
ભાવનગર, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં હાલ પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે જ એમ.જે. કોલેજમાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના પુત્ર રીપીટરની પરીક્ષા દરમિયાન કાપલીઓ સાથે ઝડપાઇ ગયેલ અને કોપી કેસ થતા ભાજપના આ નેતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. દરમિયાનમાં આ મામલો જીતુભાઇ વાઘાણીનું નામ જોડાયેલુ હોવાને કારણે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા મૌન ધારણ કરી લેવામાં આવ્યું છે.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ નવા કાયમી કુલપતિની નિમણૂંક થવા પામી છે. અને પરીક્ષા નિયમાનુસાર સમયસર લેવાય અને તેનું પરીણામ પણ સમય આવે તેવા સફળ પ્રયાસ કરવા બાહેધરી આપી હતી. જે મુજબ 23થી પરીક્ષાનો પ્રથમ તબક્કો પ્રારંભ થયો હતો.
આજે ભાવનગરની એમ.જે. કોમર્સ કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે બહારથી સાહિત્ય લાવી કોપી કરાઇ રહી હોવાનું ધ્યાને આવતા વિદ્યાર્થીઓની ઝડતી લઇ તપાસ કરતા પરીક્ષા સબંધી કાપલીઓ મળી આવી હતી. જેમાં સ્વામી વિવેકાનંદ કોલેજના બી.સી.એ. સેમ-1માં અભ્યાસ કરતા અને રીપીટર તરીકે પરીક્ષા આપવા બેઠેલ મીત જીતુભાઇ વાઘાણી પાસેથી પણ ગેરકાયદે સાહિત્ય મળી આવ્યું હતું. જોકે તુરંત જ પોતે પકડાતા કોલેજમાં હોબાળો પણ કર્યો હતો. અને માઠા પરિણામ ભોગવવા પ્રાધ્યાપકને ધમકી આપી હોવાનું પણ જાણવા મળેલ છે.
આ અંગે એમ.જે. કોલેજનાં પ્રાધ્યાપક વાટલીયાનો સંપર્ક કરતા બે રીંગો બાદ ફોન સ્વીચ ઓફ થયો હતો. જ્યારે રજીસ્ટ્રાર કૌશિકભાઇ ભટ્ટનો ફોન પણ નો રિપ્લાય જ રહ્યો હતો. ફોન ઉપાડી જવાબ આપવામાં જાણે કોઇએ સમ દિધા હોય તેમ સહું અધિકારીના ફોન સતત રણકતા રહ્યા હતા. આ અંગે કુલપતિએ એમ.જે. કોલેજમાંથી ચાર અને મહુવામાંથી ત્રણ કોપીકેસ ઝડપાયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે પ્રદેશ પ્રમુખના દિકરાના મુદ્દે તેઓએ પણ જાણે મૌન વ્રત લીધુ હોય તેમ કશો જવાબ દેવા સક્ષમતા બતાવી નહતી.
આજે પરીક્ષા 11.30 થી 2 વાગ્યાના અરસામાં આ ઘટના ઘટયા બાદ ગણતરીના કલાકોમાં સોશ્યલ મીડિયામાં આ વાત પ્રસરી જવા પામી હતી. યુનિવર્સિટી ઓડીનન્સ એક્ટ મુજબ પરીક્ષાનું સીધુ સંચાલન વી.સી.ના અંડરમાં રહેતુ હોવા છતા મીત જીતુભાઇ વાઘાણીનું નામ આવતા તે સહિત તમામ અધિકારીઓના મોઢા સિવાઇ ગયા હતા. મીત વાઘાણી કોપી કરતા ઝડપાયો તેની સાથે જીતુ વાઘાણીને કોઇ સીધો સંબંધ ન ગણી શકાય પરંતુ પ્રદેશ અધ્યક્ષ હોવાના નાતે મુદ્દો ચકચારી બન્યો છે.
વી.સી.ની રેસમાં કપાતા દાવ લીધાની ચર્ચા
એમ.જે. કોલેજના પ્રોફેસર વાટલીયા ભાવનગર યુનિ.ના વાઇસ ચાન્સેલરની રેસમાં હતા. તમામ પ્રયત્નો છતાં પદ મળ્યું ન હતુ. આ મામલે દિવાની દાઝ કોડીયા પર ઉતારી હોય તેવી ચર્ચા પણ યુનિવર્સિટી વર્તુળોમાં થઇ રહી છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WBvGO7
No comments:
Post a Comment