નવી દિલ્હી, તા. 14 મે, 2019, મંગળવાર
રાજ્ય સરકારો હસ્તકની વીજ વિતરણ કંપનીઓ (ડીસ્કોમ્સ)ના વીજ પરિવહન અને વિતરણ પાછળની ખોટ જે ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિનામાં સરેરાશ ૧૯.૫૦ ટકા રહ્યો હતો તે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ નવ મહિનામાં સાધારણ ઘટીને સરેરાશ ૧૯ ટકા રહ્યો હતો. વીજ ચોરી તથા ડીસ્કોમ્સની વીજ વિતરણમાં બિનકાર્યક્ષમતાને કારણે આ ખોટ જાય છે. ડીસ્કોમ્સને દેવાબોજમાંથી બહાર કાઢવા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી ઉદય સ્કીમને કારણે નુકસાનમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે.
ઉદય યોજનાને પૂરા થયેલા અઢી વર્ષ બાદ તેની કામગીરી અંગે નીતિ આયોગની રજુઆતમાં ૨૦૧૮-૧૯ના પ્રથમ નવ મહિનામાં ડીસ્કોમ્સના બિલિંગમાં ૮ ટકા વધારો થઈને ૬૦૧૮૨૨ મિલિયન યુનિટસ રહ્યું હતું, જે ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિનામાં ૫૫૬૬૯૮ મિલિયન યુનિટસ રહ્યું હતું.
કાર્યક્ષમતાની દ્રષ્ટિએ પણ ડીસ્કોમ્સે કરેલા વીજ પૂરવઠામાંથી ૮૪.૯૦ ટકા માટે બિલિંગ કર્યું હતું જે જે ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિનામાં ૮૪.૬૦ ટકા કરાયું હતું. બિલની વસૂલીમાં પણ સુધારો થઈને તે ૯૫.૩૦ ટકા રહ્યો હતો.
રેલવેના નૂર દર તથા કોલસાના ખર્ચમાં વધારો થતાં ડીસ્કોમ્સની વીજ ખરીદી પાછળનો ખર્ચ સાધારણ વધી ગયો હતો, એમ રજુઆતમાં દર્શાવાયું હતું. કોલસાના ભાવ તથા નૂર દરમાં વધારાને કારણે ડીસ્કોમ્સ માટે વીજ ખર્ચમાં પ્રતિ યુનિટ ૩૪ પૈસાનો વધારો થયો હતો. જો કે જે હેતુસર ઉદય યોજના દાખલ કરવામાં આવી છે તે બર આવી નહીં હોવાનું જણાય છે.
ડીસ્કોમ્સની ખોટ જે ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિનામાં રૂપિયા ૧૪૩૯૨ કરોડ રહી હતી તે ૨૦૧૮-૧૯ના પ્રથમ નવ મહિનામાં વધીને રૂપિયા ૨૬૭૧૯ કરોડ રહી હતી.
વીજદરમાં વધારો નહીં થવાને કારણે આ ખોટ વધી હોવાનું સરકારી સુત્રો દાવો કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને કારણે વીજ દર વધારાયા નહીં હોવાનું પણ મનાય રહ્યું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LFAu4f
No comments:
Post a Comment