ચોમેર ફેલાયેલા અંધકારમાં પ્રકાશનું કિરણ શોધતી હતી ! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

ચોમેર ફેલાયેલા અંધકારમાં પ્રકાશનું કિરણ શોધતી હતી !


હસ્તી કી યે રાત તો કભી ભી ખત્મ હો જાતી હૈ, મગર તુમ્હારી યાદ કે ઉજાલે હમેશાં સાથ રહતે હૈ.

ચોપાસ ઘોર અંધકાર છવાયેલો હોય તેવી ઘડીએ ઝળહળતા સૂર્યપ્રકાશની કલ્પના કરવી, એ કોઇને બેવકૂફી લાગે તો કોઇ એને પાગલપન માને ! પરંતુ આવી ગણતરી બહારની બેવકૂફીમાંથી જ નવી દુનિયા સર્જાતી હોય છે અને આવા પાગલપનમાંથી જ માનવી તમન્નાના તપ કરતાં હોય છે.

સેરેબ્રલ પાલ્સીથી પીડિત એવા જન્મજાત લકવાની ખોડ ધરાવતા પુત્ર ડીંગને ચૉપસ્ટિક્સથી ભોજન કરવાનું શીખવવા માટે એની માતા ઝોઉએ પુષ્કળ પ્રયત્નો કર્યા. અથાગ પ્રયાસ કર્યા પછી દીકરો ડીંગ ચૉપસ્ટિક્સથી ભોજન કરતાં શીખ્યો. ઝોઉના પારાવાર દુઃખી જીવનમાં આ એક આનંદનો અવસર બન્યો.

શક્તિહીન, વિકલાંગ અને મંદબુદ્ધિ ધરાવતું તથા શારીરિક પરેશાનીઓ વચ્ચે માંડ માંડ શ્વાસ લેતું બાળક જન્મશે એવું ડૉક્ટરે કહેતાં ઝોઉના પતિએ ગર્ભપાત કરાવવાનો વિચાર કર્યો હતો, ત્યારે ઝોઉના માતૃત્વએ એની સામે બંડ પોકાર્યું. પતિએ તેને તજી દીધી, ત્યારે ઝોઉએ શિક્ષિકાની નોકરી કરીને અને વધારાના સમયમાં વીમાકંપનીમાં કામ કરીને અનેક મુશ્કેલીઓ વચ્ચે દીકરા ડીંગને સ્વમાનભેર જીવાડવા માટે પ્રયત્ન કર્યો.

ફિઝિયોથેરાપી વખતે થતી પીડાથી ભલભલાનું હૈયું ભાગી જાય તેવે સમયે માતા ઝોઉએ, પોતાના પુત્રને હિંમત આપી. પોતાનો પુુત્ર બીજા વિદ્યાર્થીઓ જેટલો જ સક્ષમ છે એ સિદ્ધ કરવા માટે ઝોઉએ પ્રયત્નો કર્યા. ઝોઉને શાળાનું કાર્ય પૂરું કરવામાં અને પરીક્ષાઓ આપવામાં ઘણો સમય લાગતો હતો.

વળી વ્યાયામના વર્ગોમાં એ બીજા વિદ્યાર્થીઓ સાથે તાલ મેળવી શકતો નહોતો, પરંતુ ઝોઉએ એના સહાધ્યાયીઓ કરતાં ડીંગ વધુ પ્રયત્ન કરે તેવો આગ્રહ સેવ્યો. એ માટે ઝઝૂમવા પુત્રને તૈયાર કર્યો અને એને પરિણામે ડીંગ માધ્યમિક શિક્ષણ મેળવવા માટે સક્ષમ બન્યો.

નિશાળમાં તો જિંદગીના ઘણાં કડવાં-મીઠાં અનુભવો થાય. ડીંગ તેર વર્ષનો હતો, ત્યારે જુનિયર મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ તેની આવી પરિસ્થિતિ સામે ઉપહાસને ઠઠ્ઠા-મશ્કરી કરતા હતા. એ સમયે સેમેસ્ટરની શરૂઆતમાં લશ્કરી તાલીમ લેવી પડતી અને તાલીમમાં ટટ્ટાર ઊભા રહેવું પડતું.

એક સાથે આગેકૂચ કરવી પડતી. ડીંગની શારીરિક સ્થિતિ જોઇને આ આકરી તાલીમમાંથી એને મુક્તિ આપવા માટે શિક્ષક સંમત થયા, પરંતુ બીજા વિદ્યાર્થીઓએ આ વાતનો સ્વીકાર કરવાને બદલે ડીંગની ઠઠ્ઠા-મશ્કરી કરતું એક ગીત બનાવ્યું અને જોરજોરથી ગાવા લાગ્યા.

પરિણામે ડીંગે શાળાએ જવાનું બંધ કર્યું, એની માતાને સમજાતું નહોતું કે કયા કારણે ડીંગ નિશાળે જતો નથી. એક દિવસ ઝોઉને આ હકીકતની ખબર પડી એટલે એણે શાળામાં રજૂઆત કરી. શાળાએ ખાતરી આપી અને ડીંગ શાળામાં જવા લાગ્યો. ધીરે ધીરે ડીંગના સહાધ્યાયીઓ પણ ડીંગના અથાગ પુરુષાર્થને દાદ આપવા લાગ્યા અને એની હાંસી ઉડાવવા કે ઠઠ્ઠા મશ્કરી કરવાને બદલે ડીંગના પ્રયત્નોને દાદ આપવા લાગ્યા. એ સમયને યાદ કરતા ડીંગ કહે છે કે એના શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું,

'તમે ડીંગને ઇડિયટ કહો છો, તો તમારી કક્ષા તો એનાથીય ઉતરતી છે. તમે બધા ખરેખર એના કરતાં ય સુપર ઇડિયટ છો.'

ડીંગનો અભ્યાસ આગળ વધવા લાગ્યો. શિક્ષકો એને ચાહવા લાગ્યા અને વિદ્યાર્થીઓ પણ એના પ્રયત્નોને દાદ આપવા લાગ્યા. માતા ઝોઉ ડીંગને આશાવાદી મનોવૃત્તિ સાથે ઉત્સાહભેર ઉછેરતી હતી અને એ આશાવાદને કારણે જ એ ક્યાંય હાર માનતી નહોતી. એણે ડીંગને હોમવર્ક કરવા માટે કોઇ માર્ગદર્શન આપ્યું નહીં અને કોઇ ટયૂશન-ક્લાસ ભરવા મજબૂર કર્યો નહીં. 

ડીંગ એની પાસેથી કોઇ પ્રશ્નનો ઉત્તર મેળવવા પ્રયત્ન કરે તો હસતાં હસતાં કહેતી કે 'તારી માતા તો સાવ નિરક્ષર છે, એને ક્યાંથી આવડે ?' આની પાછળ એનો એક જ મકસદ હતો કે પોતાનો પુત્ર પોતાની સમસ્યાના ઉકેલ માટે બીજા પર આધાર રાખવાને બદલે જાતે સક્રિય બનીને સ્વતંત્ર રીતે ઉકેલ શોધે.

આથી તો ગર્ભાવસ્થા દરમિયાન જ વહેલી સવારે ઊઠીને ઝોઉ ગર્ભાવસ્થાને લગતાં પુસ્તકો વાંચતી હતી. એને માટે જરૂરી કેળવણી પણ લીધી હતી અને ગર્ભસ્થ શિશુને યોગ્ય પોષણ મળી રહે તે માટે એ તાજાં શાકભાજી ખરીદવા માટે લાંબા અંતર સુધી જતી, સવારમાં બેચેની હોય કે અનિચ્છા હોય, તો પણ આવનારા શિશુના સ્વાસ્થ્યને કાજે એ શાકભાજી ખાતી હતી.

આથી જે ક્ષણે ડીંગ ઊભો થઇને ચાલવા લાગ્યો અને પહેલીવાર એણે ઝોઉને 'મોમી' કહીને બોલાવી, ત્યારે એના આનંદનો પાર ન રહ્યો. જાણે સ્વર્ગમાંથી કોઇ વરદાન સાંપડયું હોય તેવો એને અનુભવ થયો. આ એની જિંદગીનો  સૌથી સુખમય દિવસ લાગ્યો.

માતા ઝોઉની પોતાની આગવી દુનિયા હતી. બાળઉછેર માટેના એના આગવા ખ્યાલો હતા. એની દ્રષ્ટિ બાળકની શારીરિક મર્યાદા પર રહેતી નહોતી, પરંતુ એ મર્યાદાને પાર કરવા માટેની મથામણ પર રહેતી હતી. ઝોઉના શબ્દકોશમાં 'નિરાશા'  કે 'વસવસો'  જેવો કોઇ શબ્દ નહોતો.

ડીંગને માટે સદૈવ ઉજળી આશાઓ સેવતી આ માતાએ હંમેશાં જીવનની રાહ પર આગળ પથરાયેલા પ્રકાશને જોતી હતી. એની આંખ અજવાળાને ઓળખનારી હતી અને અંધારાને અવગણનારી હતી. આથી એ માનતી કે બાળકે જાતે જ નવી નવી બાબતો શીખવી જોઇએ. ડીંગ જોતો હતો કે બીજા બાળકોના માતાપિતા કાાબેલ હતા, પરંતુ બાળકોને ભણાવવાની બાબતમાં નિષ્ફળ જતા હતા જ્યારે એની માતાએ હંમેશાં મુશ્કેલીમાં મદદરૂપ થાય તેવી સારી ટેવો પાડવા માટે પ્રયત્ન કર્યો.

ઝોઉ પોતાના પુત્રની સાથે મહત્ત્વની બાબતોની ચર્ચા પણ કરી શકતી અને ડીંગ સ્વીકારે છે કે એમના મજબૂત સંબંધોના પાયામાં એકબીજાને સમાન ગણવાની વાત મુખ્ય હતી. બાળકને પોતાની સમાન ગણવો અને એનું સ્વમાન જાળવવું એ બે બાબતો ઝોઉના દુનિયામાં મહત્ત્વની હતી અને આથી જ પોતાનું સંતાન બીજાં બાળકો જેવું અને એને કોઇને અવગણના કે અપમાન સહેવાનો વારો ન આવે એનો ઝોઉએ સતત ખ્યાલ રાખ્યો.

એણે હુબેઈ પ્રોવિન્સલ હૉસ્પિટલ ઑફ ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસીનના બાળરોગના નિષ્ણાત ડૉક્ટર એક્સીઓ ડલિક્વીની પાસે પોતાના પુત્રની સારવાર કરાવી. ૭૫ વર્ષના ડૉક્ટર આજે કહે છે, 'મેં ડીંગ એક વર્ષનો હતો ત્યારથી એને સેરેબ્રલ પાલ્સીની સારવાર શરૂ કરી હતી. તેની માતા એક વર્ષનો થયો ત્યારથી દસ વર્ષ સુધી હાર્યા થાક્યા વિના તેની સારવાર માટે ખાસ ધ્યાન આપતી રહી, તેથી તે આટલી કક્ષાએ સાજો થઇ શક્યો, સેરેબ્રલ પાલ્સના દર્દીને શરૂઆતથી જ સતત સારવાર કરવી અત્યંત મહત્ત્વની  હોય છે.'

તો બીજા ડૉક્ટર એક્સેનહુઆ કહે છે, 'ઘણા અલ્પ પ્રમાણમાં ઑક્સિજન લેતા નુકસાન પામેલા મગજવાળા દર્દીઓનો બુદ્ધિ આંક ઓછો હોય છે. ડીંગની બાબતમાં મને લાગે છે કે વહેલી અને સતત સારવાર તથા તેની માતાના મજબૂત સાથની બાબતે તેના સાજા થવામાં ચાવીરૂપ ભાગ ભજવ્યો.'

અભ્યાસમાં સતત આગળ વધતો ડીંગ છેક યુનિવર્સિટીના દરવાજે પહોંચ્યો. એની માતા ઝોઉ એની પ્રેરણાદાતા હતી. આગળ અભ્યાસ કરવા માટે એ સતત પ્રોત્સાહિત કરતી. પેકિંગ યુનિવર્સિટીની ઉત્તમ શૈક્ષણિક સંસ્થામાં એને 'એન્વાર્યન્મેન્ટલ સાયન્સિસ એન્ડ એન્જિનિયરિંગ'માં પ્રવેશ મેળવ્યો.

શારીરિક મર્યાદાઓને કારણે એને પારાવાર મુશ્કેલી પડતી હતી. કેટલાક રાસાયણિક પ્રયોગો કરવા એને માટે શક્ય નહોતા, આમ છતાં એ સહેજે હતાશ થયો નહીં. માતાની ભાવના સતત એને પ્રેરતી રહેતી હતી. અભ્યાસમાં  અવરોધ તો આવવાના જ,પણ આપણે એને આનંદથી ઓળંગવાના હોય. 

આનંદથી અવરોધ ઓળંગે એ જ જીવનમાં પ્રગતિની આગેકૂચ કરી શકે છે અને આખરે ડીંગે પેકિંગ યુનિવર્સિટીના 'એન્વાર્યમેન્ટલ સાયન્સિસ ઍન્ડ એન્જિનિયરિંગ' વિષયના સ્નાતકની પદવી મેળવી, ડીંગને આગેકૂચનો મહિમા સમજાયો.  માતાની પ્રેરણાને  એ નતમસ્તક  સ્વીકારી રહ્યો.

જિંદગી એટલે જ સંઘર્ષ અને જીવવું એટલે અ સંઘર્ષોને મહાત કરવા. માત્ર સ્નાતકની પદવી એ ડીંગની જીવનનું પૂર્ણવિરામ નહોતું. એ તો અલ્પવિરામ ગણાય. કારણ કે ડીંગ જાણતો હતો કે હજુ એણે વધુ અભ્યાસ કરવાનો છે. અરે ! માતાએ આપેલું અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીનું સ્વપ્ન સાકાર કરવાનું છે અને આટલા અવરોધો પાર કર્યા પછી ભવિષ્યમાં લોઢાના ચણા ચાવવા જેવું  કામ તો નોકરી  મેળવવાનું હજી બાકી હતું.

એણે બીજો અભ્યાસક્રમ પસંદ કર્યો. પર્યાવરણ અને ઇજનેરી વિદ્યાના આ સ્નાતકે પેકિંગ યુનિવર્સિટીની 'સ્કૂલ ઑફ ટ્રાન્સનેશનલ લૉ કૉલેજ'માં ચીનનાં અને અમેરિકાના કાયદાઓનો અભ્યાસ કરીને માસ્ટર્સની ડિગ્રી મેળવી. આને પરિણામે એને હાર્વર્ડની ઉત્તમ એવી ઈવી લીગ ઈન્સ્ટિટયૂશનમાં પ્રવેશ મેળવ્યો. 'માસ્ટર્સ ઑફ લો'ની પદવી મેળવી બેઇજિંગ અને શાંગહાઈ જેવાં શહેરોમાં કાયદા આધારિત વ્યવસાય મેળવવા માટે એ ચીન પાછો ફર્યો. મનમાં તો ચિંતા હતી કે કોણ એને નોકરી આપશે પરંતુ ચીનની વિખ્યાત  ઇન્ટરનેટ કંપનીએ એને નોકરી આપી.

આજે માતા ઝોઉ મિડિયાને મુલાકાત આપતા એટલું જ કહે છે કે, 'સેરેબલ પાલ્સી અસંખ્ય બાળકોને લાગુ પડે છે. એના પુત્રની વાત બીજાઓને પ્રેરણા આપશે કે એમણે એમના બાળકોને વહેલામાં વહેલી તકે ફિઝિયોથેરાપી સેન્ટરમાં સારવાર આપવી જોઇએ.'

ઝોઉને વર્ષો પહેલાં એની શેરીમાં એક મહિલા મળી હતી. એનો પુત્ર પણ ડીંગ સાથે ફિઝિયોથેરાપી સેન્ટરમાં જતો હતો, પરંતુ એ સ્ત્રીએ એક મહિના પછી પોતાના પુત્રને આ થેરપી અપાવવી બંધ કરી. એને લાગ્યું કે એનો દીકરો આ થેરપી લેતી વખતે અત્યંત કષ્ટ અનુભવે છે. એ પોતાના દીકરાની પીડા જોવા માટે સક્ષમ નથી. પરંતુ એ સ્ત્રીએ જ્યારે સાંભળ્યું કે ડીંગ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા સક્ષમ બન્યો છે, ત્યારે એ ધુ્રસકે ને ધુ્રસકે રડી પડી કારણ કે એનો દીકરો એ સમયે ઘરમાંથી  બહાર પણ નીકળી શકતો નહોતો.

એકલે હાથે ડૉક્ટરોએ જેની આશા છોડી હતી અને પિતાએ જેને તરછોડયો હતો તેવા લકવાથી પીડાતા બાળકને હાર્વર્ડ યુનિવર્સિટી સુધી અભ્યાસ કરાવનાર માતાના સમર્પણ સામે ડીંગ ઝૂકી જાય છે, ત્યારે ઝોઉ કહે છે કે 'એણે એની જાતને કદી મહાન માતાનો દરજ્જો આપ્યો નથી, એ તો માત્ર પુત્રની સતત પ્રગતિ માટે ખેવના કરતી માતા છે.'



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uuLAO5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages