સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોકીદારનું રાજ, કોંગ્રેસના સૂપડાં સાફ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોકીદારનું રાજ, કોંગ્રેસના સૂપડાં સાફ



રાજકોટ, તા.23 મે 2019, ગુરૂવાર

ગુજરાતનાં જે પ્રદેશમાં ભાજપને થોડુ નુકસાન થવાનું સ્પષ્ટ મનાતુ હતું એ સૌરાષ્ટ્ર- કચ્છમાં આઠેય લોકસભા બેઠક ઉપર મોદી લહેર ફરી વળતા કોંગ્રેસનાં સૂપડા સાફ થઈ ગયા છે. તમામ બેઠકો ઉપર ચોકીદારનું રાજ આવ્યું છે. મતદારોએ ભાજપને ખોબલે-ખોબલે મત આપીને ૨૦૧૪નાં પરિણામોનું પૂનરાવર્તન કર્યું છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છ બેઠકો પર ભાજપનાં ઉમેદવારોનો જંગી લિડથી વિજય થયો છે.

આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠકો પર ભાજપનાં ૬ વર્તમાન સાંસદો મોહન કુંડારિયા (રાજકોટ), રાજેશ ચુડાસમા (જૂનાગઢ), પૂનમ માડમ (જામનગર), નારણ કાછડિયા (અમરેલી), ભારતીબેન શિયાળ (ભાવનગર) અને વિનોદ ચાવડા (કચ્છ)ને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપની આ રણનીતિ સફળ રહી હતી. તમામ ફરી જીત્યા છે. આ ઉપરાંત પોરબંદર બેઠક પર રમેશ ધડૂક અને સુરેન્દ્રનગર બેઠક પર ડો. મહેન્દ્ર મુંજપરા સ્વરૂપે નવા ચહેરા મુકવાનો પણ ભાજપનો જુગાર સફળ રહ્યો હતો.

બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપની જેમ સેઈફ ગેઈમ રમતા પાંચ બેઠકો ઉપર પોતાના વર્તમાન ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં લલિત કગથરા (રાજકોટ), પૂંજા વંશ (જૂનાગઢ), પરેશ ધાનાણી (અમરેલી), લલિત વસોયા (પોરબંદર) અને સોમા પટેલ (સુરેન્દ્રનગર)ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ આ પાંચેયની હાર થતા કોંગ્રેસનો આ દાવ ફેઈલ થયો હતો.

કોંગ્રેસને અમરેલી બેઠક માટે ભારે આશા હતી. કારણ કે, ભાજપના વર્તમાન સાંસદ નારણ કાછડિયા લોકોની ઉમ્મીદમાં ખરા નથી ઉતર્યા તેવી છાપ હતી. આથી વિધાનસભાના વિપક્ષનાં નેતા અને કોંગ્રેસના એક સમયના જાયન્ટ કિલર ગણાતા ધારાસભ્ય પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ સંગઠ્ઠનની દ્રષ્ટિએ અમરેલી બેઠક પર કોંગ્રેસની ભૂમિકા નબળી રહી. એક ચર્ચા એવી પણ હતી કે, ખૂદ પરેશ ધાનાણી ગુજરાતમાં જ રહેવા ઈચ્છે છે. કોંગ્રેસની આ નબળાઈઓ સામે ભાજપે અહીં મોદીની સભા કરાવી માહોલ બદલી નાખ્યો.

જુનાગઢ બેઠક માટે પણ કાંટે કી ટક્કર ગણાતી હતી. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે મૂળે ઉના પંથકનાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ મજબૂત મનાતા હતા. પરંતુ જમીની સક્રિયતામાં તેઓ નબળા પૂરવાર થયા હોય તેમ તેમના જ પંથક ઉનામાં તેમને મત લીડ ન મળી. બીજી તરફ સોમનાથ મત વિસ્તારમાં ભાજપને નોંધપાત્ર મતલીડ મળી. આ બેઠક પર પણ મોદીએ સભા ગજાવી  હતી.

સુરેન્દ્રનગર બેઠક પર પણ જોરદાર રસાકસી થાય તેવા એંધાણ હતાં, પરંતુ અહીં પણ ભાજપ મેદાન મારી ગયું હતું. ડો. મહેન્દ્ર મુંજપરા જેવા એજ્યુકેટેડ ઉમેદવારને ખાસ કરીને શહેરી મતદારોએ પસંદ કર્યા હતા. સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાને આંતરિક જુથવાદ જ નડી ગયો હતો. એક તો તેમણે સીધી લીન્કમાં ટિકિટ મેળવી લીધી તેથી સ્થાનિક કાર્યકરો નારાજ હતા.

આથી, મતદાન માટે જેટલી મહેનત જમીની સ્તરે કાર્યકરો તરફથી થવી જોઈએ એટલી ન થઈ. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા નારાજ થયેલા લાલજી મેરે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. પરિણામ સૌની નજર સામે જ છે. જ્યારે પોરબંદરમાં જેવું મનાતું હતું એવી ફાઈટ ન થઈ, રમેશ ધડૂક ઉપર ખેલેલો જુગાર તેમના સોશ્યલ એન્જિનિયરીંગના બલબૂતા પર સફળ થયો હતો.

રાજકોટ, ભાવનગર, કચ્છ, જામનગર બેઠક પર ભાજપનાં ઉમેદવારો જીત માટે પહેલેથી ફેવરિટ મનાતા હતા. નોંધનીય છે કે ૧૯૯૮, ૨૦૧૪ બાદ ત્રીજી વખત એવુ બન્યું છે કે ભાજપે સૌરાષ્ટ્ર-કચ્છની આઠે-આઠ બેઠકો પર વિજય મેળવ્યો હોય.

૨૦૧૭ની એટલે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં મોદી સરકાર હોવા છતાં ભાજપને સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાસ્સો ફટકો પડયો હતો. લોકસભાની ૮ બેઠકો હેઠળ આવતી વિધાનસભાની કુલ ૫૬ બેઠકોમાંથી માત્ર ૨૩ બેઠકો મળી હતી. જ્યારે ૩૨ બેઠકો કોંગ્રેસના ફાળે આવી હતી.

આ જોતા અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અને ખેડૂતોની નારાજગી જોતા એવું મનાતુ હતું કે, ઓછામાં ઓછી ત્રણેક બેઠકો ભાજપ ગુમાવશે. એમાંય અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપને જીતવું મુશ્કેલ હોવાનું પોલિટિકલ પંડિતો માનતા હતા. પરંતુ આ તમામ માન્યતાઓ પત્તાનાં મહેલની માફક ઢળી પડી હતી.

જમીન ઉપર કંઈક જુદો જ જાદુ ચાલી રહ્યો હતો. એ હતો નરેન્દ્ર મોદીનો જાદુ, કદાચ એટલે જ ન મુદ્દા કામ આવ્યા ના વિરોધ. ભાજપનાં આઠેય ઉમેદવારો મોદીના નામે તરી ગયા, ખેડૂત હોય કે વ્યાપારી વર્ગ કે પછી ગરીબ વર્ગ તમામે ફરી એકવાર નરેન્દ્ર મોદી ઉપર ભરોસો મુકી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને જીતાડયુ  છે.

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની સંગઠનાત્મક સ્થિતી અત્યંત કમજોર રહી હતી. બૂથ લેવલનું નેટવર્ક તો હતું જ નહીં. ચૂંટણીમાં મતદાન પૂર્વે અનેક બેઠકો ઉપર મતદાર સ્લીપો પણ કોંગ્રેસે પહોંચાડી ન્હોતી. આંતરિક જૂથવાદ, દૂરંદેશી અને વ્યૂહાત્મકતા કે રણનીતિનો અભાવ હતો. પ્રદેશ કક્ષાએથી કે કેન્દ્રીય નેતૃત્વમાંથી એવું કોઈ માર્ગદર્શન પણ ન્હોતુ કે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસનાં ઉમેદવારો તેની નૈયા પાર કરાવી શકે.

અધૂરામાં પૂરૂ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હોય કે કેન્દ્રની અન્ય નેતાગીરી તેમણે મુદ્દાઓ એવા ઉઠાવ્યા કે, મતદારોને પચ્યા નહીં. વિપક્ષ જેના નામે મત મેળવવાની સૌથી વધુ કોશીષ કરતો હતો એ નોટબંધી કદાચ ગરીબ-મધ્યમ વર્ગને સૌથી વધુ ગમી હતી. અમીરો પાસેથી છુપાવાયેલા રૂપિયા નિકળ્યા અને મકાનો સસ્તા થયા એ આમ મતદારને મન નોટબંધીનાં કારણે  જ થયું હતું. કારણ કે કાળુનાળુ સૌથી વધુ રિઅલ એસ્ટેટમાં જ રોકાયું હતું.

બીજો મુદ્દો જીએસટીનો હતો. આ કાયદાનો અમલ થયો ત્યારે શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ હતી. દર વધારા સાથે વિરોધ હતો. પરંતુ લોકસભાની ચૂંટણી આવતા સુધીમાં જીએસટીનો કાયદો કેન્દ્ર સરકારે ખુલ્લુ મન રાખી ઘણો સરળ કરી, અનેક ચિજ-વસ્તુઓ પરના જીએસટી દર પણ ઘટાડયા જેથી ચૂંટણી સુધીમાં તેની અસરો નિવારી શકાઈ.

રાફેલમાં ગફલો એ કોંગ્રેસની વાત માત્ર હવા-હવાઈ  સાબિત થઈ, જેને સામાન્ય લોકો માટે કોઈ નિસ્બત નથી એવો અર્ધસત્ય સાથેનો આ મુદ્દો કોંગ્રેસે એટલો ઉછાળ્યો કે છેલ્લે-છેલ્લે ખૂદ કોંગ્રેસ જ થાકી ગઈ. રાફેલ મામલાની મતદારો ઉપર કોઈ જ અસર ન રહી.

રહ્યો મુદ્દો કિસાનોનો, તો ખેડૂતોએ પોતાની સમસ્યા ઉકેલવામાં બ્લ્યુ પ્રિન્ટ આપી નહીં શકનાર કોંગ્રેસ કરતા ભાજપ જ સક્ષમ હોવાનું માની ૨૦૨૨ સુધીમાં ભાજપે ખેડૂતોની આવક બમણી કરવાનું જે વચન આપ્યું તેના ઉપર વધુ વિશ્વાસ મૂક્યો હોય તેવું પરિણામો પરથી લાગી રહ્યું છે. બેરોજગારીનો મુદ્દો ગુજરાતમાં સુપર ફ્લોપ નિવડયો.

રહી-સહી અસર ચોકીદાર ચૌર હૈ...ના નારાએ પૂરી કરી. વડાપ્રધાન પદેથી નરેન્દ્ર મોદીને હટાવોની કોંગ્રેસ- મહાગઠબંધનની નીતિ ભાજપ માટે જીતનું બળ સાબિત થઈ.  મોદીને હટાવવા પાછળનું કારણ શું તે મતદારોને ગળે ઉતારવામાં વિપક્ષ સદંતર નિષ્ફળ રહ્યો. બીજી બાજુ ભાજપે રાષ્ટ્રવાદના મુદ્દાને એટલી હવા આપી કે, બાકીના તમામ મુદ્દાઓ વામણાં થઈ ગયા. મતદારોએ રાષ્ટ્રની સુરક્ષાનો મુદ્દો અગ્રેસર રાખી મત આપ્યા.

કોંગ્રેસની ન્યાય યોજના બેશક સારી હતી. પરંતુ લાગે છે કે, કોંગ્રેસે તેની જ યોજનાને પૂરતો ન્યાય ન આપતા આટલી સારી યોજના ચર્ચાનાં કેન્દ્રમાં આવી ન શકી. એક તો તેની જાહેરાત અત્યંત નબળી રહી. યોજના જે રીતે રજૂ કરાઈ તે જોતા મતદારોને તેમાં નક્કરતા કરતા મતવિદ્યા વધુ દેખાઈ.

જો કોંગ્રેસના બેરોજગારીના મુદ્દામાં જરા સરખો પણ દમ હોત તો ન્યાય યોજના ઉંચકાતા ઉંચકાઈ ન હોત. પરંતુ આવું થયું નહીં. આના કરતા કોંગ્રેસે દરેક રાજ્યોનાં સ્થાનિક મુદ્દાઓ તબક્કાવાર ઉઠાવ્યા હોત અને મોદી સામે કમસે કમ મનમોહનસિંઘને ચહેરા તરીકે મૂક્યા હોત તો પણ અત્યારે મળેલા મતો કરતા વધુ મત મળ્યા હોત.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30CKQFq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages