ભાજપ યુવા માર્ચાના પ્રમુખ ઋત્વિક પટેલને મહિલાએ લાફા
માર્યા : ઋત્વિક પટેલના બોડીગાર્ડે ટોળા સામે બંદુક તાકી
અમદાવાદ, તા. 31, માર્ચ, 2019, રવિવાર
અમદાવાદના રિવરફ્રન્ટ પર રવિવારે મોડી સાંજે એક ખાનગી ટીવી ચેનલ દ્વારા આયોજિત ચૂંટણી ચર્ચામાં ચોકીદારના મુદ્દે ભાજપ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં રોષે ભરાયેલા કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી અને આખરે પોલીસને બોલાવી પડી હતી. આ ઘટનામાં ભાજપના યુવા માર્ચાના પ્રમુખ ઋત્વિક પટેલને એક મહિલાએ લાફા માર્યા હતા જેના કારણે વાત વધુ વણસી હતી.
લોકસભાની ચૂંટણી પ્રચારના માહોલમાં અમદાવાદમાં પાલડી ખાતે રિવરફ્રન્ટ પર આજે સાંજે એક ખાનગી ટીવી ચેનલના ડિબેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્વિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. કિરીટ સોલંકી અને કોગ્રેસના ઉમેદવાર રાજુભાઇ પરમાર તથા ગુજરાત યુવા ભાજપ માર્ચાના પ્રમુખ ઋત્વિક પટેલ સહિત ભાજપ અને કોગ્રેસના કાર્યકરો હાજર હતા.
ડિબેટ સાંજે શરૃ થયાની પંદર મિનીટમાં હાજર કાર્યકરોમાંથી ચોકીદાર મુદ્દે પ્રશ્ન પૂછવાની સાથે કોમેન્ટ કરવામાં આવતાં ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે છૂુટાહાથની મારા મારી શરૃ થઇ હતી. જેના મુદ્દે હોબાળો થતાં ટીવી ચેનલની ડિબેટ ગણતરીની મિનીટોમાં બંધ કરવી પડી હતી. આ ઘટના બનાતાની સાથે ડો. કીરીટ સોલંકી કાર લઇને રવાના થઇ ગયા હતા. બીજીતરફ કોગ્રેસના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે ઋત્વિજ પટેલના બોડી ગાર્ડે કાર્યકરો સામે બંદૂક તાકી હતી.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો અને પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડયો હતો ત્યારબાદ ભાજપ- કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો પાલડી પોલીસ સ્ટેશન ધસી ગયા હતા અને સામ સામે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી હતી. ટીવી ડિબેટમાં થયેલી મારા મારીનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થતાં રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WHnLPl
No comments:
Post a Comment