(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 25 મે 2019, શનિવાર
લોકસભા ચૂંટણીમાં કોઈપણ અપસેટ સર્જયા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પક્ષે(ભાજપ) એકલે હાથે પૂર્ણ બહુમત મેળવ્યા સાથે એનડીએના સાથી પક્ષોના સથવારે જંગી બહુમતી હાંસલ કરીને દેશમાં ફરી સ્થિર સરકારનું નિર્માણ કરીને આર્થિક વિકાસને વેગ આપવા આડેની સંભવિત અડચણ દૂર કરી દીધી છે. દેશના આર્થિક-ઔદ્યોગિક વિકાસ માટે સ્થિર સરકાર હોવાની આવશ્યકતાએ પાછલા પાંચ વર્ષમાં વિકાસ માટેના પાયા નાખનાર મોદી સરકાર દ્વારા આ માટે ઘડાયેલી વિવિધ યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસને વેગ આપવા ઝડપી કામગીરી કરીને આર્થિક વિકાસને ફરી ઝડપી બનાવાશે એ સ્પષ્ટ થઈ જતાં ફોરેન ફંડો-વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક ફંડોએ ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં ધૂમ ખરીદી કરીને સેન્સેક્સને ૪૦,૦૦૦ અને નિફટીને ૧૨,૦૦૦ની સપાટી પાર કરી નવા ઐતિહાસિક શિખરે મૂકી દીધા છે. જીતના ઉન્માદ અને સ્થિર સરકાર પાસેથી મોટી અપેક્ષાઓએ વિક્રમી તેજીના આ તોફાનને ઉછાળે વિરામ મળતો જોવાયો છે. જે આગામી સપ્તાહમાં પણ બજારને ઉછાળે અથડાવી જતી ચાલ બતાવે એવી શકયતા છે.
કેબિનેટની રચના અને પ્રમુખ પોલીસી જાહેરાતો પર નજર ક્રુડના ઘટતા ભાવ અને રૂપિયાની મજબૂતી પોઝિટીવ પરિબળ
લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને મજબૂત સરકાર રચવા જઈ રહી છે, ત્યારે હવે આગામી સપ્તાહમાં કેન્દ્રિય કેબિનેટની થનારી રચના અને પ્રમુખ ક્ષેત્રો માટેની પોલીસી જાહેરાતો પર બજારની હવે નજર રહેશે. આર્થિક મોરચે ઘર આંગણે રોજગારીમાં વૃદ્વિના મોટા પડકાર સાથે આર્થિક વિકાસને વેગ આપવા કેવા પગલાં લેવાય છે એના પર સૌની નજર રહેશે.
જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ફરી વધતાં ટ્રેડ ટેન્શનને લઈને વૈશ્વિક અર્થતંત્ર માટે પણ ચિંતા રહેલી હોઈ આ મામલે ઉકેલ પર નજર રહેશે. વૈશ્વિક મંદ માંગને લઈ અને અમેરિકા-રશિયાના ક્રુડના ઉત્પાદનમાં વધારાના પરિણામે ક્રુડના ભાવ ફરી ઘટી આવીને બ્રેન્ટ ક્રુડ ગત સપ્તાહમાં ૬૮ ડોલરની અંદર ઉતરી જતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર પણ નબળો પડીને રૂ.૬૯.૫૨ આવી જતાં આ બન્ને પરિબળો ભારત માટે હાલ તુરત પોઝિટીવ બન્યા હોઈ આગામી સપ્તાહમાં ક્રુડના ભાવ અને રૂપિયા-ડોલરના મૂલ્ય પર નજર રહેશે. આ સાથે શુક્રવાર ૩૧,મે ૨૦૧૯ના એપ્રિલ મહિના માટેના ઈન્ફ્રાસ્ટ્રકચરના જાહેર થનારા આંક પર નજર રહેશે.
અદાણી પોર્ટસ, કોલગેટ પામોલીવ, ગેઈલ, ઓઈલ ઈન્ડિયા, ઝી એન્ટર., સન ફાર્મા, પીએનબી બેંકના રિઝલ્ટ પર નજર
કોર્પોરેટ પરિણામોની જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૯ના ત્રિમાસિકની સીઝનના અંતિમ દોરમાં હવે આગામી સપ્તાહમાં ૨૭,મે ૨૦૧૯ના અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન, કોલગેટ-પામોલીવ ઈન્ડિયા, ગેઈલ ઈન્ડિયા, ઓઈલ ઈન્ડિયા, ઝી એન્ટરટેઈન્મેન્ટના રિઝલ્ટ અને ૨૮,મે ૨૦૧૯ના પંજાબ નેશનલ બેંક અને સન ફાર્માના રિઝલ્ટ અને ૩૦,મે ૨૦૧૯ના કોલ ઈન્ડિયા અને સેઈલના જાહેર થનારા રિઝલ્ટ પર નજર રહેશે.આમ આગામી સપ્તાહમાં કેન્દ્રિય કેબિનેટની રચના, ક્રુડ ઓઈલના ભાવ, રૂપિયા-ડોલરના મૂલ્યમાં વધઘટ અને અમેરિકા-ચાઈના વચ્ચેના ટ્રેડ ટેન્શન પર નજર વચ્ચે સેન્સેક્સ ૩૯૮૨૨ થી ૩૯૦૩૩ અને નિફટી ૧૧૯૬૬ થી ૧૧૭૨૨ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા છે.
ડાર્ક હોર્સ : આદિત્ય બિરલા કેપિટલ લિ.
બીએસઈ(૫૪૦૬૯૧), એનએસઈ(ABCAPITAL) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, અગાઉ આદિત્ય બિરલા ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ(ABCL) તરીકે ઓળખાતી હવે આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ, એ ભારતમાં મોટી વૈવિધ્યિકૃત ફાઈનાન્શિયલ સર્વિસિઝ કંપનીઓમાં એક છે. જે ભારતના ૪૩ અબજ ડોલરના મલ્ટિનેશનલ આદિત્ય બિરલા ગુ્રપના તમામ ફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસોની હોલ્ડિંગ કંપની છે. આદિત્ય બિરલા કેપિટલ એ પ્રોટેકશન, ઈન્વેસ્ટિંગ, ફાઈનાન્શિયલ સોલ્યુશન્સની વિસ્તૃત રેન્જ જેમાં લાઈફ ઈન્સ્યોરન્સ, હેલ્થ ઈન્સ્યોરન્સ, મોટર ઈન્સ્યોરન્સ, કોર્પોરેટ જનરલ ઈન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, વેલ્થ મેનેજમેન્ટ, સ્ટોક અને સિક્યુરિટીઝ બ્રોકિંગ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ, રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટસ, પેન્શન ફંડ્સ, હોમ ફાઈનાન્સ, પર્સનલ ફાઈનાન્સ, એસએમઈ ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ ફાઈનાન્સ, સિક્યુરિટીઝ સામે લોન, કોર્પોરેટ ફાઈનાન્સ, ડેટ કેપિટલ માર્કેટસ, લોન સિન્ડિકેશન, એસેટ રીકન્સ્ટ્રકશન સહિતમાં મજબૂત અસ્તિત્વ ધરાવે છે.
એબીસીએલ એ ગ્રાહકોના જીવન માટેની નાણા જરૂરીયાતો માટે યુનિવર્સલ ફાઈનાન્શિયલ સોલ્યુશન્સ પૂરું પાડવા સક્ષમ શ્રેષ્ઠ સ્થિતિમાં છે. કંપની ૧૭,૦૦૦ જેટલો કર્મચારીઓ સાથે દેશભરમાં ૮૫૦થી વધુ બ્રાન્ચ-શાખાઓ અને બે લાખ-૨,૦૦,૦૦૦થી વધુ એજન્ટો-ચેનલ પાર્ટનરો થકી દેશભરમાં પહોંચ ધરાવે છે.
કંપની ભારતમાં સૌથી મોટી નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ સર્વિસિઝ કંપનીઓમાં એક છે. ડિસેમ્બર ૨૦૧૮ના આદિત્ય બિરલા કેપિટલ રૂ.૨,૫૮,૮૩૦ કરોડની એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયુએમ) સાથે ભારતમાં ટોચના ફંડ મેનેજરોમાં એક અને રૂ.૬૦,૧૨૯ કરોડની ધિરાણ બુક ધરાવતી અગ્રણી કંપનીઓમાં એક છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં કંપનીએ લાઈફ ઈન્સ્યોરન્સ બિઝનેસમાં નોંધનીય બજાર હિસ્સામાં નોંધનીય વૃદ્વિ મેળવી છે. છેલ્લા એક દાયકામાં કંપનીએ વિસ્તૃત અને સારી રીતે વૈવિધ્યિકૃત ૧૩ બિઝનેસ લાઈન્સનું નિર્માણ કર્યું છે. આ સાથે કંપની એક કરોડથી વધુ સક્રિય ગ્રાહકો ધરાવે છે. વૈવિધ્યિકૃત વૃદ્વિના વ્યુહના ભાગરૂપ કંપનીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી એસેટ રીસ્ટ્રકશન કંપની માટેનું લાઈસન્સ મેળવ્યું છે.
શેરધારકોનું મૂલ્ય સર્જન કરવા કંપનીએ એપ્રિલ ૨૦૧૬માં આદિત્ય બિરલા નુવોનું ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ સાથે મર્જરની યોજના જાહેર કરી હતી. આ મર્જર બાદ કંપનીમાંથી ફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસને મ્યુચ્યુઅલ ફંડ, એનબીએફસી અને લાઈફ ઈન્સ્યોરન્સ સહિતને ડીમર્જ કરાયો હતો.જે કંપનીને ૧,સપ્ટેમ્બર ૨૦૧૭ના બન્ને શેર બજારો પર લિસ્ટ કરાઈ હતી. એક કોર્પોરેટ લિસ્ટેડ માળખા હેઠળ તમામા ફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસોનું ઈન્ટીગ્રેશન કરીને કંપનીની વૃદ્વિને વેગ આપવા સક્ષમ કરાઈ હતી.
આદિત્ય બિરલા ફાઈનાન્સની લોન બુકમાં સતત મજબૂત વૃદ્વિ થઈ છે. જે ડિસેમ્બર ૨૦૧૭ની તુલનાએ ૨૪ ટકા વધીને રૂ.૪૯૩૦૧ કરોડ પહોંચી છે.એબીએફએલ એ આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સબસિડીયરી છે, જે ગ્રાહકોની વિસ્તૃત રેન્જ રીટેલ, હાઈ નેટવર્થ-એચએનઆઈ, અલ્ટ્રા હાઈ નેટવર્થ, માઈક્રો એન્ટરપ્રાઈસીઝ, સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઈસીઝ, લાર્જ અને મિડ કોર્પોરેટનો સમાવેશ છે. લોન બુકમાં એસએમઈ, રીટેલ અને એચએનઆઈ લોન મળીને મજબૂત ૩૮ ટકા વૃદ્વિ નોંધાવ્યા સાથે બજાર હિસ્સો પણ વર્ષ અગાઉના ૪૪ ટકાથી વધને ૪૯ ટકા થયો છે.લોન બુકના ૮૦ ટકા સિક્યોર્ડ લોન બુક છે, જે મુખ્યત્વે કેશ ફ્લો બેઝડ અન્ડરરાઈટીંગ પર ફોક્સ કરે છે. લાર્જ કોર્પોરેટમાં કંપનીને સારી વૃદ્વિની તકો જણાઈ રહી હોઈ વૃદ્વિ જળવાઈ રહેવાની અપેક્ષા છે. ઊંચું યીલ્ડ ધરાવતા પ્રોડક્ટસ મિક્સ એસએમઆઈ, રીટેલ અને એચએનઆઈ તરફ પ્રોડક્ટસમાં બદલાવ કરવાથી અને વ્યાજ ખર્ચમાં વધારો ગ્રાહકો પસાર કરવામાં સફળ રહેવાથી માર્જિન વધીને ૪.૮૫ ટકા મેળવી શકાયું છે. કુલ એનપીએ રેશીયો ૧.૧૭ ટકા અને આઈએલએન્ડએફએસ સિવાય કુલ એનપીએ રેશીયો નીચો ૧.૦૩ ટકા સાથે એસેટ ગુણવતા સ્થિર જળવાઈ રહી છે.
કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડીયરી આદિત્ય બિરલા હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડ(એબીએચએફએલ) એ નેશનલ હાઉસીંગ બેંક રજીસ્ટર્ડ હાઉસીંગ ફાઈનાન્સ કંપની હાઉસીંગ લોનમાં પૂર્ણ રેન્જના હાઉસીંગ ફાઈનાન્સ સોલ્યુશન્સમાં હોમ લોન, હોમ એક્સટેન્શન લોન, પ્લોટ એન્ડ હોમ કન્સ્ટ્રકશન લોન, હોમ ઈમ્પ્રુવમેન્ટ લોન, પ્રોપર્ટી સામે લોન, કન્સ્ટ્રકશન ફાઈનાન્શિંગ, કમર્શિયાલ પ્રોપર્ટી પરચેઝ લોન અને પ્રોપર્ટી એડવાઈઝરી સર્વિસિઝ સહિતનો સમાવેશ છે. એબીએચએફએલની લોન બુક ગત વર્ષની તુલનાએ ૬૦ ટકા વધીને રૂ.૧૦,૮૨૮ કરોડ થઈ છે. કંપનીએ ૩.૩ ટકા ચોખ્ખું વ્યાજ માર્જિન જાળવ્યું છે. અફોર્ડેબલ હાઉસીંગ લોન બુક ડિસેમ્બર ૨૦૧૮ના અંતે રૂ.૧૧૭૮ કરોડની રહી છે. ઓગસ્ટ ૨૦૧૮માં આદિત્ય બિરલા ફાઈનાન્સ અને આદિત્ય બિરલા હાઉસીંગ ફાઈનાન્સનો ઈકરા રેટીંગ ડબલ એ પ્લસથી અપગ્રેડ ટ્રીપલ એ કરાયું છે.
નાણાકીય વર્ષ ૨૦૧૯ના પ્રથમ નવ માસિકમાં આદિત્ય બિરલા કેપિટલનું કુલ લાઈફ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ એકત્રિકરણ પણ ૩૦ ટકા વધીને રૂ.૪૯૩૩ કરોડ થયું છે. આદિત્ય બિરલા સન લાઈફ ઈન્સ્યોરન્સ એ ૫૧:૪૯ ટકા રેશીયો આદિત્ય બિરલા ગુ્રપ અને કેનેડાના અગ્રણી આંતરરાષ્ટ્રીય ફાઈનાન્શિયલ સર્વિસિઝ સંસ્થા સન લાઈફ ફાઈનાન્શિયલ ઈન્ક. વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
ફાઈનાન્શિયલ ઈન્સ્યોરન્સ બિઝનેસોમાં પણ વ્યક્તિગત પ્રથમ વર્ષ પ્રીમિયમ વાર્ષિક ધોરણે ૬૮ ટકા વધ્યું છે, જે ઉદ્યોગની સરેરાશ ૮ ટકા( એલઆઈસી સિવાય) રહી છે. બજાર હિસ્સો પણ એલઆઈસી સિવાય ૧૩૮ બેઝિઝ પોઈન્ટ વધીને ૪ ટકા પહોંચ્યો છે અને વ્યક્તિગત પ્રથમ વર્ષ પ્રીમિયમ એકત્રિકરણમાં બે રેન્ક આગળ આવી સાતમાં ક્રમે પહોંચી છે. કંપનીએ વર્ષ ૨૦૧૭-૧૮માં એચડીએફસી બેંક સાથે બેંકેસ્યોરન્સ ટાઈ-અપ કાર્યરત કર્યું છે. ૧,એપ્રિલ ૨૦૧૮થી એચડીએફસી બેંકનું દેશભરમાં બ્રાન્ચ નેટવર્ક ઉપલબ્ધ થયું છે.
આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સે ઓકટોબર ૨૦૧૬માં કામગીરી શરૂ કરીને રીટેલ બિઝનેસ થકી પ્રીમિયમમાં સારી વૃદ્વિ હાંસલ કરી છે.ઉદ્યોગમાં કંપની સૌથી મોટી થર્ડ પાર્ટી ડિસ્ટ્રીબ્યુશન ક્ષમતા ધરાવતી કંપનીઓમાં એક છે. બે વર્ષમાં ૯ બેંક પાર્ટનર સાથે કંપનીએ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું વિસ્તરણ કર્યું છે. કંપનીએ ૬૫૦ શહેરોમાં ૫૩૦૦થી વધુ હોસ્પિટલો સાથે ટાઈ-અપ કર્યું છે.
મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં વર્ષ ૧૯૯૪માં અસ્તિત્વમાં આવેલીઆદિત્ય બિરલા સન લાઈફ એએમસી એ ૫૧:૪૯ ટકાનું સંયુક્ત સાહસ છે.સ્થાનિક એવરેજ એસેટ અન્ડર મેનેજમેન્ટના ધોરણે સ્થાનિકમાં આદિત્ય બિરલા એએમસી દેશનું ચોથું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડ છે. જે ડિસેમ્બર ૨૦૧૮ના પોતાના વહીવટ હેઠળ-એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ,૨,૫૮,૮૩૩ કરોડ ધરાવે છે. જેની સ્થાનિક ઈક્વિટી એવરેજ એસેટ અન્ડર મેનેજમેન્ટમાં વાર્ષિક ધોરણે ૯ ટકાની વૃદ્વિ થઈ છે.
કંપનીના અન્ય બિઝનેસોમાં આદિત્ય બિરલા મની લિમિટેડ ૭૩.૮ ટકા હોલ્ડિંગની લિસ્ટેડ કંપની બ્રોકિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સાહસ છે, જે એનએસઈ-નેશનલ સ્ટોક એક્સચેન્જ, બીએસઈ-બોમ્બે સ્ટોક એક્સચેન્જ થકી ઈક્વિટી અને ડેરિવેટીવ્ઝ ટ્રેડીંગ અને એમસીએક્સ-એસએક્સ પર કરન્સી ડેરિવેટીવ્ઝમાં ટ્રેડીંગ ઓફર કરે છે.
આદિત્ય બિરલા ઈન્સ્યોરન્સ બ્રોકર્સ એ ૫૦.૦૧:૪૯.૯૯ ટકા રેશીયોમાં આદિત્ય બિરલા અને અગ્રણી કોમ્પોઝિટ જનરલ ઈન્સ્યોરન્સ કંપની ઈન્ફોસાયબર ઈન્ડિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
આદિત્ય બિરલા પી/ઈ એડવાઈઝર્સ ( અગાઉ આદિત્ય બિરલાકેપિટલ એડવાઈઝર્સ તરીકે ઓળખાતી)એ સંપૂર્ણ માલિકીની સબસિડીયરી છે, જે વેન્ચર કેપિટલ ફંડ્સ અને અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજ કરવા પર ફોકસ કરી ફાઈનાન્શિયલ એડવાઈઝરી અને મેનેજમેન્ટ સર્વિસિઝ પૂરી પાડે છે.
આદિત્ય બિરલા માઈયુનિવર્સ એ ભારતનું પ્રથમ ઈન્ટીગ્રેેટેડ ઓનલાઈન પર્સનલ ફાઈનાન્સ મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે. જેમાં આદિત્ય બિરલા ફાઈનાન્સ ૯૩.૭૦ ટકા હોલ્ડિંગ, આદિત્ય બિરલા કસ્ટમર સર્વિસિઝ એમ્પલોઈ વેલ્ફેર ટ્રસ્ટ ૬.૩ ટકા હોલ્ડિંગ ધરાવે છે. માઈયુનિવર્સ ગ્રાહકોને તેમને સુરક્ષિત તેમના ઓનલાઈન બેંક, ક્રેડિટ કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, ઈન્સ્યોરન્સ, લોન એકાઉન્ટો દ્વારા તેમના ફાઈનાન્સોનું સંપૂર્ણ લાઈવ પિકચર મેળવવામાં મદદરૂપ થાય છે.
શેર હોલ્ડિંગ પેટર્ન :
પ્રમોટર્સ ગુ્રપ હસ્તક ૭૨.૭૪ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧.૨૨ ટકા, અલ્ટરનેટ ઈન્વેસ્મેન્ટ ફંડસ પાસે ૩.૧૫ ટકા, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૩.૬૦ ટકા, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હસ્તક ૨.૪૩ ટકા છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :
ચોખ્ખી આવક રૂ.૧૩૪૨૭ કરોડની તુલનાએ વધીને રૂ.૧૫૧૬૩.૫૧ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૮૨૪.૨૫ કરોડની તુલનાએ ઘટીને રૂ.૮૧૧.૩૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૪.૨૨ થી ઘટીને રૂ.૩.૯૫ હાંસલ કરી છે.
(૨) અપેક્ષિત સંપૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૧૯૫૮૫.૧૨ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૧૧૨૫.૮૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૫.૧૧ અપેક્ષિત છે.
વેલ્યુએશન : સિંગલ B :
ફાઈનાન્સ-ઈન્વેસ્ટરમેન્ટસ ઉદ્યોગના સરેરાશ ૩૨.૫૪ના પી/ઈ સામે કંપનીને મર્યાદિત રહીને ૨૭નો પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૧૩૮ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B . જે શેર અત્યારે બીએસઈ, એનએસઈ પર રૂ.૯૭.૫૫ ભાવે અપેક્ષિત કમાણી સામે ૧૯.૦૯ના પી/ઈએ ઉપલબ્ધ છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EAJj9E
No comments:
Post a Comment