ઊંઝા,તા.26 મે 2019, રવિવાર
ઊંઝા નગરમાં સુરતના બનાવને પગલે તાત્કાલિક ધોરણે ટયુશન ક્લાસીસ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલો, ગેસ્ટ હાઉસો, કોમ્પ્લેક્ષો જેવી જાહેરક્ષેત્રની મિલકતોમાં ફાયર સેફ્ટીના મામલે ચકાસણી બાદ ભોપાળુ નીકળતાં નગરપાલિકાએ ૯૬ શો-કોઝ નોટિસો ઈસ્યુ કરી ૭૨ કલાકમાં ફાયર સેફ્ટીની જરૃરી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરી ખુલાસા માંગી લાલ આંખ કરતાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફાયર સેફ્ટીના મામલે સોમવારે તમામ નોટિસકારોની બેઠક બોલાવી રિવ્યુ લેવા કાર્યવાહી હાથ ધરી છે.
સુરતની આગની ઘટનાના પડઘાની અસરથી રાજ્યના પ્રાદેશિક કમિશ્નર ગુપ્તાની તાત્કાલિક સુચનાથી ઊંઝા નગરપાલિકાના મુખ્ય અધિકારી એમ.એમ.ગઢવીએ નગરમાં ૧૫ મીટર ઊંચી તમામ બિલ્ડીંગો સહિત ફાયર સેફ્ટીની પ્રાથમિક સુવિધાઓની તપાસના આદેશ આપતાં નગરમાં જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ઊંઝામાં તમામ સ્થળોએ ફાયરસેફ્ટીને મામલે સુવિધાઓનો અભાવ જણાતાં તંત્ર ચોંકી ઉઠયું હતું.
ઊંઝા ફાયર સેફ્ટીના મામલે બિલ્ડીંગોના માલિકો તથા સંચાલકોમાં ભારે બેદરકારી નિષ્કાળજી બહાર આવી હતી. જેને લઈને ઊંઝા નગરપાલિકાએ ૨૨ ટયુશન ક્લાસીસો, ૨૪ શૈક્ષણિક સંસ્થાઓ, ૨૬ હોસ્પિટલો, ૧૧ હોટલો, રેસ્ટોરન્ટો, ગેસ્ટહાઉસો તથા બાર જેટલા કોમ્પ્લેક્ષો સાથે કુલ ૯૬ જેટલી મિલકત ધારકોને પાલિકાએ શો-કોઝ નોટિસો ફટકારી આગામી ૭૨ કલાકમાં ખુલાસો કરવા તેમજ તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા સૂચના આપી છે.
આ ઉપરાંત ઉપરોક્ત તમામ મિલકત ધારકોની ઊંઝા પાલિકામાં સોમવારે સાંજે યોજેલી બેઠકમાં ફરજિયાત હાજર રહી પાલિકાની આપવામાં આવનાર ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. નગરપાલિકાના તાત્કાલિક કડક સપાટાને કારણે ફાયર સેફ્ટીના નિયમોની ઐસી તૈસી કરનાર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે આજે રવિવારે મોટાભાગના એકમો બંધ હોવાથી શો-કોઝ નોટિસો દરવાજા ઉપર ચીપકાવી દેવામાં આવી છે. નગરપાલિકાની નોટીસોનો અનાદર કરનાર તત્વો સામે કાયદેસરની નોટીસોનો અનાદર કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાની ચિમકી નગરપાલિકા ચીફ ઓફીસર એમ.એમ.ગઢવીએ આપી છે. ફાયરના સાધનોની સાથે સાથે સેફ્ટી બાબતે પણ ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં ભારે ત્રુટીઓ બહાર આવી છે. નગરપાલિકાએ આ અગાઉ પણ ફાયર સેફ્ટીના મામલે તકેદારી રાખવા તમામ શૈેક્ષણિક તથા અન્ય સંસ્થાઓને તાકીદ કરવામાં આવેલ છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VOBRxq
No comments:
Post a Comment