
- સુરતમાં ૧.૪૦ લાખ મતદારો પહેલીવાર ચૂંટણીમાં મતદાન કરવાના છેઃ ઉમેદવારો જાણવા યંગસ્ટર્સમાં પણ ઉત્કંઠા
- ઉમેદવારો જાહેર કરવામાં વિલંબથી રાજકીય પક્ષો પર મતદારોને શંકા થાય છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 1 એપ્રિલ 2019, સોમવાર
૨૦૧૯ લોકસભાની ચુંટણી પહેલાં સુરત બેઠક પર નવા ૧.૪૦ લાખ મતદારો નોંધાયા છે. આ મતદારો પહેલી વાર લોકસભાની ચુંટણીમા મતદાન કરવાના હોવાથી ભારે રોમાંચ અનુભવી રહ્યાં છે. સુરત લોકસભા બેઠક પર ભાજપ- કોગ્રેસના ઉમેદવારોને જેટલી ઉત્કંઠા છે તેના કરતાં વધુ ઉત્કંઠા આ યંગસ્ટર્સ મતદારોને છે. તેઓ કહે છે આવી રીતે ઉમેદવાર છેલ્લી ઘડી સુધી જાહેર કરવામાં વિલંબ કરવો જોઈએ નહીં. આટલું જ નહીં ઉમેદવાર સ્વચ્છ છબીવાળો જ હોવો જોઈએ તેવું તેઓ માની રહ્યાં છે.
ભાજપ માટે સલામત બેઠક સુરત માટે ભાજપે કયો ઉમેદવાર જાહેર કરે છે તે જોવા માટે કોંગ્રેસે પણ ઉમેદવારની જાહેરાત કરી નથી. ભાજપ કોંગ્રેસ બંનેના ટિકિટના દાવેદારો અને તેમના ટેકેદારોમાં ઉચાટ છે. આવો ઉચાટ પહેલીવાર ચૂંટણીમાં મત આપવા માટે થનગની રહેલા યુવા મતદારોમાં પણ છે.
સુરતના વીઆઈપી રોડ પર સર્કલ પર વિશાળ ખુરશીનું સ્કલ્પચર મુકાયું છે. અહી કેટલીક સ્ટુડન્ટ એકત્ર થઇ હતી. ખુરશીને સુરત બેઠક ગણીને આ બેઠક પર કોણ ? તેવો પ્રશ્નાર્થ ચિન્હ મુકાયો હતો. પહેલી વાર મત આપવા માટે થનગની રહેલાં નવા યંગસ્ટર્સ મતદારો સુરતની બેઠક પર ઉમેદવાર જલ્દી જાહેર થાય તેવું ઇચ્છે છે.
ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરવાની છે તે શ્રેયા પટેલે જણાવ્યું કે, પહેલીવાર મતદાન કરવાનું હોવાથી ભારે એક્સાઇટમેન્ટ છે. ભાજપ-કોંગ્રેસ બેમાંથી કોઇએ ઉમેદવાર જાહેર કર્યો નથી તેથી હાલમાં તો મુંઝવણ છે.
મત આપવા માટે થનગનતી એવી માધવી કહે છે, અમારો પહેલો મત છે તેથી ઘણો જ મહત્વનો છે. અમે એવું માનીએ છીએ કે કોઈ પણ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામા આ રીતે વિલંબ થવાથી રાજકીય પક્ષ પર મતદારોને શંકા જાય છે.
યુવા મતદાર રાકેશે જણાવ્યું કે, સરકાર તો સ્થિર અને મજબુત હોવી જોઈએ સરકાર સામે અનેક પ્રશ્નો છે બધા જ રાજકીય પક્ષો ખરડાયેલી છબી ધરાવે છે. પરંતુ આપણે ઓછા ખરડાયેલા હોય તેને મત આપવો જોઈએ. જતીને કહયું કે, કોઈ પણ પક્ષ હોય ઉમેદવાર સ્વચ્છ છબી ધરાવતા તથા શિક્ષિત હોય તેને જ મુકવા જોઈએ.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wyf89A
No comments:
Post a Comment