશોની અકડાઈમાં કોઈ ફેર પડતો નથી. અમેરિકી વાણિજ્ય દૂત સરીખા પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર પણ તેમની દરેક વાતોમાં ચીન પર દોષારોપણ કરીને સ્થિતિ વણસાવવાનું કામ કરી રહ્યા છે. અમેરિકાના દરેક કદમ પર ચીનના પ્રત્યાઘાત બહુ આક્રમક હોય છે. આ બન્ન દેશો એકબીજા સામે એવા શૃંગ ઉછાળે છે કે એમની ટકકરમાંથી જ વિશ્વ અણધારી એક નવી મંદી તરફ ગતિ કરવા લાગ્યું છે.
અમેરિકા અને ચીનની આ વ્યાપારી અથડામણનું સીધું પરિણામ એ આવ્યું છે કે દુનિયાભરના શેરબજાર લથડિયા ખાવા લાગ્યા છે. એક જમાનામાં રશિયા અને અમેરિકા વચ્ચે જે શીતયુદ્ધ (૧૯૪૭ - ૧૯૯૧ ) ચાલ્યું તેવું જ પરંતુ અલગ પ્રકારનું આ એક નવું આથક શીતયુદ્ધ છે અને શીત હોવા છતાંય એ જલ્દી ઠરે એમ નથી. એને કારણે આ શીતયુદ્ધ આગામી વીસ વરસ સુધી ચાલુ રહી શકે એમ છે.
દુનિયાની બે આથક મહાસત્તાઓની આ અથડામણ દુનિયાભરના દેશોને એટલું નુકસાન કરશે કે ખુદ અમેરિકા પણ એની નકારાત્મક અસરોમાંથી બચી શકશે નહિ. અમેરિકામાં ચીની ઉત્પાદનની ખપત ખૂબ છે અને હવે વધારાના કરભારણથી એ એટલી મોંઘી થઈ છે કે અમેરિકાનો મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગ એને ખરીદી શકશે નહિ. વ્હાઈટ હાઉસ દ્વારા પ્રગટ કરવામાં આવેલા વ્યાપાર સંબંધિત સેક્શન - ૩૦૧ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વલણથી ખુદ અમેરિકી પ્રજા નારાજ છે.
છતાં ટ્રમ્પ પોતાના વલણમાં વિચલિત થાય એમ નથી. ટ્રમ્પને એ ભય સતાવી રહ્યો છે કે ટેકનોલોજીની મદદથી ચીન ક્યાંક અમેરિકાથી આગળ ન નીકળી જાય. ઈ. સ. ૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા હાંસલ કરી લેવાની ચીનની અહાલેક પણ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ માટે ચિંતાનો વિષય છે.
ચીન હાલ અમેરિકી અર્થતંત્રથી પચાસ અબજ ડોલર પાછળ ચાલી રહ્યું છે. ચીનની ખતરનાક મહત્વાકાંક્ષા છે કે પોતાની ઈકોનોમીને અમેરિકાની અડોઅડ લાવી દેવી. વિશ્વ સમુદાય આ ખેલને અત્યારે તો મૂક પ્રેક્ષકની જેમ જુએ છે પણ એણેય નજીકના ભવિષ્યમાં બન્ને દેશો પર શક્ય એટલું દબાણ લાવીને સમસ્યા ઉકેલવામાં સક્રિય થવું પડશે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WHvInH
No comments:
Post a Comment