
ભાવનગર, તા. 01 એપ્રિલ 2019, સોમવાર
લોકસભાની સામાન્ય ચૂંટણી ફોર્મ ભરવાનો પ્રારંભ પાંચ દિવસથી થઈ ગયો છે પરંતુ અત્યાર સુધી કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યા ન હતા પરંતુ આજે સોમવારે ભાજપના બે સહિત ચાર ઉમેદવારે ફોર્મ ભર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને હવે ઉમેદવારી ફોર્મ ભરવા આડે માત્ર ચાર દિવસ જ રહ્યા છે.
ભાવનગર સહિત રાજ્યભરમાં આગામી તા. 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણી લડવા માટે આજે સોમવારે વધુ બે ઉમેદવાર ફોર્મ લઈ ગયા હતાં. પાંચ દિવસમાં કુલ 28 ઉમેદવાર 51 ફોર્મ લઈ ગયા છે, જેમાં આજે સોમવારે પાંચમાં દિવસે ભાજપના બે સહિત ચાર ઉમેદવારે ૯ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં ભાજપના ઉમેદવાર ભારતીબેન શીયાળે ત્રણ ફોર્મ ભર્યા હતા, જયારે ભાજપના દીલીપ શેટાએ ચાર ફોર્મ ભર્યા હતાં. આ ઉપરાંત વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ધરમશી ઢાપાએ એક ફોર્મ અને જન સંઘર્ષ વિરાટ પાર્ટીના રામદેવસિંહ ઝાલાએ એક ફોર્મ ભર્યુ હોવાનુ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતું.

આગામી તા. 04 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાનો અંતીમ દિવસ છે તેથી ઉમેદવારી પત્ર ભરવા આગામી થોડા દિવસમાં ઉમેદવારોનો ધસારો વધશે તેમ જણાય રહ્યુ છે. લોકસભાની ચૂંટણી લડવા ઘણા ઉમેદવારો થનગની રહ્યા છે અને ફોર્મ ભરવા આડે હવે માત્ર ત્રણ જ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે કેટલા ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભરે છે? તે જોવુ જ રહ્યું.
એક સાથે ચાર ઉમેદવારે ફોર્મ ભરતા ચૂંટણી અધિકારી-કર્મચારીઓમાં દોડધામ
ભાવનગરની લોકસભા બેઠક પર ચાર દિવસમાં એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યુ ન હતુ, જયારે આજે સોમવારે પાંચમાં દિવસે એક સાથે ચાર ઉમેદવારે ચૂંટણી ફોર્મ ભરતા ચૂંટણી અધિકારી-કર્મચારીઓની દોડધામ વધી ગઈ હતી. આ ફોર્મની માહિતી ચૂંટણી સાઈડ પર ચડાવવાની કામગીરી રાત્રીના 8 કલાક સુધી ચાલી હતી, જેના કારણે જિલ્લા ચૂંટણી અધિકારીએ સત્તાવાર માહિતી રાત્રીના 8.12 કલાકે જાહેર કરી હતી. ચૂંટણી સાઈડ પર હિન્દીમાં માહિતી મુકવાની હોવાથી થોડુ મોડુ થયુ હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UdWkj5
No comments:
Post a Comment