
સપ્તાહમાં ત્રણ જવાનો શહીદ, એરસ્ટ્રાઇક બાદ પાકે. આઠ ભારતીયોનો ભોગ લીધો
નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર
પાકિસ્તાની સૈન્યએ સરહદે રવિવારે પણ તાપમારો કર્યો હતો. જેને પગલે એક ભારતીય જવાન શહીદ થયો હતો. સરહદે આવેલા ગામડાઓને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. ભારેથી અતી ભારે હથિયારો દ્વારા થયેલા આ ગોળીબારમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ પણ પાકિસ્તાને કર્યો છે.
પાક. સૈન્યએ અહીંના પૂંચ અને રાજોરીમાં રોકેટ પણ છોડયા હતા. ભારતીય સૈન્યએ પણ તેનો આક્રામક રીતે જવાબ આપ્યો હતો. ભારતીય સૈન્યએ પાકિસ્તાની ચોકીઓ પર કરેલા અંધાધુંધ ગોળીબારથી ગભરાઇને પાકિસ્તાની સૈન્યના જવાનોને પાક.નો ઝંડો ઉંધો કરી દીધો હતો અને ભારતીય જવાનોને ત્રાહિમામનો સંદેશો આપ્યો હતો.
જોકે આ પહેલા ભારતીય જવાનો અને પાક. જવાનો વચ્ચે સામસામે ગોળીબાર ચાલી રહ્યો હતો ત્યારે રાજસ્થાનના નાગોરના રહેવાસી ગ્રેનેડીયર હરી ભાકર ગંભીર રીતે ઘવાયા હતા, જેથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તેઓ શહીદ થયા હતા. આ પહેલા ૧૮મી માર્ચે પણ પાકે. કરેલા ગોળીબારમાં રાઇફલમેન કરમજીતસિંહ શહીદ થયા હતા. જ્યારે ૨૧મી માર્ચે રાઇફલમેન યશ પૌલ પણ આ જ વિસ્તારમાં શહીદ થયા હતા. એટલે કે સપ્તાહમાં પાક.ના ગોળીબારમાં ત્રણ જવાનો શહીદ થયા હતા.
બીજી તરફ ભારતીય જવાનોએ અખનૂર સ્થિત પાકિસ્તાની પોસ્ટ પર ભારે તોપમારો કર્યો હતો, જેને પગલે આ પોસ્ટને ભારે નુકસાન પહોંચાડયું હતું, જોકે કોઇ પાકિસ્તાની જવાન માર્યો ગયો હોવાના અહેવાલો નથી, ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવેલી આ જવાબી કાર્યવાહીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની પોસ્ટ અને ત્યાં ઉંધો ફરકાવાયેલો પાક.નો ઝંડો પણ જોવા મળ્યો હતો. એવા દાવા થઇ રહ્યા છે કે આ ઝંડો પાકિસ્તાની સૈન્યએ જ ઉંધો ફરકાવીને ભારતીય સૈન્યને ત્રાહિમામનો સંદેશો આપ્યો હતો. સામાન્ય રીતે આ રીતે ઉંધો ઝંડો ત્યારે જ કોઇ સૈન્ય ફરકાવે છે જ્યારે તે શાંતિનો સંદેશો આપવા માગતું હોય.
પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે જે એરસ્ટ્રાઇક કરી હતી તે બાદ પાકિસ્તાની સૈન્યએ પણ હવાઇ હુમલાનો પ્રયાસ કર્યો હતો પણ તેને નિષ્ફળ રહ્યો હતો. જેને પગલે બદલો લેવાની ભાવનાથી પાકિસ્તાન રોજ સરહદે કાયરતાપૂર્વક ગોળીબાર કરી રહ્યું છે. અગાઉ આ ગોળીબારમાં પાંચ જેટલા ગ્રામજનો પણ માર્યા ગયા હતા. તેથી એરસ્ટ્રાઇક બાદ સરહદે પાક.ના ગોળીબારમાં અત્યાર સુધીમાં ત્રણ જવાનો સહીત આઠ ભારતીયો માર્યા ગયા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YjvXqp
No comments:
Post a Comment