
ગૌતમ ગંભીર ક્રિકેટ જગતનો કોઇ એવો ચહેરો નથી કે જેને મત મળી શકે. હકીકત એ છેે કે કિર્તિ આઝાદની જગ્યા પુરવા અને દિલ્હીના ચહેરા તરીકે તેની ભાજપે પસંદગી કરી હોય એમ લાગે છે.
રાજકીય પક્ષોની ઉમેદવાર પસંદગીના ધોરણો સમજી શકાય એવા નથી હોતા. ઉમેદવારોની પસંદગીમાં ભાજપ ઉતાવળ કરતું હોય એમ લાગી રહ્યું છે. એવીજ એક ઉતાવળ એટલે ગૌતમ ગંભીર એમ કહી શકાય.
ક્રિકેટ જગત અને બોલીવુડ એમ બંનેની આસપાસ રાજકીય પક્ષો ફર્યા કરે છે. આ બંને ક્ષેત્રના ચહેરાને રાજકારણમાં આસાન એન્ટ્રી મળી શકે છે. આવા ચહેરા લાંબી રેસના ઘોડા નથી હોતા પણ તેમના લોક પ્રિયતાનો ઉપયોગ જ્યાં સુધી થઇ શકે ત્યાં સુધી કરવામાં આવે છે. રાજકારણમાં ક્રિકેટરો ખાસ કંઇ ઉકાળી શક્યા નથી છતાં ભારતના લોકોને આવા ચહેરા માટે વિશેષ આકર્ર્ષણ હોય છે.
ક્રિકેટ જગતના અનેક ચહેરા રાજકારણમાં આવી ચૂક્યા છે અને તે ક્યારે આથમી ગયા તેની કોઇનેે ખબર પણ નથી પડતી. ભારતના ક્રિકેટરોની રાજકારણમાં ડીમાન્ડ છેે એવી ડીમાન્ડ અન્ય સ્પોર્ટસમેનની જોવા નથી મળતી. રાજકારણમાં મુલાયસ સિંહ યાદવ જેવા કુસ્તીબાજો છવાયેલા છે એમ લાંબા સમય સુધી નવાબ પટૌડીનું નામ છવાયેલું રહ્યું હતું.
ભાજપમાં ક્રિકેટરોની સંખ્યા જોતાં એમ કહી શકાય કે કોંગ્રેસ કરતાં ભાજપને ક્રિકેટરો વધુ પસંદ છે. રાજકીય પક્ષોને કહ્યાંગરા સાંસદોની જરુર હોય છે. જોકે કિર્તી આઝાદ જેવા કોક બળવો પોકારે છે અને નોકરી પણ ગુમાવે છે.
મંસુર અલીખાન પટૌડી, ચેતન ચૌહાણ,મોહમદ અઝહરુદ્દીન, મનોજ પ્રભાકર, મોહમ્મદ કૈફ,વિનોદ કાંબલી, શ્રીસંત વગેરે ક્રિકેટરોેએ રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો.
આ બધામાં સૌથી વધુ કોઇ ઝળક્યું હોય તો તે નવજોત સિધ્ધુ છે. આ માણસે પાકિસ્તાન સાથે દોસ્તી કરીને દેશના લોકોની નફરત મેળવી હતી. પહેલાં ભાજપ અને પછી કોંગ્રેસ સાથે જોડાઇને નવજોતે એવી રાજકીય ફટકાબાજી કરી કે લોકો તે શું બોલે છે તેની રાહ જોવા લાગ્યા હતા.
નવજોતને પાકિસ્તાનની રાજકીય પીચ પર રમવાની ફાવટ આવી ગઇ હતી. મંસુર અલીખાન પટૌડીથી માંડીને મનોજ પ્રભાકર સુધીનાઓ એગ્રેસીવ હોવા છતાં રાજકારણમાં શાંત રહેતા હતા. આવા લોકોનું સન્માન પણ થતું હતું. સિધ્ધુએ લીમીટ વટાવી દીધી હતી અને અનેક વાર તેણે આગળ વધીને કરેલી રાજકીય ફટકાબાજી કરવાથી તેના પક્ષને નીચા જોણું પણ થયું હતું અને તેને ઠપકો પણ અપાયો હતો.
નવજોત પાસે ઓન ધ સ્પોટ શાયરીની એક વધારાની ક્ષમતા હતી જેના કારણે તે પોતાના નેતાની ભાટાઈ કરે રાખતો હતો. તેની આ રીત રાજકારણમાં આગળ વધવાની વ્યૂહ રચના હતી.
સાત ક્રિકેટરોએ લોકસભા લડી છે. તે ક્રિકેટરો ચૂંટણી લડે છેે તે બધા જીતે છે એમ માનવાની જરુર નથી. ૬૦ ટકા ક્રિકેટરો ચૂંટણી જીતતા હોય છે. એનો અર્થ એ થયો કે ક્રિકેટરો પ્રજાના દિલ જીતી શકતા નથી. કેટલાક ક્રિકેટરો વિધાનસભા જીતીને કેબીનેટ મિનીસ્ટર પણ બન્યા છે.
નવજોતસિંહ સિધ્ધુ અમૃતસર-ઇસ્ટની બેઠક ૨૦૧૭ના વિધાનસભા જંગમાં જીતીને આજે પંજાબમાં ટુરીઝમ પ્રધાનનો પોર્ટફોલીયો સંભાળે છે.
પંજાબમાં વિધાનસભાની ચૂંટણી વખતે સિધ્ધુએ આમ આદમી પાર્ટી સાથે જોડાઇને મુખ્યપ્રધાન બનવા સુધીનો ખેલ પાડયો હતો. પરંતુ અરવિંદ કેજરીવાલે તેમને બહુ ભાવ નહોતો આપ્યો. ચેતન ચૌહાણ આજે ઉત્તર પ્રદેશમાં કેબીનેટ મિનીસ્ટર છે.
કિર્તી આઝાદે ભાજપમાં રહીને ભાજપના નેતા અરુણજેટલીના વડપણ હેઠળના દિલ્હી ક્રિકેટ એેસોસીએશનમાં ચાલતી ગેરરીતી સામે આવાજ ઉઠાવ્યો હતો. અંતે તેની હકાલ પટ્ટી રાઇ હતી. આજે તે કોંગ્રેસમાં છે.
ક્રિકેટ અને રાજકારણ વચ્ચેનો પ્રેમ વર્ષોથી ચાલ્યો આવે છે. કહે છે કે સૌ પ્રથમ ૧૯૩૩-૩૪માં દલિત નેતા અને ક્રિકેટર પલવંકર બાલુ બોમ્બે મ્યુનિસિપાલીટીનો પેટા ચૂંટણીનો જંગ લડયા હતા અને હાર્યા પણ હતા. ત્યારબાદ કોંગ્રેસે તેમને ૧૯૩૭માં ભીમ રાવ આંબેડકર સામે પણ લડાવ્યા હતા. ત્યારે તે ૨૦૦ વોટથી હારી ગયા હતા.
ક્રિકેટમાં બેટ્સમેન બહારના બોલને બહુ છંછેડતો નથી તેના માટે રાજકારણ એ બહારનો બોલ છે. આવા લોકો રાજકારણમાં રબર સ્ટેમ્પ બનીને રહી જાય છે. કમનસીબી એ છે કે આવા લોકો તેમની નિવૃતિનો સમય રાજકારણ જેવા મહત્વના ક્ષેત્રમાં ગાળે છે.
- પ્રસંગપટ
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UWvSH5
No comments:
Post a Comment