
રાજકોટ, તા.10 એપ્રિલ 2019, બુધવાર
અહીંના સામાકાંઠા વિસ્તારમાં મોરબી રોડ ઉપર આવેલી કે.કે. ધોળકિયા સ્કુલ દ્વારા મનઘઢત રીતે ફી વધારો ઝીંકી દેવામાં આવતા આજે તેના વિરોધમાં વાલીઓ ઉશ્કેરાયા હતાં. સવારે સ્કુલના કેમ્પસમાં શાળા સંચાલકોની વિરૂધ્ધમાં સુત્રોચ્ચાર કરી રામધૂન બોલાવ હતી.
તેમ જ ફી નિર્ધારણ કમીટી દ્વારા જે ફી નક્કી કરવામાં આવે છે તેની જાણ વાલીઓને કર્યા વિના ખુલ્લંખુલ્લા લૂંટ ચલાવવાની સંસ્થાની મનમાની બંધ કરાવવાની માંગણી કરી હતી. બેકલાક સુધીની ધમાલ બાદ પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ મહામહેનતે મામલો થાળે પડયો હતો.
રાજકોટમાં છેલ્લા એક વર્ષથી ફી નિર્ધારણ કમિટી દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની ફી નક્કી કરવાના નામે જે ડીંડક ચાલી રહ્યું છે તે કયારે પુરૂ થશે? તે નક્કી નથી બીજી બાજુ ખાનગી શાળાઓમાં ધો.૧૦ અને ધો.૧૨માં એડમિશન આપી વિદ્યાર્થીઓ અને વાલીઓને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે.
આજે અહીના મોરબી રોડ પર સામાકાંઠા વિસ્તારમાં આવેલી કે.કે. ધોળકિયા પ્રાથમિક શાળામાં રૂા ૨૦ હજારને ૨૫ હજાર ફી જાહેર કરાતા તેના વિરોધમાં વાલીઓ ઉશ્કેરાયા હતાં. વાલીઓએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ૨૦ ટકાનો ફી વધારો લાગુ કરી દીધા બાદ ધો.૧થી ૮માં રૂા ૨૦ હજાર ફી ભરી હતી ત્યાં આ વર્ષે વધુ ૧૦ ટકાનો ફી વધારો લાગુ કરવો વ્યાજબી નથી.
ફી નિયમન કમિટીના ધોરણો અનુસરવાને બદલે શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવીને ફી વસુલી રહ્યાં છે તેના વિરોધમાં વાલીઓએ એકત્ર થઈને શાળાના સંચાલકોને સદબુધ્ધિ મળે તે માટે રામધૂન બોલાવી ઉગ્ર સુત્રોચ્ચાર કરી રામધુન બોલાવી ખુરશીઓ ઉલાળતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ધાંધલ ધમાલના દ્રશ્યો વચ્ચે એન.એસ.યુ.આઈ.નાં કાર્યકરોએ શાળાના સંચાલકોને હાજર થઈ ફી વધારાના મુદ્દે ન્યાયી વલણ અપનાવવા જણાવ્યું હતું.
તેથી જે વિદ્યાર્થીઓને રીફંડ આપવાનું થાય છે તેઓને રીફંડ આપી દેવાશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું.જયારે વાલીઓએ જણાવ્યું હતું કે, અહી ભણાવવા માટે લાયકાત મુજબનો સ્ટાફ નથી. પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે રસ્તો બ્લોક થઈ જાય છે છતાં ઉંચી ફી વસુલવાનો નિર્ણય ગેરવ્યાજબી છે જે રદ નહી થાય તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
ફી નિયમનના મુદે ડીઈઓને કોઈ વિગતો અપાતી નથી: ઉપાધ્યાય
રાજકોટની ખાનગી શાળાઓની ફી નિર્ધારણ કરવામાં આવ્યા બાદ બે પ્રકારે વાલીઓ લૂંટાઈ રહ્યાં છે. જેની વિગતો આપી વાલીઓએ જણાવ્યું હતું કે, રાજકોટની તમામ ખાનગી શાળાઓ અત્યારે મનફાવે તેમ ફીના નામે લૂંટ ચલાવી રહી છે.
આ ખાનગી શાળાના સંચાલકો રાજકીય રીતે સંકળાયેલા છે. તેથી નિયમ વિરૂધ્ધ સ્કુલો ચાલતી હોવા છતાં તેની ઉંચી ફી વસુલવામાં આવે છે કોઈ પ્રકારની તપાસ થતી નથી. બીજુ ફી નિર્ધારણ સમિતિએ હજુ તમામ સ્કુલોની ફી નક્કી કરી નથી.
જેથી આ સ્કુલો પોતાની મનમાની ચલાવે છે. આ સ્થિતિમાં જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, અત્યારે ફી નિયમન કમિટી દવારા જે ફી નક્કી થાય છે તે પ્રવિઝનલ ફી છે. ફાઈનલ ફી તો સુપ્રિમકોર્ટના આદેશ બાદ નક્કી થશે. ફી નિયમન કમીટીના આદેશ મુજબ ફીની વિગતો શિક્ષણાધિકારી કચેરીને મળી નહી હોવાથી કઈ શાળાએ કેટલી ફી વસુલવાની થાય છે તે પણ સ્પષ્ટ થતુ નથી.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uui7mQ
No comments:
Post a Comment