
રાજકોટ,તા. 24 મે 2019, શુક્રવાર
નિંભર અને જડ તંત્ર જ્યાં સુધી કોઈ જીવલેણ દુર્ઘટના ન થાય ત્યાં સુધી આવી દુર્ઘટના માટે તકો ન રહે તે માટે જરૂરી પગલા લેવામાં કાં તો ચેકીંગના દેખાડા કરે છે અથવા આંખ આડા કાન કરતી રહી છે. સુરતમાં કાળજુ કંપી જાય તેવી આગની દુર્ઘટનામાં અનેક માસુમ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યાની ઘટના બાદ અંતે રાજકોટ, જામનગર, જુનાગઢ સહિતના મહાનગરપાલિકાઓની ઉંઘ ઉડી છે અને રાજકોટમાં ટયુશન ક્લાસના ચેકીંગ શરુ કરાયા છે અને અન્ય શહેરોમાં આવતીકાલે ચેકીંગના આદેશ કરાયા છે.
સુરતમાં ટયુશન ક્લાસમાં બનેલી આગજનીની ઘટનાના પગલે સમગ્ર ગુજરાતભરના ટયુશન ક્લાસમાં ફાયર સેફ્ટી અંગેની તપાસના આદેશો અપાયા છે. જેના ભાગરૂપે જામનગર મહાનગર પાલીકાનું ફાયર તંત્ર પણ એલર્ટ બન્યું છે અને શહેરના તમામ ટયુશન ક્લાસના સર્વેની કામગીરી હાથ ધરાશે અને ફાયર સેફ્ટીના તમામ સાધનોની બારીકાઈથી ચકાસણી કરાશે તેમજ જરૂર પડે ત્યાં ટયુશન ક્લાસ ત્યાં સુધી બંધ રાખવાની પણ કડક સુચના અપાશે. ત્યાં સુધી શહેરના તમામ ટયુશન ક્લાસ બંધ કરી દેવા આદેશો કરાયા છે.
રાજકોટમાં હવે ઉંઘમાંથી જાગેલી મનપાના કમિશનરે ફાયરબ્રિગેડને ચેકીંગના આદેશ કરતા આજે ચેકીંગ હાથ ધરાયું હતું જે આગામી દિવસોમાં જારી રહેશે. કમિશનરે ફાયર સેફ્ટીના સાધનો ન હોય અને નિયમભંગ થયો હોય તેવા ટયુશન ક્લાસીસ સીલ કરી દેવા આદેશો કર્યા છે. ટયુશન ક્લાસમાં ફાયર સેફ્ટીના કાર્યરત હોય તેવા સાધનો વસાવીને રાખ્યા ન હોય, આગને રોકવા જરૂરી પગલા ન લેવાયા હોય તેવા ટયુશન ક્લાસ શરુ કરી શકાશે નહીં તેમ આજે જાહેર કર્યું છે પણ ખરેખર તો તે નિયમ પહેલેથી અમલમાં છે.
જામનગરમાં પણ સુરતની ઘટના પછી ટયુશન ક્લાસના ચેકીંગના આદેશ થયા છે જેમાં ટયુશન ક્લાસ તથા રૂફ ટોફ રેસ્ટોરન્ટ વગેરેમાં ફાયર સેફ્ટીનું એનઓસી મનપાની ફાયરબ્રીગેડમાંથી મેળવી લેવા અને ત્યાં સુધી ક્લાસીસ, રેસ્ટોરાં બંધ રાખવા આદેશ કરાયો છે.તો જુનાગઢમાં પણ આવતીકાલથી ટયુશન ક્લાસનું ચેકીંગ શરુ કરાશે. જો કે વિદ્યાર્થીઓથી માંડીને તમામ મુલાકાતીઓનો જીવ જોખમમાં મુકતા ધંધાર્થીઓમાં ફફડાટ આવા આદેશથી નહીં પણ નિયમના ચૂસ્ત અને કડક પાલનથી જ ફેલાય તેમ છે.
આ પહેલા પણ રાજકોટ ફાયર બ્રિગેડે ચેકીંગ કર્યા છે અને માત્ર ટયુશન ક્લાસમાં દુર્ઘટના બને એટલે એના અને હોસ્પિટલમાદ્દુર્ઘટના બને એટલે હોસ્પિટલોનું નહીં પણ તમામ બિલ્ડીંગોનું નિયમિત ચેકીંગ કરીને સીલ કરવા સહિતના પગલા લેવાની કામગીરી માટે જ તગડો પગાર અને સાધન,સ્ટાફ સજ્જ સુવિધા પૂરી પડાય છે. શહેરમાં તમામ મોટી બિલ્ડીંગો, કોમ્પલેક્સોમાં ચેકીંગ થયા હતા. પરંતુ, તે અન્વયે નક્કર પગલા લેવાયા નથી.
રાજકોટમાં ટયુશન ક્લાસો, કોમર્શીયલ કોમ્પલેક્સો, હોસ્પિટલો, શોરૂમોનો રાફડો ફાટયો છે. જી.ડી.સી.આર.માં અપાયેલી બેફામ છૂટછાટોનો પૂરો ફાયદો ઉઠાવીને ગીચ શેરીઓમાં પાંચ-છ માળના બિલ્ડીંગો ખડકાઈ ગયા છે અને તેમાંય અનધિકૃત માર્જીનમાં બાંધકામની ફરિયાદો વારંવાર ઉઠે છે.
મનપાની ફાયર બ્રિગેડ શાખાના અગાઉના ચેકીંગમાં ૧૦૦થી ઈમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો તેમાં સરકારી બિલ્ડીંગો પણ સામેલ હતી. પરંતુ, આવા ચેકીંગ બાદ કોઈપગલા લેવાયાનું જાહેર કરાયું નથી. આમ, સુરતની ઘટના પછી જાગેલી રાજકોટ સહિતની મનપાઓ રોજિંદી ગામગીરીમાં આ ચેકીંગનો સમાવેશ કરીને કોમ્પલેક્સો, બહુમાળી અને લોરાઈઝ બિલ્ડીંગો વગેરેને સુરક્ષિત કરે તે જરૂરી છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YObARK
No comments:
Post a Comment