ઇન્ડિયા કોલોની વોર્ડમાં ફક્ત 1 કલાક પાણી આવતા હજારો રહીશો પરેશાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

ઇન્ડિયા કોલોની વોર્ડમાં ફક્ત 1 કલાક પાણી આવતા હજારો રહીશો પરેશાન

અમદાવાદ,તા.31 માર્ચ 2019,રવિવાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઇન્ડિયા કોલોની વોર્ડમાં મોટાભાગના વિસ્તારોમાં ફક્ત ૧ કલાક પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અપુરતા અને ઓછા પ્રેસર વચ્ચે પાણી આવતા રહીશોને દૈનિક વપરાશનું પણ પુરતું પાણી ન મળતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ મામલે મ્યુનિ.કોર્પોરેશનમાં રજૂઆતો છતાંય કોઇ ઉકેલ આવ્યો નથી.

ઇન્ડિયા કોલોની વોર્ડમાં જયજલધારા સોસાયટી, દીપ ફ્લેટ, ત્રિશૂલ ફ્લેટ, ત્રિશક્તિકોલોની , સુરભી સોસાયટી વિભાગ-ડી સહિતની આજુબાજુની તમામ સોસાયટીઓમાં સવારે ૯થી ૧૦ વાગ્યા સુધી ફક્ત ૧ કલાક જ પાણી આવી રહ્યું છે.

સ્થાનિક રહીશ સોનલબેન પટેલના જણાવ્યા મુજબ છેલ્લા ૨૨ દિવસથી પાણીની તંગી સર્જાઇ છે. પહેલા સવારે ૯ થી ૧૧ અને બપોરે ૨ થી ૩ વાગ્યા સુધી પાણી નિયમિત અને બારેમાસ અપાતું હતું. છેલ્લા ૨૨ દિવસથી બપોરનો પાણી પુરવઠો જ બંધ કરી દેવાયો છે. અને સવારે ફક્ત એક કલાક જ પાણી અપાઇ રહ્યું છે. જેને લઇને ઉનાળાની આ સિઝનમાં હજારો લોકો પાણી માટે ફાંફા મારી રહ્યા છે.

આ મામલે સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરાઇ છે, મ્યુનિ.અધિકારીઓનું ધ્યાન દોર્યું હોવા છતાંય તેઓ આ મામલાને ગંભીરતાથી લઇ રહ્યા નથી. મ્યુનિ.તંત્ર દ્વારા પાણીની અછતવાળા વિસ્તારોમાં પુરતા પાણીના ટેન્કરો પણ મોકલતા નથી. આ સ્થિતિમાં ખાનગી પાણીના ટેન્કરોવાળા ટેન્કરદીઠ ૫૦૦ રૂપિયા ભાવ બોલી રહ્યા છે. જેને લઇને ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો દયનીય સ્થિતિમાં મુકાઇ ગયા છે.

આ વિસ્તારમાં પાણીની ગેરકાયદે કનેક્શનો પણ વધી ગયા છે. જેના કારણે પણ પુરતા પ્રેસરથી પાણી આવી રહ્યું નથી. ઇન્ડિયા કોલોની વોર્ડમાં પાણીની તંગીની સમસ્યા તાત્કાલિક દુર કરવાની માંગણી રહીશો કરી રહ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HRtlLh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages