કરજણ,તા.5 મે રવિવાર
કરજણ પાસે દેથાણ નજીક ગયા સપ્તાહમાં આઈશર ટેમ્પોની બાઈકને ટક્કર વાગતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ નવ વર્ષ કિશોરનું પણ મોત નિપજ્યું હતુ. અગાઉ કિશોરના માતા પિતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ.
આમ આ અકસ્માતે કુલ ત્રણ જિંદગીનો ભોગ લીધો છે.
કરજણ તાલુકાના દેથાણ ગામના વતની પ્રતાપભાઈ શંકરભાઈ ગોહિલ તા.૨૯મીએ પત્ની દક્ષાબેનને કાનમાં દુઃખાવાની દવા કરાવવા કરજણ મોટર સાયકલ પર લઈ ગયા હતા. સાથે નવ વર્ષનો પુત્ર કુલદીપ પણ હતો. જ્યારે તેર વર્ષની પુત્રી ઘેર તેની દાદીમા પાસે હતી. દવાખાનેથી સાંજે છ વાગ્યા બાદ ઘેર પાછા આવતા હતા ત્યારે દેથાણ ગામ નજીક પુરઝડપે આવી રહેલા એક આઈશર ટેમ્પાની આ મોટર સાયકલ સવાર દંપતીને ટક્કર વાગતા પતિ, પત્ની તથા પુત્ર ત્રણેય કાંઈ સમજે તે પહેલાં ફૂટબોલની જેમ ફંગોળાઈ ગયા હતા. પિતા તથા પુત્ર રોડની બાજુમાં ખાડામાં ફેંકાઈ ગયા હતા. જ્યારે માતા રોડની સાઈડ પર ફેંકાઈ ગઈ હતી.
પિતા તથા માતાનું ઘટના સ્થળે કરૃણ મોત નિપજ્યું હતુ. જ્યારે નવ વર્ષના કુલદીપને માથામાં ગંભીર ઈજા થતાં તેને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં પ્રથમ કરજણ ખાનગી દવાખાને અને ત્યાંથી વડોદરા ખાનગી દવાખાને ઘનિષ્ઠ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં પાંચ દિવસની ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નિપજ્યું છે. તા.૩મીએ માતા-પિતાનું બેસણું પુરૃ થયુ અને તા.૪એ કુલદીપનો જીવનદીપ પણ બુઝાઈ ગયો હતો. આ પરિવારને માથે આભ ફાટી પડે તેવી આફત આવી પડી છે. ત્યારે તેર વર્ષની પુત્રીની જવાબદારી મૃતક માતા-પિતા તેના ભાઈો અને દાદીમાને શિરે છોડી ગયા છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V5yxNU
No comments:
Post a Comment