
- પાલિકાની ઘોર બેદરકારીથી રોગચાળો વકર્યાનો આક્ષેપ
- ચાર કલાક લોકો પાલિકામાં બેસી રહ્યા છતાં જવાબદારો ન મળતાં રોષ
નડિયાદ,તા. 1 માર્ચ 2019, શુક્રવાર
ડાકોરમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવતા રહીશોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. છેલ્લાં કેટલાય દિવસથી પીવાના પાણીના નળમાં આવું ગંદુ પાણી આવવાને કારણે ગામમાં રોગચાળો વકર્યો છે. રોષે ભરાયેલા લોકોએ પાલિકા પર હલ્લાબોલ કર્યો હતો. પરંતુ પાલિકામાં ચીફ ઓફિસર હાજર ન હોવાથી અને ૪ કલાક સુધી રાહ જોઇ બેસી રહ્યા છતાં કોઇ સંબંધિત અધિકારીનો સંપર્ક થઇ શક્યો ન હતો. આથી ડાકોરવાસીઓમાંં ઉગ્ર રોષ ફેલાયો હતો.
ડાકોરમાં પાલિકા દ્વારા આપવામાં પીવાના પાણીના નળમાં છેલ્લાં પંદર દિવસથી ગટરનું ગંદુ પાણી આવતું હોવાની બૂમ ઉઠી હતી. આવા ગંદા પાણીને કારણે ડાકોરના વોર્ડ નં. ૫માં ઘેર-ઘેર ઝાળા-ઉલ્ટી-તાવના રોગો વકર્યા છે. અને દિવસે દિવસે દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ગત્ રોજ આ ફરિયાદ લઇ વોર્ડ નં. પના રહીશોએ ડાકોર નગરપાલિકા પર હલ્લા બોલ કર્યો હતો. પરંતુ પાલિકામાં ચીફ ઓફિસર આકાશ કે. પટેલ હાજર ન હતા. ઉપરાંત તેમની ઓફિસના બારણા ઉપર બ્લેક ફિલ્મ પટ્ટી મારેલી હતી.
ફરિયાદ લઇને ગયેલા ગ્રામજનો ચાર ચાર કલાક સુધી ચીફ ઓફિસરની ઓફિસની બહાર રાહ જોઇને બેસી રહ્યા હતા. પરંતુ ચીફ ઓફિસર ન મળતા ગ્રામજનો રોષે ભરાયા હતા. છેલ્લાં પંદર દિવસથી આવું ગંદુ પીવાનું પાણી આવતું હતું, રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારી જ હાજર ન હોવાથી નગરપાલિકાના સત્તાધીશોની લાપરવાહીથી નગરજનોમાં નિરાશા વ્યાપી હતી.
ગંદા પાણીને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને કોઇ અનહોની ન સર્જાય તે પહેલા સત્વરે આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ડાકોરવાસીઓ કરી રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tKcUHN
No comments:
Post a Comment