
ભાવનગર, તા. 26 મે 2019, રવિવાર
શેત્રુંજી ડેમ સાઇટ પર પંપની મરામતના કારણે ભાવનગર શહેરના ત્રણ ફિલ્ટર પ્લાન્ટ હેઠળના વિસ્તારને આજે રવિવારે પાણી આપવામાં આવ્યુ ન હતુ તેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારમાં સવારના સમયે પાણી આપવામાં આવ્યુ હતુ અને કેટલાક વિસ્તારને કાપના દિવસે પાણી અપાયુ હતુ તેથી લોકોને થોડીક રાહત થઈ હતી પરંતુ કેટલાક વિસ્તાર પાણી વિહોણા રહેતા મહિલાઓમાં કચવાટ જોવા મળ્યો હતો. ઉનાળાની ગરમીમાં જ પાણી આપવામાં આવતુ નથી તેમ મહિલાઓમાં ચર્ચા થતી હતી.
ભાવનગર મહાપાલિકાના ફીલ્ટર વિભાગ દ્વારા શેત્રુંજી ડેમ સાઇટ પર પમ્પના જરૃરી મરામત કામ કરવાનું હોવાથી આજે રવિવારના રોજ સવારના 10 થી રાત્રીના 10 સુધી પમ્પીંગ બંધ રહેવાનુ હતુ, જેના પગલે પાણીની આવક બંધ રહી હતી. તખ્તેશ્વર ફીલ્ટર, નિલમબાગ ફિલ્ટર અને ચિત્રા ફિલ્ટર પરથી પાણી સપ્લાય મેળવતા વિસ્તારોમાં રવિવારના રોજ બપોરના 12 કલાક પછી પાણી સપ્લાય બંધ રાખવામાં આવી હતી. કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો મહાપાલિકા આપી શકી ન હતી તેથી મહિલા સહિતના લોકો કચવાટ કરતા નજરે પડયા હતાં.
આજે પાણી સપ્લાય અંગે મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી દેવમુરારીએ જણાવ્યુ હતુ કે, ચિત્રા ફિલ્ટરમાં સવારના સમયે પાણી આપી દેવાયુ હતુ અને કેટલાક વિસ્તારમાં કાપના દિવસે પાણી અપાયુ હતું. નિલમબાગ ફિલ્ટર હેઠળના કેટલાક વિસ્તારને કાપના દિવસે પાણી અપાયુ હતુ પરંતુ આજે વિઠ્ઠલવાડી અને વિજયરાજનગર વિસ્તારને પાણી આપી શકાયુ નથી. વિજયરાજનગર વિસ્તારને કાપના દિવસે પાણી અપાશે, જયારે વિઠ્ઠલવાડી વિસ્તારને થોડી મૂશ્કેલી રહેશે. તખ્તેશ્વર ફિલ્ટર હેઠળના વિસ્તારને ગઈકાલે શનિવારે કાપના દિવસે પાણી આપવામાં આવ્યુ હતું. લોકોને તકલીફ ન થાય તેવુ આયોજન કરી મોટાભાગના વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવેલ છે તેવો અધિકારીએ દાવો કર્યો છે.
ઉનાળાની ગરમીના દિવસોમાં પાણી નહી મળતા લોકોનો રોષ વધતો હોય છે અને ઉનાળામાં પાણી વગર દિવસ કાઢવો મૂશ્કેલ પડતો હોય છે ત્યારે મહાપાલિકાએ ઉનાળા દરમિયાન મરામત કામગીરી હાથ ન ધરવી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. શહેરના કેટલાક વિસ્તારમાં પાણી અનીયમીત અને પ્રેસર ઓછુ આવવાની પણ ફરિયાદ ઉઠી રહી છે ત્યારે મહાપાલિકા તત્કાલ ફરિયાદનો નિવેડો લાવવો જરૂરી બની રહે છે.
તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં બે કલાક પાણી મોડુ આવ્યુ
ભાવનગર શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળ આવતા કાળીયાબીડ, ભરતનગર, ગાયત્રીનગર સહિતના વિસ્તારમાં આજે રવિવારે પાણી અનીયમીત આવ્યુ હતું. મોટાભાગના વિસ્તારમાં બે કલાક પાણી મોડુ આવ્યુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતું. પાણી અનીયમીત આવતા મહિલાઓ રોષ ઠાલવતી નજરે પડી હતી પરંતુ પાણી મળી જતા લોકોને રાહત થઈ હતી.
ઉનાળાના દિવસોમાં પાણીની જરૂરીયાત વધી છે ત્યારે પાણી નીયમીત અને પુરતા પ્રેસરથી આપવા માંગણી ઉઠી રહી છે. આ અંગે મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી દેવમુરારીએ જણાવ્યુ હતુ કે, મહિપરીએજ લાઈનમાં નાવડાથી પાણી ઓછુ આવતા તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારને બે કલાક પાણી મોડુ અપાયુ હતું.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VQLs6D
No comments:
Post a Comment