નવી દિલ્હી, તા. 07 માર્ચ, 2019, ગુરૂવાર
જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસ (જીએસપી)માંથી ભારતના બાકાત કરવાની અમેરિકાની હિલચાલ બાદ ભારત ૧લી એપ્રિલથી અમેરિકાની ૨૯ જેટલી ચીજવસ્તુઓ પરની આયાત ડયૂટીમાં વધારો કરવા હવે સજ્જ છે. જો કે ભારત જેવા સાથે તેવાની નીતિ અપનાવવા નથી માગતું એમ કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. ભારત અમેરિકાની જે ૨૯ ચીજવસ્તુઓ પર આયાત ડયૂટી વધારવા માગે છે તે આ અગાઉ ૬ વખત મોકૂફ રખાઈ ચૂકયું છે.
જીએસપીના લાભ પાછા ખેંચી લેવાથી ભારતને ખાસ નુકસાન નહીં થાય એમ દેશના સત્તાવાળાઓ દ્વારા દાવો કરાઈ રહ્યો છે. જીએસપી સવલત પાછી ખેંચવામાં ઓછોમાં ઓછા ૬૦ દિવસ લાગી શકે છે.
ટેરિફસ નવા દરોથી વાત વધુ વણસી શકે છે. આપણા બે મુખ્ય વેપાર ભાગીદારો અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધના પ્રથમ વર્ષમાં જો આપણે હેમખેમ રહી શકયા છીએ તો બીજા વર્ષમાં પણ આપણને ખાસ વાંધો નહીં આવે.
અમેરિકા ખાતેથી આવતા પ્રોડકટસની સરકાર યાદી તૈયાર કરી રહી છે અને તેમાંથી કોના પર ટેરિફ લાગુ કરી શકાય તે ચકાસવામાં આવી રહ્યું છે એવા અખબારી અહેવાલોને નકારી કઢાયા હતા. ૧લી એપ્રિલથી જે આયાત પર ટેરિફ લાગુ થવાની છે તે અંગે ઘણા લાંબા સમય પહેલા નિર્ણય લઈ લેવાયો હતો એમ સુત્રોએ ઉમેર્યું હતું.
અમેરિકાના જીએસપી કાર્યક્રમનો ભારત સૌથી વધુ લાભકર્તા દેશ છે. ૧લી એપ્રિલથી જે આયાતો પર ટેરિફ લાગુ થવાની છે તે મૂળ રીતે તો ગયા વર્ષના જુનથી લાગુ થવાની હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકસિઝ અને કસ્ટમ્સ દ્વારા આ માટે ખાસ નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેનો અમલ અનેકવેળા મોકૂફ રખાયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારતના સ્ટીલ તથા એલ્યુમિનિયમ પરની આયાત ડયૂટીમાં વધારો કર્યો હતો. ભારત સરકાર દ્વારા આયાત ડયૂટીમાં કરાનારા વધારાને કારણે દેશની તિજોરીને વેરા મારફત ૨૪ કરોડ ડોલરની વધારાની આવક થવાનો અંદાજ છે.
અમેરિકા દ્વારા ભારતના સ્ટીલ તથા એલ્યુમિનિયમ પરની ડયૂટી વધારવાને કારણે ભારતને જેટલી રકમની ખોટ જવાની શકયતા છે તે આ ડયૂટીમાં વધારા મારફત સરભર થઈ જશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2C9pJzT
No comments:
Post a Comment