રંગીલુ રાજકોટ હવે રાત આખી ધમધમશે, 24 કલાક ધંધાની છૂટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 May 2019

રંગીલુ રાજકોટ હવે રાત આખી ધમધમશે, 24 કલાક ધંધાની છૂટ

- રાત્રે મોટાભાગે ફેરિયાઓ ધંધો કરે છે પણ કાયદાની આ છૂટ રેંકડીવાળાને નહીં, શોપ લાયસન્સ ફરજીયાત 

- રાત્રે મહિલાને એકલા ઘરે જવામાં મૂશ્કેલી હોય તો પોલીસને જાણ કરી શકાશે, પોલીસ તેને મુકી આવશે

- હવે મોડી રાત્રે પોલીસ અને મનપાની કામગીરી પણ વધશે, બન્ને તંત્રો દ્વારા થશે પેટ્રોલીંગ, કેમેરાઓથી પણ રખાશે નજર 


રાજકોટ, તા. 2 મે 2019, ગુરુવાર

રાજકોટમાં આમ તો કેટલીક રેસ્ટોરાં સરકારમાંથી મંજુરી લાવીને કે દુકાનદારો પોલીસ સાથે ગોઠવણ કરીને ખુલ્લી રહેતી હોય છે પણ હવે રાત્રિના ધંધો કરવા માટે પોલીસ કે મનપા સાથે વહીવટ કરવાની જરૂર નથી. આમેય રાત્રિના જાગવા ટેવાયેલું રાજકોટ હવે વટથી જાગી શકશે, ખાણીપીણીથી માંડીને દવાઓની ખરીદી કરી શકશે. રાજકોટ મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ આજે જણાવ્યું કે મનપા વિસ્તારમાં આવેલી કોઈ પણ દુકાનો હવે ચોવીસ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે અને તેમને કોઈ રોકટોક કરાશે નહીં, જો કે દુકાનદારોએ શોપ એક્ટની અન્ય જોગવાઈનું પાલન કરવાનું રહેશે.તો જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું કે સરકારના નિર્ણયનો પરિપત્ર પોલીસને મળ્યો છે અને હવે પોલીસ રાત્રિના ૧૧ વાગ્યે જે દુકાનો બંધ કરાવતી તે કરાવશે નહીં. જરૂર પડયે આ માટે જાહેર સુરક્ષા માટે નિયમો બનાવાશે અને રૂટીન નિયમોનું દરેકે રાત્રે કે દિવસે પાલન કરવું ફરજીયાત છે. 

મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું કે દિવસ કે રાત્રિના ધંધો કરવા કોઈ નવી દુકાન ખોલવા માંગતું  હોય તો શોપ લાયસન્સ મેળવવું ફરજીયાત છે અને તે મેળવવું સરળ છે, મનપાએ હવે સુધારો કર્યો છે જે અન્વયે આ લાયસન્સને રિન્યુ કરાવવાની પણ જરૂર નહીં પડે, લાઈફટાઈમ અપાશે. 

આખી રાત કે મોડી રાત્રિ સુધી દુકાનો, રેસ્ટોરન્ટ વગેરે ખુલ્લી રાખવા માંગતા વેપારીએ મહાપાલિકાની જે તે વિસ્તારની વોર્ડ ઓફિસે જઈને માત્ર લેખિતમાં જાણ કરવાની રહેશે. વેપારીઓએ વોર્ડ ઓફિસર પાસેથી કોઈ મંજુરી મેળવવાની નથી કે વોર્ડ ઓફિસરને મંજુરી આપવાનો અધિકાર પણ નથી, એટલે માત્ર જાણ જ કરવાની છે તેમ કમિશનરે ઉમેર્યું હતું. ેતમણે કહ્યું કે કારખાનાઓ, હોસ્પિટલો વગેરે તો રાત્રિના ચાલુ રહેતા હોય છે પણ હવે વેપાર ધંધા પણ ખુલ્લા રહી શકશે તેથી રાત્રિના દર્દીઆ, તેમના સંબંધીઓ વગેરેને પણ રાહત થશે. 

જો કે મહત્વની વાત એ છે કે આ છૂટછાટ માત્ર દુકાનદારો માટે છે, જ્યારે રાજકોટમાં મોટાભાગે ચા-પાન, ખાણીપીણી,ઈંડા વગેરેના ધંધાર્થીઓની રેંકડી, ફેરિયાઓ ખુલ્લા રહેતા હોય છે પણ તેમને આ છૂટછાટ અપાઈ નથી. અર્થાત્ પોલીસ તેમને બંધ કરાવી શકશે. (જો તેમની સાથે કોઈ વહીવટ ન કર્યો હોય તો!)

મનપા  દ્વારા રાત્રિના ખુલ્લી રહેતી દુકાનો-રેસ્ટોરાંની વિગતો વોર્ડવાઈઝ એકત્ર કરાયા બાદ જે તે વિસ્તારમાં રાત્રિના ફૂડ ચેકીંગ, ગંદકી ન થાય તેનું ચેકીંગ, ટીપરવાન વગેરેની વ્યવસ્થા કરાશે ઉપરાંત આ સ્થળોએ શહેરભરમાં લાગેલા સી.સી.ટી.વી.કેમેરાથી પણ નજર રખાશે. તો પોલીસ તંત્રે જણાવ્યા મૂજબ દુકાનો ખુલ્લી રહે ત્યાં ટ્રાફિક જામ ન થાય, કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પેટ્રોલીંગ કરાશે. 

બીજી તરફ રાત્રિના કોઈ મહિલાનું વાહન બંધ પડયું કે અન્ય કોઈ કારણોથી મોડી રાત્રે અથવા તો જ્યાં લુખ્ખા તત્વોનો ત્રાસ હોય તેવા વિસ્તારમાં ઘરે પહોંચવાનું હોય તો આવી યુવતી કે મહિલા પોલીસનો નં.૧૦૦ પર સંપર્ક સાધી શકશે અને પોલીસ તેને સલામત રીતે ઘરે મુકવાની વ્યવસ્થા કરી આપશે તેમ પણ જોઈન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. 



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GQsmIu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages