
આણંદ.તા, 8 એપ્રિલ 2019, સોમવાર
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા ૧૫ દિવસથી મહત્તમ તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચે જઈ રહ્યો છે ત્યારે જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ઉનાળાની ગરમીમાં લૂ લાગવાના અનેક બનાવો બનતા હોય છે. ખાસ કરીને મજુર વર્ગ તેમજ શ્રમિકો ભર બપોરે તડકામાં કામ કરતા હોવાથી તેઓને લૂ લાગવાની સંભાવના વધુ રહેતી હોય છે. ખાસ કરીને બાળકો તેમજ વૃધ્ધોએ આ આકરી ગરમીમાં લૂ ન લાગે તે માટે ખાસ તકેદારી રાખવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
આરોગ્ય વિભાગ સૂત્રોથી મળતી માહિતી મુજબ લૂ લાગવાથી બચવા માટે ગરમીમાં સુતરાઉ સફેદ ખુલતા કપડા, ટોપી અને ચશ્મા પહેરવા જોઈએ, તડકામાં નીકળતી વખતે તાપથી બચવા છત્રીનો ઉપયોગ કરવો જોઈએ, ઘર બહાર નીકળતી વખતે સૂર્યપ્રકાશથી બચવા આખુ શરીર ઢંકાય અને માથુ ખુલ્લુ ન રહે તેનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. દિવસ દરમ્યાન ઝાડ નીચે અથવા છાયડાવાળી જગ્યાઓ ઉપર રહેવુ જોઈએ. દિવસ દરમ્યાન વધારે પ્રમાણમાં પાણી, લીંબુ સરબત સહિત પ્રવાહી પીવુ જોઈએ, ભીના કપડાથી માથુ ઢાકી રાખવુ અને અવારનવાર ભીના કપડાથી શરીર લુછવુ જોઈએ, નાના બાળકો, સગર્ભા, વૃધ્ધો તથા અશક્ત અને બિમાર વ્યક્તિઓએ તડકામાં બહાર ન રહે તેની કાળજી લેવી જોઈએ, ખાસ કરીને બાળકોને નહાવા માટે કેસુડાના ફુલ અને લીમડાના પાનનો ઉપયોગ કરવો જોઈએ.
વધુમાં કેટલાક નિષ્ણાંત તબીબોના જણાવ્યા મુજબ બજારમાં મળતો વાસી કે ખુલ્લો ખોરાક તથા બરફ લેવાનું ટાળવુ જોઈએ. ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવુ જોઈએ. માથાનો દુખાવો, બેચેની, ચક્કર કે ઉબકા અથવા તાવ આવે તો તુરત જ નજીકના દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ર્ડાક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ.
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં મહેનત મજૂરી કરીને જીવન ગુજારતા મજુર અને શ્રમિક વર્ગના લોકોમાં લૂ લાગવાના કારણે મૃત્યુ થયાના કિસ્સા જોવા મળે છે. અસહ્ય ગરમીમાં ભારે પરીશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે પરસેવો થવાથી શરીરનું તાપમાન ઘટે છે, પરંતુ બહારનું તાપમાન ખુબ જ ઉંચુ હોય ત્યારે આ પરસેવાથી શરીરનું તાપમાન ઘટવાથી ક્રિયા અસરકારક રહેતી નથી. આથી શરીરનું તાપમાન વધતું જાય છે. શરીર અને હાથ પગ દુખવા લાગે છે, ચક્કર આવે, શ્વાસ ચડે, ખુબ જ તરસ લાગે અને ગભરામણ થાય, હૃદયના ધબકારા વધી જાય અને તાત્કાલિક સારવાર ન મળે તેવા કીસ્સામાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uSs3qT
No comments:
Post a Comment