
અમદાવાદ, તા.10 માર્ચ, 2019, રવિવાર
ખનિજચોરીના કેસમાં તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડાની કોર્ટે બે વર્ષની સજા ફરમાવી હતી પણ તે જ કોર્ટે તે જ દિવસે સ્ટે આપી દીધો હતો. આમ છતાંય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્યને સુપ્રિમકોર્ટના ચુકાદાને આધારે સસ્પેન્ડ કરી દીધા હતાં.
આ મામલે કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણીપંચને જાણ કરી તલાલાની પેટાચૂંટણી ન યોજવા રજૂઆત કરી છે. એટલુ જ નહીં, જો તલાલા પેટાચૂંટણી જાહેર કરવામાં આવશે તો કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણીપંચ વિરુધ્ધ કોર્ટના દ્વાર ખખડાવવા તૈયારીઓ કરી છે.
વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ એવો આરોપ મૂક્યો છેકે,ભગવાન બારડ વિરુધ્ધ કોર્ટમાં કોઇ પુરાવો રજૂ કરાયો નથી.૧લી માર્ચે ચુકાદો આવ્યો અને તે જ દિવસે સ્ટે મળ્યો.એજ દિવસે તેમને જામીન મળ્યા હતાં.
૮મી માર્ચે અધ્યક્ષ અને રાજ્ય-કેન્દ્રીય ચૂંટણીપંચને જાણ સુધ્ધાં કરાઇ હતી. બાબુ બોખીરીયા મંત્રી હતાં ત્યારે ખનીજચોરીના કેસમાં કોર્ટે સજા કરી હતી.સુપ્રિમનો ચુકાદો હોવા છતાંય ૩૫ દિવસ સુધી કેમ પગલાં લેવાયા નહી, અમરેલીના સાંસદ નારણ કાછડિયાના કેસમાં ય પગલા લેવાયાં નહીં.
જો તેમની સામે પગલાં લેવાયાં હોત તો તેઓ સાંસદ કે ધારાસભ્ય ન હોત. કોંગ્રેસે એવી ય ચિમકી ઉચ્ચારી છેકે, જો અધ્યક્ષ ધારાસભ્ય ભગવાન બારડનુ સસ્પેન્સન રદ નહી કરે તો અધ્યક્ષ કચેરીના બહાર ધરણાં કરાશે. આ ઉપરાંત રાજ્યપાલ ભવન સામે ય વિરોધ પ્રદર્શન કરવા કોંગ્રેસે નક્કી કર્યુ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2THvQW9
No comments:
Post a Comment