ગાંધીનગર, તા.1 માર્ચ 2019, શુક્રવાર
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે, ખેડૂતો અને નાગરિકોના સામૂહિક જનહિતના કામો માટે કેન્દ્ર સરકાર સદાય તત્પર છે અને સરકારનું મન હર હંમેશ ખુલ્લું છે. નાગરિકોના મત મેળવીને તેમના સૂચનો થકી કેન્દ્ર સરકાર આગામી સમયમાં વિઝન ડોકયુમેન્ટ પણ તૈયાર કરશે.
આજે કોબા ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી સંમેલન 2019ને ખુલ્લુ મુકતા મંત્રી શ્રી રૂપાલાએ ઉમેર્યું હતું કે, વર્ષ-2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે વડાપ્રધાન મોદીએ જે સપનું સેવ્યું છે એ ચોક્કસપણે સાકાર કરાશે.
આ માટે તાજેતરમાં જ 1 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. 2,000નો પ્રથમ હપ્તો વડાપ્રધાનશ્રીએ જમા કરાવી દીધો છે. તેમણે કહ્યું કે, ખેડૂતો દ્વારા રાષ્ટ્રના નાગરિકોની ભૂખ ભગાવવા માટે જે પરિશ્રમ થઇ રહ્યો છે એને સન્માનિત કરવા માટે કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરી છે.
જે હેઠળ પ્રતિવર્ષ રૂ.6,000ની વાર્ષિક સહાય ખેડૂતોને અપાશે. જે માટે રૂ.75 હજાર કરોડ કેન્દ્ર સરકાર ખર્ચ કરશે. ગામડાઓને સમૃદ્ધ કરવા માટે પણ દેશભરની 2.5 લાખ ગ્રામ પંચાયતોમાં વિકાસ માટેની ગ્રાન્ટ સીધી કેન્દ્ર સરકાર તેના ખાતામાં જમા કરાવે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ પણ રૂ. 5 લાખની મર્યાદામાં વિનામૂલ્યે આરોગ્ય સારવાર આપવામાં આવે છે. જેના દ્વારા દેશભરના 50 કરોડથી વધુ લાભાર્થીઓ લાભાન્વિત થશે.
રૂપાલાએ કહ્યું કે, ગુજરાતનું સહકારી માળખું દેશભરમાં સૌથી શ્રેષ્ઠ છે ત્યારે વડાપ્રધાનશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરવામાં શિરમોર ભૂમિકા અદા કરીને દેશને રાહ ચિંધશે એવો મને વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, ખેતીની સાથે સાથે મત્સ્યોદ્યોગ, પશુપાલન, મધમાખી ઉછેર જેવા એલાઇડ વ્યવસાય થકી પણ કિસાનો આગળ વધશે તો ચોક્કસ પરિણામ મળશે. તેમણે ખેડૂતોને આધૂનિક ટેકનોલોજીના માધ્યમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટે પણ અપીલ કરી હતી.
રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે કહ્યું કે ખેત ઉત્પાદન બજાર સમિતિઓ માટે પણ કાયદામાં ઐતિહાસિક સુધારો કર્યો છે. માર્કેટ યાર્ડો પણ ખેત પેદાશોના ગ્રેડેશન, પ્રોસેસિંગ તથા પેકેજિંગ કરી શકશે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં 78 હજારથી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે. જેમાં 1.65 કરોડથી વધુ સભાસદો છે ત્યારે આ સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં અનેરૂ પ્રેરક બળ પુરૂ પાડી રહી છે. આ સંમેલન પણ રાજ્યના તમામ ગામડાંઓ સુધી અત્યાધુનિક ખેતી પદ્ધતિથી ખેતીના લાભો માટે માર્ગદર્શક પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XvqgFq
No comments:
Post a Comment