
ભાવનગર, તા. 25 મે 2019, શનિવાર
સુરતની હૃદયદ્વાવક ઘટનાએ સરકારની આંખ ઉઘાડી નાંખી છે, નઘરોળ તંત્રના પાપે 20 નિર્દોષ બાળકો અગ્નિતાંડવમાં હોમાય ગયા બાદ ફાયર સેફ્ટીનું ઉલ્લંઘન કરતા તમામ ટયુશન ક્લાસને તાળા મારી દેવા છોડેલા આદેશ બાદ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર આખરે કુંભકર્ણની ઘોર નિદ્રાંમાથી ઉઠયું છે. પરંતુ આળસ ખંખેરવામાં પણ કોર્પોરેશને આળસ હોય તેમ 6-6 મહિના પહેલા જે ટયુશન ક્લાસોને નોટિસ આપી હતી, તે 14 પૈકીના માંડ 8 ટયુશન ક્લાસને સીલ મારવામાં આવ્યા હતા અને કરેલી કામગીરીનો રિપોર્ટ સરકારમાં મોકલ્યો હતો.
ઘોડા છૂટયાં બાદ તબેલાને તાળાં મારવા જેવી ઘટના રાજ્યના અન્ય શહેરોમાં ન બને તે માટે સરકારે ગઈકાલની સુરતની ઘટનામાંથી શીખ લઈ ફાયર સેફ્ટી ન ધરાવતી ઈમારતોને સીલ મારી દેવા તમામ મ્યુનિસિપાલિટીને આદેશ કર્યો હતો. સરકારનો આદેશ છુટતા જ મહિનાઓથી હાથ ઉપર હાથ ધરીને બેઠેલા કોર્પોરેશનના બાબુઓને આજે શનિવારે રજાના દિવસે પણ દોડવું પડયું હતું.
મ્યુનિ. કમિશનર ગાંધીની આગેવાની હેઠળ સવારે મહાપાલિકાના અધિકારીઓની મિટીંગ લેવાઈ હતી. જેમાં ભાવનગર શહેરમાં હોટલ, હોસ્પિટલ, ટયુશન ક્લાસ, મોલ, સિનેમાઘરો વગેરે કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં આગ દેવી હોનારત સર્જાઈ ત્યારે પુરતા ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ? તેનું ચેકીંગ કરવા તેમજ શહેરમાં 14 ટયુશન ક્લાસને નવેમ્બર-2018માં ફાયર સેફ્ટીના ભંગ બદલ પાઠવાયેલી નોટિસ સીલીંગ કાર્યવાહી કરવા આદેશ છોડાયો હતો.
આ માટે કોર્પોરેશનના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ, ટાઉન પ્લાનીંગ સહિતના જુદા જુદા વિભાગોના અધિકારી-કર્મચારીઓ સાથે 40 જણાંની 10 ટીમ બનાવી શહેરના 13 વોર્ડમાં ચેકીંગ તેમજ સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. કોર્પોરેશનની 10 ટીમોએ જે 14 ટયુશન ક્લાસનું લિસ્ટ બનાવ્યું હતું. તેમાંથી સાંજ પડતા પડતા માંડ 8 ટયુશન ક્લાસને સીલ મારી શકાયા હતા. જ્યારે એક ટયુશન ક્લાસ જ બંધ હતું. હવે બાકીના ટયુશન ક્લાસને આવતીકાલે સીલ મારવાની કામગીરી કરાશે. આ ઉપરાંત ફાયર સેફ્ટીના નિયમનો ભંગ કરતી સંસ્થાઓ, ઈમારતોને નોટિસ આપવાની કામગીરી પણ કરાશે તેમ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધનિય છે કે, આગ લાગે ત્યારે જ પાણી છાંટવાની જેમ સરકારનો આદેશ હોવાથી દેખાડા માટે કોર્પોરેશન કામ કરી રહ્યું છે, હોહા અને ઉહાપો થાય ત્યારે 15-20 દિવસ આવી કામગીરી કરવી તે જૂની આદત છે, ત્યારે સુરત જેવી ઘટના ભાવનગરમાં બનશે તો જવાબદાર કોણ? મ્યુનિ. તંત્ર કે ટયુશન ક્લાસીસ અથવા ઈમારતના માલિકો? તેવો સવાલ લોકોમાં ઉઠયો છે?
મ્યુનિસિપાલિટીએ 70 નવી નોટિસ બજવી
શહેરમાં કોર્પોરેશનનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ અથવા કહીં શકાય કે નબળા શાસકોના પાપે નીતિ-નિયમોનો છડાચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. કોર્પોરેશન ધારે તો કોઈ નાગરિક રસ્તા ઉપર થૂંકે તેનો પણ દંડ વસૂલી શકે છે, પરંતુ દુર્ભાગ્યવશ રાજકીય દબાણ હેઠળ અધિકારીઓ પણ જૈસે ચલતા હૈ, હોતા હૈ, હોને દો.. જેમ ગાંડુ ધકેલપંચા દોઢસોથી હાંકે રાખે છે. ક્યારેક કોઈ ગંભીર દુર્ઘટના થાય ત્યારે સમખાવા માટે કામગીરી કર્યોનું ઓડકાર લેવામાં મ્યુનિ. તંત્ર પાછીપાની નથી કરતું! આવું જ આજે પણ બન્યું છે.
સુરતની ઘટના બાદ બીએમસીએ 13 વોર્ડ માટે 10 ટીમ બનાવી ફાયર એન્ડ સેફ્ટીને લગતી તપાસનો ધમધમાટ આદર્યો, તો અડધા જ દિવસમાં મ્યુનિસિપાલિટીને 70 એવા સ્થળ મળ્યા જ્યાં આગજનીની ઘટના સમયે અગ્નિશામકને લગતા કોઈ સાધનો જ ન હતા. મહાપાલિકાએ આજે શનિવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ કરી 23 ટયુશન ક્લાસ, 7 હોસ્પિટલ, 19 શૈક્ષણિક સંસ્થા, 6 હોટલ-રેસ્ટોરન્ટ અને ગેસ્ટહાઉસ તેમજ સિનેમા હોલ, મોલ વગેરે ધરાવતા 15 કોમર્શિયલ કોમ્પલેક્ષોને નોટિસ બજવી હતી. નોટિસ પાઠવવાની કામગીરી હજુ આગામી દિવસોમાં પણ શરૂ રખાશે તેમ સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સીલ મરાયેલા ટયુશન ક્લાસની યાદી
ક્રમ નામ સરનામુ
1 લિબર્ટી ટયુશન ક્લાસ ઓમકાર કોમ્પલેક્ષ, સંસ્કાર મંડળ
2 ટ્રાઈમબ્સ એકેડમી ઓમકાર કોમ્પલેક્ષ, સંસ્કાર મંડળ
3 નેબ્યુલા ટયુશન ક્લાસ સહકારી હાટ, વાઘાવાડી રોડ
4 એમ.પી. ત્રિવેદી ટયુશન ક્લાસ સહકારી હાટ, વાઘાવાડી રોડ
5 પટેલ ઈન્સ્ટીટયુટ કે.કે.પ્લાઝા, રામમંત્ર મંદિર સામે
6 ધ ઠાઈમ્સ ઈન્સ્ટીટયુટ કે.કે.પ્લાઝા, રામમંત્ર મંદિર સામે
7 રેડ લેબ્સ પટેલ ઈન્સ્ટીટયુટ કે.કે.પ્લાઝા, રામમંત્ર મંદિર સામે
8 વર્લ્ડ ઈન્બોક્ષ એકેડમી સંસ્કાર મંડળ
બાકી રહેલા ટયુશન ક્લાસીસ
ક્રમ નામ સરનામુ
1 મનહર ગૃપ ટયુશન ક્લાસ ઘોઘાસર્કલ
2 મનહર ગૃપ ટયુશન ક્લાસ કેસરિયા હનુમાન મંદિર પાસે, કાળિયાબીડ
3 અભ્યમ એકેડમી લખુભા હોલ સામે, કાળિયાબીડ
4 લક્ષ એકેડમી રામમંત્ર મંદિર સામે
5 શિવમ ઈન્સ્ટીટયુટ કે.કે.પ્લાઝા, રામમંત્ર મંદિર સામે
6 દ્રોણ એકેડમી (ઓમકાર કોમ્પલેક્ષ, સંસ્કાર મંડળ)
(હાલમાં બંધ થઈ ગયેલ છે)
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30J1GlX
No comments:
Post a Comment