અમદાવાદ,તા.4 મે 2019, શનિવાર
અમદાવાદ જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતના કારણે અનેક પ્રજાકીય કામો હાલ અટવાઇ પડયા છે. ચોમાસું આવતા પહેલા નહેર, કેનાલની મરામતના કામ, તળાવ ઉંડા કરવા, તૂટેલી શાળાઓની મરાતમ, તળાવની પાળ કરવી, વરસાદી પાણીના નિકાલની નવી લાઇન નાંખવી, તૂટેલા રોડની મરાતમ સહિતના વિવિધ કામો વિલંબમાં મૂકાતા ગ્રામજનોમાં આ મામલે નારાજગીની સાથે ચોમાસામાં હાલાકી ભોગવવી પડશે તેની ચિંતા વધી ગઇ છે.
લોકસભાની ચૂંટણીનું જાહેરનામું ગત ૨૮ માર્ચે બહાર પડયું હતું. ત્યારથી અમલી ચૂંટણી આચારસંહિતા છેક ૨૭ મે સુધી રહેશે. આમ બે માસના ગાળા દરમિયાન અગાઉ વર્કઓર્ડર આપ્યા ન હોય તેવા કામો રઝળી પડયા છે.
હવે મતગણતરી બાદ જ્યારે ચૂંટણી આચાર સંહિતા ઉઠાવી લેવાશે ત્યારે જ જિલ્લાના વિવિધ પડતર કામો હાથ પર લેવાશે. ત્યારે ચોમાસામાં બાંધકામને લગતા કામો હાથ ધરવા મુશ્કેલ હોવાથી આ વર્ષે પણ ચોમાસામાં ગ્રામજનોને હાલાકીઓ તો ભોગવવી પડશે તેવી સ્થિતિ સર્જાઇ છે.
આ ઉપરાંત જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાના ચૂંટાયેલા સભ્યો ચૂંટણીલક્ષી કામગીરી બાદ હવે પરિણામની રાહ જોઇ રહ્યા હોવાથી તેઓ પણ હાલ કચેરીઓમાં પાંખી હાજરી આપી રહ્યા છે. વળી પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધસ કમિટીઓના ચેરમેન સહિતના હોદ્દેદારોની ઓફિસો પણ હાલ ચૂંટણીપંચના હવાલે હોવાથી તેમાં તેઓ બેસી શકતા નથી.
કામો મંજૂર થઇ ગયા હોય પરંતુ વર્ક ઓર્ડર અપાયા ન હોય અને ચૂંટણી આચારસંહિત અમલી થઇ જવાના સંજોગોમાં ગામડાઓમાં પીવાના પાણીની લાઇનો, ગટર લાઇનો, ટયુબવેલ સહિતના કામો થઇ શક્યા નથી. વળી ચોમાસું સામે હોય ત્યારે માટીકામ થઇ શકતું ન હોવાથી આ ચોમાસામાં અનેક ગામોમાં લોકોને હાલાકી ભોગવવી પડશે તેવી સ્થિતિ સર્જાઇ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yc0C8l
No comments:
Post a Comment