વડોદરા,તા.9 એપ્રિલ,2019,મંગળવાર
લોકસભાની છોટાઉદેપુર બેઠકના મત વિસ્તારમાં આવતી ડભોઇ નગર પાલિકામાં કોંગ્રેસમાં બળવો થતાં ભાજપને ફાયદો થનાર હોવાના રાજકીય સમીકરણો મુકાઈ રહ્યા છે.
ભાજપ માટે છોટાઉદેપુર લોકસભા બેઠક જોખમી મનાઇ રહી છે,જેથી કેન્દ્રિય નેતાઓ પણ આ બેઠક પર નજર રાખી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તારની આ બેઠકના ભાજપના મહિલા ઉમેદવારના ઉમેદવારી ફોમૅ ભરવાના દિવસે ખુદ મુખ્યમંત્રી વિજય રૃપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ખાસ છોટાઉદેપુર ગયા હતા.
ડભોઇના ભાજપના ધારાસભ્યને છોટાઉદેપુર લોકસભા બેઠકની ચુંટણીનો હવાલો સોંપાયો હોઇ તેમણે ચૂંટણી ટાંણે જ કોંગ્રેસમાં ભંગાણ પડાવતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.
કોંગ્રેસના નેતાઓએ જૂથબંધી પ્રત્યે આંખ આડા કાન કર્યા
વડોદરા જિલ્લામાં લાંબા સમયથી કોંગ્રેસમાં ચાલતી જૂથબંધીને કારણે કોંગ્રેસને ડભોઇ નગર પાલિકા ગુમાવવાનો વખત આવ્યો છે.
ડિસેમ્બર-૨૦૧૫માં ચૂંટણી યોજાઇ ત્યારે ડભોઇ તાલુકામાં કોંગ્રેસનું વાવાઝોડું ફુંકાયું હોય તેવા પરિણામો આવ્યા હતા. ડભોઇ નગર પાલિકામાં કોંગ્રેસે ભાજપના સૂપડાસાફ કરી દીધા હતા.પરંતુ કોંગ્રેસની આંતરિક જૂથબંધીને ઉકેલવામાં પ્રદેશના નેતાઓએ કોઇ રસ નહીં લેતાં કોંગ્રેસનું જ એક જૂથ આજે ભાજપમાં જોડાઇ ગયું છે.
વડોદરા જિલ્લાના મોવડીઓ પાસે ડભોઇની આંતરિક સ્થિતિને લગતી તમામ માહિતી હતી.પરંતુ તેમણે પણ ઉદાસીન વલણ દાખવતાં કોંગ્રેસને મોટું નુકસાન વેઠવાનો વખત આવ્યો છે.અત્રે નોંધનીય છે કે,વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં બળવો થતાં ડભોઇ તાલુકાના સભ્યોએ જિલ્લા પંચાયત બચાવી હતી.પરંતુ આ સભ્યોમાં પણ આજે નારાજગી દેખાઇ રહી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IjOiy6
No comments:
Post a Comment