
નડિયાદ,તા. 9 એપ્રિલ 2019, મંગળવાર
નડિયાદનની એક ઝેરોક્ષની દુકાનમાં એક માસથી પડેલા ચોરીનો ઇલેક્ટ્રીક સામાન નડિયાદ ટાઉન પોલીસ અને એલસીબી, ખેડાએ ખાનગી બાતમીના આધારે જપ્ત કર્યો છે. આ સામાન ભાવનગર જીલ્લાના ભરતનગર પોલીસ મથક હદમાં થયેલ ચોરીનો મુદ્દામાલ હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે આ ૧૨,૫૯,૭૦૦/-નો મુદ્દામાલ તથા એક ઇસમની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આગામી લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરાયું છે. જે સંદર્ભે ગત્ રોજ નડિયાદ ટાઉન પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને ખાનગી બાતમી મળી હતી કે કપડવંજ રોડ પરની એક ઝેરોક્ષની દુકાનમાં ચોરીનો સામાન પડયો છે. તે આધારે પોલીસે નડિયાદના કપડવંજ રોડ પર આવેલ જયઅંબેનગર સોસાયટીના ૭ નંબરના મકાનમાં રહેતા ખેમચંદભાઇ ઠાકોરદાસ લાલવાણીની ગુરૂકૃપા ઝેરોક્ષ નામની દુકાનમાં રેડ પાડી હતી.
જ્યાંથી પોલીસને અલગ અલગ કંપનીના ૨૧૫ નંગ પંખા કિંમત રૂા. ૩,૩૦,૫૦૦/-, અલગ અલગ કંપની તથા સાઇઝના ઇલેક્ટ્રીક વાયરોના ૩૩૦ નંગ બોક્ષ કિમત રૂા. ૪,૮૭,૫૦૦/-, ૧૩ નંગ આર.ઓ. પ્લાન્ટ કિંમત રૂા.૮૪,૫૦૦/-, ૧૧૧૫ નંગ પ્લમ્બીંગની પાઇપો કિંમત રૂા. ૪,૮૭,૫૦૦/-, ૬ નંગ પતરા કિંમત રૂા. ૩૦૦૦/- તથા સ્ટાઇલના બોક્ષ નંગ ૩૩, કિંમત રૂા.૮,૭૦૦/- મળી કુલ રૂ.૧૨,૫૯,૭૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ખેમચંદભાઇની પૂછપરછ કરતા આજથી આશરે એક માસ અગાઉ વિનોદભાઇ પટેલ,રહે. ઉતરસંડા, મૂળ રહે. ભાવનગર આ માલ અહીં મૂકી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
આથી પોલીસે આ માલની તપાસ કરતા આ માલ ભાવનગર જીલ્લાના ભરતનગર પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનાનો હોવાનું જાણવા મળ્યુ ંહતું. આથી પોલીસે તરત જ ઉતરસંડા ખાતેથી વિનોદભાઇ પટેલની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે આ જપ્ત થયેલ મુદ્દામાલ અને આરોપી ઇસમ વિનોદભાઇ પટેલને ભરતનગર પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UruAYC
No comments:
Post a Comment