મહેસાણા, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
મહેસાણામાં લાખોની ફી લઈ એવીએશનની ટ્રેનીંગ આપતી કંપનીએ ૫.૬૨ કરોડનો વેરો ન ભરતા પાલિકાએ સીલ મારી દીધું હતું. જેમાં આજે ૪૫ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે રજુઆત કરવા આવ્યા હતા. લાખોની ફી આપ્યા બાદ હવે માત્ર કલાકોની ટ્રેનીંગ બાકી છે ત્યારબાદ સર્ટીફિકેટ મળવાના હોવાથી તમામ વિદ્યાર્થીઓએ રીતસરની આજીજી કરી હતી. જોકે પાલિકાના સત્તાધીશો ટસના મસ થયા ન હતા. તેથી આ તમામ છાત્રોનું ભવિષ્ય હાલ સીલ થઈ ગયું છે.
નગરપાલિકાના સત્તાધીશોએ એવી જાહેરાત કરી હતી કે આજે સીલ ખોલી માત્ર વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ આપવાના છે તેથી આ ૪૫ છાત્રોની સાથે તેમના વાલીઓ છેક યુપી., મુંબઈ, દિલ્લીથી બાય એર, ટ્રેન મારફત આવ્યા હતા પરંતુ પાલિકાના સત્તાધારી પક્ષ અને વિપક્ષના મોટાભાગના નગરસેવકોએ સીલ ખોલવા સામે વિરોધ નોંધાવ્યો હોવાથી સીલ ખોલી શકાય તેમ ન હતું. આ તમામ વિદ્યાર્થીઓની સાથે આવેલા વાલીઓએ જણાવ્યું કે લાખો રૃપિયાની ફી આ કંપનીમાં ભરી છે હવે કંપનીએ હાથ અધ્ધર કરી દીધા છે. તેમનું એવું કહેવું છે કે પાલિકાએ સીલ માર્યું હોવાથી હાલ આ ખોલી શકાય તેમ નથી. બાદમાં આ વાલીઓએ પાલિકાના સત્તાધીશોનો સંપર્ક કરતા તેમણે આજે એટલે કે ૧૦-૪-૨૦૧૯ના રોજ સીલ ખોલવાની બાંહેધરી આપી હતી.
પરંતુ આ નિર્ણયનો સત્તાધારી પક્ષની સાથે વિપક્ષ ભાજપે પણ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જેથી આ સીલ ખોલી શકાતું ન હતું. હાલ પાલિકાને આ કંપની પાસેથી ૫.૬૨ કરોડ લેવાના નીકળે છે ત્યારે આ રકમ માટે કોર્ટમાં કેલ ચાલે છે. હવે જ્યાં સુધી આ પૈસા ન મળે ત્યાં સુધી સીલ ખોલવા સામે અનેક પ્રશ્નો ખડા થયા ચે. આજે વાલીઓની આંખમાં આંસુ સાથે પોતાના સંતાનોના ભવિષ્ય મટે ફક્ત સર્ટીફિકેટ આપવા માંગ કરી હતી.
૪૪ નગરસેવકોને આજીજી કરતા વિદ્યાર્થીઓ
તમામ વિદ્યાર્થીઓએ એક લેખિત પત્ર પાલિકાના તમામ ૪૪ નગરસેવકોને લખ્યો છે તેમાં જણાવ્યા પ્રમાણે અમારા તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટસ અમદાવાદ એવીએશનની ઓફિસમાં સીલ થઈ ગયા છે. જેથી થોડા સમય માટે આ સીલ ખોલી તેનું વિડીયો રેકોર્ડીંગ કરી તમામ ડોક્યુમેન્ટની સાથે સર્ટિફિકેટ આપવા વિનંતી કરી હતી.
જો મોડું થશે તો વિદ્યાર્થીઓને નોકરીમાં તકલીફ થશે
એક વાલીએ જણાવ્યું કે છેક દિલ્લીથી આવ્યા છીએ. જો આ સર્ટી આપવામાં મોડું થશે તો સરકારી નોકરી માટે ક્વોલીફાઈડ થઈ શકશે નહિ. મારા પુત્રનું ભવિષ્ય બગડે તેમ હોવાથી સીલ ખોલવા નમ્ર અરજ કરી હતી.
વાલીઓએ કંપનીને અમદાવાદ ખાતેની ઓફિસે જવું જોઈએ
આ અંગે કોંગી નગરસેવક અમિત પટેલે કહ્યું કે તમામ છાત્રોએ તથા વાલીઓએ એવીએશનની અમદાવાદ ખાતેની ઓફિસે જવું જોઈએ. આ કંપનીએ લાખોની ફી ઉઘરાવી છે. પાલિકા આમાં જે પણ કરી શકતું હોય તે કરશે.
કોર્ટ ઓર્ડર આપે તો જ સીલ ખુલશે, પ્રમુખ
પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે કોર્ટ મેટર હોવાથી જો કોર્ટ ઓર્ડર આપે તો જ સીલ ખોલીને ડોક્યુમેન્ટ આપી શકાય તેમ છે. આ સિવાય કોઈ રસ્તો નથી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VDCeLI
No comments:
Post a Comment