
વર્ષ 2012થી પ્રસિદ્ધ થતાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટનો ઉદ્દેશ દરેક દેશના શાસકોને આયનો દેખાડવાનો છે કે તેમની નીતિઓ લોકોના જીવન સુખી બનાવવામાં કોઇ ભૂમિકા ભજવી રહી છે કે નહીં
સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરવામાં આવેલા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ ૨૦૧૯માં ભારત ગયા વર્ષના ૧૩૩મા સ્થાનથી સાત નંબર ગબડીને ૧૪૦મા સ્થાને આવી ગયું છે. એ ખરેખર ચિંતાની બાબત છે કે સુખી સમાજની યાદીમાં આપણા દેશનું સ્થાન સતત નીચે ગબડી રહ્યું છે. ખાસ વાત એ કે પ્રસન્નતાના મામલે આપણે પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના મોટા ભાગના પાડોશી દેશો કરતા પાછળ છીએ. રિપોર્ટમાં ફિનલેન્ડને સતત બીજા વર્ષે દુનિયાના સૌથી ખુશ દેશ તરીકેનો શિરપાવ મળ્યો.
ખુશહાલી માપવાનો ખ્યાલ ભૂટાન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ભૂટાનના પ્રસ્તાવ પર યૂ.એન.એ ૨૦૧૨માં પહેલો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ રજૂ કર્યો હતો અને ૨૦ માર્ચને વર્લ્ડ હેપીનેસ ડે જાહેર કર્યો હતો. પહેલા રિપોર્ટમાં ભારત ૧૧૧મા સ્થાને હતું અને ડેનમાર્ક પહેલાં સ્થાને હતું.
પહેલા હેપીનેસ રિપોર્ટથી લઇને અત્યાર સુધી કેટલાંક દેશો એવાં છે જે પહેલા દસ ક્રમાંકે જળવાઇ રહ્યાં છે. આવા દેશોમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રિયા, આઇસલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. ટોપ ટેનની યાદીમાં આ દેશોના સ્થાન ચડઉતર થતા રહે છે. વિટંબણા એ છે કે ટોપ ટેન ખુશહાલ દેશોમાં એશિયાનો એક પણ દેશ નથી.
આમ તો ખુશી એટલે કે હેપીનેસ માપવાનો કોઇ માપદંડ નથી હોતો કારણ કે દરેક વ્યક્તિના ખુશ રહેવા માટેના કારણો જુદાં જુદાં હોય છે. પ્રસન્નતા એ દરેકની વ્યક્તિગત મનોસ્થિતિ છે. પરંતુ યૂ.એન. દ્વારા ખુશહાલી માપવાના અમુક માપદંડ નક્કી કરવામાં આવ્યાં છે.
આ યાદી તૈયાર કરવા માટે અર્થશાસ્ત્રીઓની એક ટીમ દરેક દેશમાં સુશાસન, ભ્રષ્ટાચાર, માથાદીઠ આવક. સ્વાસ્થ્ય, આયુષ્ય, સામાજિક સહયોગ, સ્વતંત્રતા, ભરોસો, ઉદારતા, દાનશીલતા વગેરે માપદંડોનો આધાર લે છે. આ રિપોર્ટનો ઉદ્દેશ દરેક દેશના શાસકોને આયનો દેખાડવાનો છે કે તેમની નીતિઓ લોકોના જીવન સુખી બનાવવામાં કોઇ ભૂમિકા ભજવી રહી છે કે નહીં.
નવાઇની બાબત એ છે કે છેલ્લા થોડા સમયથી ભારતની અર્થવ્યવસ્થા તેજી પકડી રહી છે અને અનેક આંતરરાષ્ટ્રીય આર્થિક સંગઠનો આ મામલે ભારતની પીઠ પણ થાબડી રહ્યાં છે તેમ છતાં ખુશહાલીના મામલે ભારતનું સ્થાન સતત નીચે ગબડી રહ્યું છે જે ચિંતાની બાબત છે.
હેપીનેસ ઇન્ડેક્સ અને આર્થિક આંકડા વચ્ચે તુલનાત્મક અધ્યયન કરતા એવો ગંભીર સવાલ પણ ખડો થાય છે કે ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા લોકોને ખુશ રાખવામાં મદદરૂપ થઇ રહી છે કે નહીં. અનેક નબળી અને નાની અર્થવ્યવસ્થા ધરાવતા દેશો પણ ભારતની સરખામણીમાં વધારે ખુશ છે. ભારતની અર્થવ્યવસ્થા વિશે દાવા થાય છે કે થોડા વર્ષોમાં એ ચીનના મુકાબલો કરવા લાગશે. તો શું આપણે દુનિયાના સૌથી ખુશહાલ દેશ બની જઇશું?
ભારતમાં આર્થિક વિકાસનો લાભ ગણ્યાગાંઠયાં લોકોને મળી રહ્યો છે જે ચિંતાની બાબત છે કારણ કે અબજોપતિઓની સંખ્યામાં થઇ રહેલો વધારો સંપન્ન અર્થવ્યવસ્થાનો સંકેત નથી. આ એક નિષ્ફળ આર્થિક વ્યવસ્થાનું લક્ષણ છે. આ પ્રકારનું વધી રહેવું વિભાજન લોકતંત્રને પણ નબળી કરે છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે.
વધી રહેલી આર્થિક અસમાનતાનો પ્રજામાં ભારે આક્રોશ છે. મૂક પ્રજા આ મામલે સરકાર સામે કશું બોલી શકતી ન હોવાથી અરાજકતા અને હિંસક માહોલ દ્વારા આ રોષ વ્યક્ત કરે છે. શ્રીમંતો પાસે જમા થઇ રહેલી આ સંપત્તિનો દેશના અર્થતંત્રમાં કોઇ ફાયદો પણ નથી કારણ કે આવી સંપત્તિ અર્થતંત્રની બહાર જતી રહે છે.
સામાન્ય રીતે જુદાં જુદાં દેશોની સરકારો વિવિધ આંકડા એકઠા કરતી હોય છે કે જેથી કરીને દેશના લોકોને વધારે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય. પરંતુ ભારત સરકાર આવા કોઇ આંકડાં એકઠાં કરતી નથી કે જેથી કરીને તેના ઉપર કશું ન કરવાનો આરોપ જ ન મૂકી શકાય. રોજગારીના આંકડા એકઠા કરવાનું કામ પણ ખાનગી સંસ્થાઓ કરી રહી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮માં લગભગ ૧.૦૯ કરોડ ભારતીયોએ પોતાની નોકરી ગુમાવી છે.
રિપોર્ટ અનુસાર નબળા વર્ગો સાથે સંકળાયેલા લોકોને નોકરીમાં થયેલા નુકસાનનો સૌથી વધારે ભોગ બન્યાં. થોડા વખત પહેલાં જ નેશનલ સ્ટેટેસ્ટિક્સ કમિશનના આંકડા લીક થઇ ગયાં હતાં જેના અનુસાર દેશમાં બેરોજગારી છેલ્લા ૪૫ વર્ષની ટોચે છે. મોદી સરકારે રિપોર્ટ ઉપર જ રોક લગાવી દીધી અને એવી દલીલ કરી કે હજુ કેટલાંક ત્રિમાસિક આંકડા આવવાના બાકી છે . સરકાર ભલે રદિયો આપે પરંતુ ચૂંટણીના થોડા મહિના પહેલાં જ બહાર પડેલા આંકડાઓએ રોજગારીની સ્થિતિ જાહેર કરી દીધી છે.
ગયા જ વર્ષે ભારત યુરોપના વિકસિત દેશ ફ્રાન્સની અર્થવ્યવસ્થાને પછાડીને દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ દેશમાં ગરીબી અને ભૂખમરાનો કાયમી ઇલાજ શોધી શકાયો નથી. પરમાણુ સત્તા અને અવકાશક્ષેત્રે પ્રગતિ સાધી હોવાના દાવાઓ વચ્ચે દેશનો બીજો ચહેરો પણ જોવા મળે છે જેમાં ગરીબો ભૂખના કારણે મરી રહ્યાં છે. ગ્લોબલ હંગર રિપોર્ટ ૨૦૧૭ની ૧૧૯ દેશોની યાદીમાં ભારત ૧૦૦મા સ્થાને છે.
ભુખમરાના મામલે એશિયાના દેશોમાં ભારતની સ્થિતિ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા જ થોડી સારી કહી શકાય એવી છે. ચીનની વાત તો છોડો, બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળ અને શ્રીલંકા કરતા પણ ભારતમાં વધારે ભૂખમરો છે. એક બાજુ આપણે આફ્રિકાના પછાત દેશો અને નેપાળ, મ્યાંમાર, ભૂટાન, શ્રીલંકા જેવા પાડોશી દેશોને આર્થિક સહાય કરીએ છીએ અને બીજી બાજુ દેશના જ કરોડો ગરીબો રોજ ભૂખ્યા સૂઇ જતાં હોય છે.
ગયા વર્ષે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઇન્ક્લૂઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ૧૦૩ દેશની યાદીમાં ભારત ૬૨મું સ્થાન મળ્યું હતું. ઇન્ક્લૂઝિવ ડેવલપમેન્ટ એટલે સમાવેશી વિકાસ. સાદી ભાષામાં સમજવું હોય તો દેશમાં સમાજના તમામ વર્ગો જેવા કે ગરીબ, શ્રીમંત, મહિલા, તમામ જાતિ અને સંપ્રદાયના લોકોનો સમાન વિકાસ થતો હોય તો તેને સમાવેશી વિકાસ કહી શકાય. આમ આ ઇન્ડેક્સ આપણી સરકારના સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસને પ્રતિબિંબિત કરે છે.
પરંતુ આવું સૂત્ર આપનાર દેશમાં જ આનું ઉલટું ચિત્ર જોવા મળી રહ્યું છે. આ ઇન્ડેક્સમાં ભારત જેની સાથે સ્પર્ધાની વાતો કરે છે એ ચીનને ૨૬મું સ્થાન મળ્યું હતું. તો પાકિસ્તાન જેવું પાકિસ્તાન આ યાદીમાં ૪૭મા સ્થાને એટલે કે ભારતથી આગળ હતું. એટલું જ નહીં, શ્રીલંકાને ૪૦મો અને બાંગ્લાદેશને ૩૪મો ક્રમાંક મળ્યો હતો મતલબ કે આપણા કરતા પછાત ગણાતા આપણા પાડોશી દેશો પણ સમાવેશી વિકાસના મામલે આપણાથી આગળ હતાં.
દેશમાં સંપત્તિનો અવિરત પ્રવાહ વહે છે પરંતુ તેનો ફાયદો એ લોકોને જ મળે છે જે પહેલેથી જ સમૃદ્ધ છે. જુદાં જુદાં દેશોની સરકારો પણ ગરીબોના પક્ષમાં નીતિઓ ઘડવાના સ્થાને ગરીબોને ભરમાવવામાં જ રચીપચી રહે છે. દેશમાં મનરેગા જેવી ગરીબો માટેની નીતિઓ બની તો ખરી પરંતુ આવી નીતિઓ ગરીબોની દેશની ઉત્પાદન વ્યવસ્થામાં જોડવાના બદલે તેમનો જીવન નિર્વાહ કરવા પૂરતો જ રહ્યો.
અન્ય એક રિપોર્ટ અનુસાર દેશમાં રોજના ૧૨૦ રૂપિયા કમાતા લોકોનો મૃત્યુદર વૈશ્વિક સરેરાશ કરતા ત્રણ ગણો વધારે છે. મતલબ કે ગરીબો વધારે ઝડપથી મરી રહ્યાં છે. જે સરકારી હોસ્પિટલોમાં ગરીબો સારવાર માટે જાય છે તેમના માટે સરકાર જીડીપીના માત્ર ૧.૧૫ ટકા ફાળવે છે. દુનિયાના જૂજ દેશોમાં સ્વાસ્થ્ય બજેટ આટલું ઓછું હશે. પરંતુ સરકારને આની કોઇ ફિકર હોય એવું લાગતું નથી.
તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાના ઘણાં ખરાં દેશોની સરખામણીમાં ભારતમાં ઇન્ટરનેટની કિંમત સાવ ઓછી છે. સસ્તા સ્માર્ટફોન અને ફ્રી મળતા ડેટા પેકેજના કારણે ઘણાં ખરાં લોકો અને ખાસ તો દેશનું યુવાધન વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે આંખ મીંચામણાં કરીને સ્માર્ટ ફોનમાં માથું ખૂંપાવીને ફોરવર્ડેડ મેસેજિસને આગળ ફોરવર્ડ કરવામાં વ્યસ્ત છે.
બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર, સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ કોરાણે મૂકીને લોકો સ્માર્ટ ફોનના ગુલામ થઇ ગયાં છે. સરકાર માટે પણ આ સ્થિતિ લાભકારક છે કારણ કે આવી સમસ્યાઓ પ્રત્યે અવાજ ઉઠાવવાના બદલે લોકો ટચસ્ક્રીન પર આંગળા ફેરવવામાં જ લાગેલા રહે છે. એક જોતાં તો વિકરાળ સમસ્યાઓ ઉકેલવામાં સમર્થ ન હોવાના કારણે સામાન્ય માનવીએ જાણે ખુશ રહેવા માટે મોબાઇલ ફોનમાં આશરો શોધી લીધો છે.
ખુશહાલ ભારતનું નિર્માણ કરવા માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે. હેપીનેસ ઇન્ડેક્સ માટે જે માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે એ માપદંડો પર સરકાર ખરી ઉતરે છે કે નહીં એ ચકાસવાની જરૂર છે. ખરેખર તો વિકાસની સાર્થકતા એમાં છે કે જેમાં દેશના સામાન્ય લોકો પોતાને સંતુષ્ટ અને આશાવાન અનુભવે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fv46el
No comments:
Post a Comment