ઈન્ડિયન વેલ્સ, તા.૧૦
ટોપ સીડ અને વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે અમેરિકન ક્વોલિફાયર બ્જોર્ન ફ્રાટાન્જેલોને સીધા સેટોમાં ૭-૬ (૭-૫), ૬-૨થી હરાવીને ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ ૧૦૦૦ સિરીઝ ટુર્નામેન્ટમાં જીત સાથે શરૃઆત કરી હતી.
એટીપી વર્લ્ડ રેન્કિંગમાં ૯૭મું સ્થાન ધરાવતા ભારતના પ્રજ્નેશ ગુનાસ્વરને ઈન્ડિયન વેલ્સમાં ડ્રીમ રન જારી રાખતા ૧૮માં ક્રમાંકિત જ્યોર્જિયાના બાસિલાશ્વિલીને ત્રણ સેટના સંઘર્ષ બાદ ૬-૪, ૬-૭ (૬-૮), ૭-૬ (૭-૪) થી હરાવ્યો હતો. ક્વોલિફાયર તરીકે મેઈન ડ્રોમાં પ્રવેશેલા પ્રજ્નેશે હવે રાઉન્ડ ઓફ ૩૨માં પ્રવેશ મેળવી લીધો છે. જ્યાં તેની ટક્કર ક્રોએશિયાના ઈવો કાર્લોવિચ સામે થશે. ગુનાસ્વરને પ્રથમ રાઉન્ડમાં ફ્રાન્સના પાયરેને હરાવીને અપસેટ સર્જ્યો હતો.
જોકે મેક્સિકન ઓપનમાં નડાલ, વાવરિન્કા, આઇસનર અને ફાઈનલમાં એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવીને ચેમ્પિયન બનેલો ઓસ્ટ્રેલિયન ખેલાડી કિર્ગિઓસ અહીં પહેલી જ મેચમાં હારીને બહાર ફેંકાયો હતો. તેને જર્મનીના કોલ્સચેઈબેરે સીધા સેટોમાં ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો.
ત્રીજો સીડ ધરાવતા જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે સર્બિયાના ક્લિઝન સામે ૬-૩, ૨-૦થી સરસાઈ મેળવી ત્યારે ક્લિઝન ઈજાગ્રસ્ત બનીને ખસી ગયો હતો. જોકે ભાવિ સુપરસ્ટાર તરીકેની ઓળખ ધરાવતા ગ્રીસના સિત્સિપાસને કેનેડાના એઉગેર એલીસિમે ૬-૪, ૬-૨થી હરાવીને અપસેટ સર્જ્યો હતો.
ક્રોએશિયાના કાર્લોવિચે ૬-૪, ૭-૬ (૭-૨)થી તેના જ દેશના યુવા ખેલાડી કોરિકને મહાત કર્યો હતો. જ્યારે ૧૩મો ક્રમાંક ધરાવતા રાઓનિકે અમેરિકાના સેમ ક્વેરી સામે ૭-૬ (૭-૧), ૬-૪થી જીત હાંસલ કરી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NTdUTa
No comments:
Post a Comment