દિલીપને 'ધ ગ્રેટ એસ્કેપ' જેવી બીજી સાહસકથા સર્જવી હતી... - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

દિલીપને 'ધ ગ્રેટ એસ્કેપ' જેવી બીજી સાહસકથા સર્જવી હતી...


કેદી છાવણીમાંથી ભાગી છૂટવાના પ્લાન વિશે દિલીપે પોતાના સાથીદારોને વાત કરી

ભારત-પાક. વચ્ચે યુદ્ધ વિરામ થયા પછી યુદ્ધ કેદીઓને થોડી છૂટછાટ અપાઈ

ફાઇટર પ્લેનના પાયલોટની ફરજમાં સૌથી મોટું જોખમ યુધ્ધકેદી તરીકે પકડાઇ જવાનું રહેતું હોય છે. યુધ્ધ દરમિયાન ફાઇટર પ્લેન તુટી પડે તો મોટાભાગે એ દુશ્મન દેશના વિસ્તારમાં જ તુટી પડતું હોય છે, અને તે વેળા આસપાસ એકઠા થયેલા લોકટોળા શત્રુ રાષ્ટ્રના પાયલોટને આડેધડ મારવાનું પણ નથી ચુકતા. 

૧૯૬૫નું પાક. સાથેનું યુધ્ધ પુરૂં થયું એ પછી દિલીપે મનોમન મજબૂત ગાંઠ વાળી દીધી હતી કે ભવિષ્યમાં ક્યારેક યુધ્ધ થાય અને હુ જો યુધ્ધ કેદી તરીકે પકડાઇ જઇશ, તો યુધ્ધકેદીની છાવણીમાંથી ભાગી છુટવાના બધા જ પ્રયાસો હું કરીશ....

દિલીપ માટે યુધ્ધ કેદીની છાવણીમાંથી ભાગી છૂટવાનો પ્લાન ઘડવાની ઘડી હવે આવી પહોંચી હતી. કેદી છાવણીમાંથી ભાગી છૂટવું એ દિલીપ માટે કેવળ ફરજ જ નહોતી પરંતુ ભાગી છૂટવાનો ચોક્સાઇભર્યો એવો પ્લાન બનાવવો કે જેથી સંભવિત પણે રસ્તામાં સર્જાનાર તમામ મુશ્કેલીઓ કે અવરોધો પાર પાડીને છટકી જવાય અને આ વાત દિલીપ માટે પડકારભર્યા સાહસરૂપ હતી. દિલીપ ગમે તે ભોગે આ સાહસ ખેડવા માટે આતુર હતો.

દિલીપે 'ધ ગ્રેટ એસ્કેપ' નામની અંગ્રેજી ફિલ્મમાં હીરો સ્ટીવ મેકવીનના સાહસને રૂપેરી પડદે જોયું હતું. બીજા વિશ્વ યુધ્ધમાં જર્મનીની યુધ્ધ કેદીઓ માટેની છાવણીમાંથી ૭૦ જેટલાં બ્રિટિશ- અમેરિકન યુધ્ધકેદીઓ સાહસ ખેડીને ભાગી છૂટયા હતા. તેમની આ શૂરવીરતા ભરી સાહસકથા ''ધ ગ્રેટ એસ્કેપ'' ફિલ્મમાં સરસ રીતે દર્શાવાઇ છે.

''ધ ગ્રેટ એસ્કેપ'' ફિલ્મ દિલીપ માટે એક માર્ગ સૂચક, દિશા સૂચક કે પથદર્શક બની ગઇ. એ ૭૦ યુધ્ધ કેદીઓએ જે રીતે ભાગવાની પૂર્વ તૈયારી કર્યા બાદ કઇ રીતે એ લોકો ભાગ્યા અને માર્ગમાં આવનારી સંભવિત મુશ્કેલીઓના આગોતરા ઉકેલ એ કેદીઓએ ચીવટાઇથી તૈયાર કર્યા બાદ મક્કમ નિર્ધાર સાથે એ લોકો ભાગ્યા તેનું સમગ્ર ચિત્રણ દિલીપના મનમાં બરાબરનું ઠસી ગયું હતું.

હવે ભાગવાનો વારો દિલીપનો હતો. એ ૭૦ કેદીઓની સ્ટોરી ''ધ ગ્રેટ એસ્કેપ'' માં દર્શાવાઇ છે તો પછી હવે ''ઇન્ડિયન એસ્કેપ સ્ટોરી'' કેમ ન બને? દિલીપના મનમાં આવા બધા વિચારો ઘુમરાતા હતા.

૧૯૭૧ના યુધ્ધનો અંત આવી જતા એનું એક સારૂં પરિણામ એ આવ્યું કે રાવલપિંડીની યુધ્ધ કેદી છાવણીમાં કેદીઓ પરની કડકાઇ ધીમેધીમે ઓછી થતી જતી હતી. કેદીઓ પર પહેલા ૨૪ કલાક કડક વોચ રખાતો હતો, તેમાં પણ ઢીલાશ આવી હતી.

ક્યારેક ક્યારેક દિલીપની કોટડીની બહારનો લાકડાનો દરવાજો સંત્રીઓથી ખુલ્લો રહી જતો હતો. એક દિવસ દિલીપે જોયું કે સંત્રી એક કેદીને આંખે પાટા બાંધીને શૌચાલય તરફ લઇ જતો હતો. એકવડા બાંધાનો એ કેદી સાધારણ વ્યક્તિની ઊંચાઇ કરતા થોડો વધારે ઊંચાઇવાળો- લંબૂસ હતો. તેનો ચહેરો જોતા પહેલા જ દિલીપને એની ઓળખાણ પડી ગઇ. એ વિક્રમ હતો.

દિલીપ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ આદિત્ય વિક્રમ પેથીઆએ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે સાથે કામ કર્યું હતું. દિલીપ હળવેથી બૂમ પાડી ઉઠયો, 'વિક્રમ'. સામી તરફ વિક્રમ ફ્લાઇટ લેફ્ટનન્ટ દિલીપનો અવાજ ઓળખી ગયો તેણે વળતો જવાબ આપ્યો, હાય, દિલીપ, તું પણ અહીં છે?

બીજી વખત પણ વિક્રમને આ રીતે લઇ જવાતો હતો ત્યારે દિલીપે તેની સાથે હળવી રમુજી વાત કરતા, આ બન્ને વચ્ચેની વાત સાંભળીને દિલીપની ડાબી બાજુની કોટડીમાંથી અવાજ આવ્યો, અરે, દિલીપ તું છે? હું તારી બાજુની કોટડીમાં છુ,- હું કામી.

૧૯૭૧ માં ભારત-પાક. વચ્ચે યુધ્ધ શરૂ થયું તેના થોડા દિવસ પહેલા જ આદમપુરની મેસમાં દિલીપ સ્કવોડ્રન લિડર કામટને ફક્ત એક જ વાર મળ્યો હતો. કામટને બધા દોસ્તીમા કામી કહીને બોલાવતા હતા.

કામટનું ફાઇટર પ્લેન પણ પાક.ના તોપગોળાનું નિશાન બન્યું હતું. કામટ પ્લેનમાંથી કુદી તો પડયો પણ તેનું પેરાશૂટ પુરેપુરૂ નહીં ખુલતા એ જોશભેર નીચે પટકાયો હોવાથી તેના બન્ને પગે ફ્રેક્ચર્સ થયા હતા. રાવલપિંડીની છાવણીમાં કામટના બન્ને પગે પ્લાસ્ટર કરાયા હતા.

થોડા દિવસો પછી તો કેદીઓની રોજ થતી પૂછપરછ પણ બંધ કરી દેવાઇ એટલું જ નહીં પણ કેદીઓને શૌચાલયમાં લઇ જતી વખતે હવે સંત્રીઓ તેમની આંખે પાટા પણ નહોતા બાંધતા. અને હાથે હાથકડી પહેરાવવાનું પણ બંધ કરી દીધું.

શૌચાલયમાં જતી-આવતી વખતે આંખે પાટા બાંધવાનું બંધ થવાથી દિલીપ હવે ચારેબાજુ નજર ફેરવી કેદી છાવણીનું સચોટ નિરીક્ષણ કરતો હતો. તેણે જોયું કે કેદી છાવણીની ચોતરફ કમ્પાઉન્ડ વોલ બાંધેલી છે અને વચ્ચેના ભાગમાં ઓફિસો છે. તેની આસપાસ ચાર-પાંચના સમૂહમાં છૂટીછવાઇ કોટડીઓ બાંધેલી છે.

છાવણીના મેઇન ગેટ પાસે ગાર્ડ હાઉસ હતું. ગાર્ડ હાઉસ નજીકના બ્લોકમાં ચાર અલગ અલગ એકાંતવાસની કોટડીઓ હતી.

અગાઉની ઓફિસો કે સ્ટોરરૂમોમાં થોડા ફેરફાર કરીને યુધ્ધ કેદીઓ માટે કોટડીઓ બનાવાઇ હતી. કેદી છાવણીનું આટલું ઝીણવટભર્યૂ નિરીક્ષણ કર્યા બાદ દિલીપે આહીંથી ભાગવાનો પ્લાન બનાવવા માટેની તૈયારી શરૂ કરવા માંડી.

દિલીપે બીજી એક મહત્વની બાબતની માનસિક નોંધ લીધી કે કેદી છાવણીમાં ચારથી પાંચ સશસ્ત્ર સંત્રીઓ પેટ્રોલિંગ કરતા હતા, તે પૈકીનો વડો સંત્રી પાકિસ્તાન એરફોર્સનો (P.A.F.) કોર્પોરલ હતો. રાતના સમયે આ કોર્પોરલ ગાર્ડહાઉસમાં બેસતો હતો અને વચ્ચે વચ્ચે કેદી છાવણીમાં રાઉન્ડ મારી આવતો હતો. કમ્પાઉન્ડમાં અલગ-અલગ સ્થળે બેસાડાતા બીજા સંત્રીઓ પાકિસ્તાન લશ્કરના સૈનિકો હતા.

આ સંત્રીઓ શિફટમાં કામ કરતા હતા અને રાતની શિફ્ટમાં કામ કરતા સંત્રીઓ આખી રાત જાગવાથી થાકેલા અને કંટાળી ગયા હોય તેવા લાગતા હતા.

દિલીપનો પ્લાન એવો હતો કે મધરાત બાદ ટોઈલેટ જવા માટે સંત્રીને કહેવું અને ટોઈલેટ જતી વેળા કે પાછા આવતી વખતે સંત્રીની બંદૂક આંચકી લઈ તેને બાનમાં લઈ લેવાનો. મૂળ પાકિસ્તાન લશ્કરના સૈનિક એવા આ સંત્રીને બાનમાં લીધા બાદ દિલ્હી જવા માટે પોતાની માંગણી મુકવાની.

આ કાંઈ દિલીપનો પોતાનો મૌલિક આઈડિયા નહોતો. અગાઉ આવા એકાદ બે કિસ્સા તેણે ક્યાંકથી સાંભળ્યા હતા.

એક ઈટાલિયને અમેરિકામાં પ્લેન હાઈજેક કરવા કોઈકને બાનમાં લઈ લીધો અને તે પછી એ અમેરિકન પ્લેન ઈટાલી લઈ ગયો હતો. દિલીપને લાગ્યું કે આ પ્લાન મને કદાચ અહી કામ લાગેય ખરો. આ મિનિટે તો દિલીપને આ સિવાયનો બીજો કોઈ પ્લાન મનમાં બેસતો નહોતો.

પાકિસ્તાની લશ્કરી અફસરોના વર્તનમાં પણ ધીમેધીમે ફેરફાર થઇ રહ્યો હતો, જેનો ફ્લાઇટ લેફટનન્ટ દિલીપ અને અન્ય ભારતીય યુધ્ધકેદીઓને દેખીતો અહેસાસ થતો હતો. શરૂઆતમાં પાક.ના આ લશ્કરી અફસરો પૂછપરછ દરમિયાન અત્યંત કરડાકી ભર્યા ચહેરે સવાલો પૂછી પૂછીને ભારતીય યુધ્ધ કેદીઓને માનસિક રીતે થકવી દેતા હતા.

પરંતુ હવે પૂછપરછ બહું ટૂંકમાં પતાવી દેતા હતા, વળી અઠવાડિયામાં માંડ એકાદ વાર જ તેઓ આપણા પાયલોટો ને તપાસ માટે બોલાવતા હતા. અગાઉ ક્યારેક પૂછપરછ દરમિયાન કોઇક તુંડમિજાજી અફસર લાકડી ફટકારતો હતો કે ક્યારેક સળગતી સિગરેટનો ડામ દઇ દેતો હતો. પરંતુ એ બધું જ હવે બંધ થઇ ગયું.

ભારત-પાક વચ્ચે યુધ્ધવિરામ થઇ ગયા બાદ પાકિસ્તાનના લશ્કરી અફસરોની ભારતીય યુધ્ધકેદીઓ પ્રત્યેની લાગણી એટલી બધી છલકાઇ ગઇ કે રાવલપિંડી છાવણીના કેમ્પ કમાન્ડન્ટ સ્કવોડ્રન લીડર ઉસ્માન હમીદે ૨૫મી ડિસેમ્બરના દિવસે નાતાલના તહેવાર નિમિત્તે યુધ્ધકેદીઓ માટે પાર્ટીનું આયોજન કર્યું.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2COrnYj

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages