દ્વારકા પંથકમાં સરપંચ સહિત 9 દ્વારા પાણીચોરી, શહેરમાં હજુ ચેકિંગ નહીં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

દ્વારકા પંથકમાં સરપંચ સહિત 9 દ્વારા પાણીચોરી, શહેરમાં હજુ ચેકિંગ નહીં


ખંભાળિયા,  તા.13 મે 2019, સોમવાર

દ્વારકા પંથકમાં પીવાના પાણીનો પ્રશ્ન હાલ વિકરાળ બન્યો છે ત્યારે કલ્યાણપુર- દ્વારકા તાલુકાની જનતા માટે જીવાદોરી સમાન સાની ડેમની ઓખા તરફ જતી પાઈપ લાઈનમાં ભંગાણ કરી, મોટા પાયે પાણી ચોરી કરવા સબબ સ્થાનિક તંત્રએ જાગૃત થઈ, સરપંચ સહિત કુલ નવ આસામીઓ સામે ગુનો નોંધ્યો છે. જો કે પાણી ચોરીને અત્યાર સુધી છાવરનાર જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ દ્વારકા, ઓખા, ખંભાળિયા જેવા શહેરી વિસ્તારોમાં ભૂતિયા નળ જોડાણો  દ્વારા બેફામ પાણી ચોરી થતી હોવા છતાં ભૂતિયા નળ કાપવા નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી.

આ અંગેની વિગત મુજબ કલ્યાણપુરમાં આવેલો વિશાળ એવો સાની ડેમ કલ્યાણપુર સાથે દ્વારકા તાલુકાના અનેક ગામોમાં ગ્રામજનોને પીવાનું પાણી પુરૂં પાડે છે. ત્યારે સાની ડેમથી શરૂ થયેલી અને મીઠાપુરના આરંભડાથી ઓખા સુધી જતી પાઈપ લાઈનમાંથી પુરતો જથ્થો ઓખા સુધી પહોંચતો ન હતો.

આ અંગે તાજેતરમાં આગેવાનો- હોદ્દેદારો તથા અધિકારીઓની યોજાઈ ગયેલી એક મીટીંગ બાદ અનધિકૃત કનેક્શનો શોધી કાઢી, ધોરણસર કાર્યવાહી કરવા માટે દ્વારકાના પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર બી.એન. પટેલ દ્વારા સ્થાનિક સ્ટાફ તથા મામલતદાર કચેરીના સ્ટાફે પોલીસને સાથે રાખી, પાણીચોરી પકડી પાડવા સઘન કાર્યવાહી કરી હતી.

દ્વારકાથી ઓખા વચ્ચે હાથ ધરાયેલી આ ચેકીંગ કાર્યવાહીમાં રાજપરા ગામના સરપંચ સરફરાજ મામદ હાસીયાએ ગોરીંજા ગામથી આરંભડા તરફ જતી પાઈપ લાઈનમાં કનેક્શન આપી, ભંગાણ કરી, ખાડો ખોદીને તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પાણીનું કનેક્શન મેળવ્યું હતું. આથી ઉપરોક્ત આસામી સામે રૂા. ૫૦ હજારનું પાણી ચોરી સબબનું નુકશાન કર્યાનું જાહેર થયું છે.

આ સાથે નાગેશ્વર વિસ્તારમાં મંદિરની બાજુમાંથી કુંભાભા ગગુભા સુમણીયા અને ગુમાનભા લાલાભા સુમણીયાએ સાની ડેમની લાઈન વચ્ચેથી અંડરગ્રાઉન્ડ ખાડો ખોદી ખેતી માટે ગેરકાયદેસર કનેક્શન લઈ રૂા. પચાસ હજારનું નુકશાન કરવા સબબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગોરીયારી ગામના આશાભા બુધાભા ભઠ્ઠડે પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદે જોડાણ દ્વારા રૂા. ૨૫ હજાર, નાગેશ્વરના ભીખુભા કુંભાભા સુમણીયાએ ૧૫ હજાર, શામળાસર તરફની પાઈપલાઈનમાંથી જીમલાભા સમાભા માણેકે રૂા. ૪૫ હજાર, ગોરીયારી ગામના સીદાભા વલૈયાભા માણેકે રૂ. ૫૫ હજાર તથા ચાપાભા મોરભા માણેકએ રૂ. ૫૦ હજાર અને ભરતભા જેઠાભા માણેકએ રૂ. ૬૦ હજારની પાણી ચોરી કરી, સરકારને વ્યાપક નુકસાની કરી હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે નાયબ કાર્યપાલક ઈજનેર બી.એન. પટેલની ફરિયાદ પરથી ઉપરોક્ત નવેય આસામીઓ સામે તેમના રહેણાંક મકાન- ખેતરમાં ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવી, કુલ રૂ. ત્રણ લાખ પચાસ હજારનું સરકારી સંપતિને નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૩૦, ૪૩૧, ૧૧૪ તથા ડેમેજ ઓફ પબ્લીક પ્રોપર્ટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q5ZaSa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages