
(પીટીઆઈ) બેંગલુરુ, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
કર્ણાટક ભાજપના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ નિવેદન કર્યું હતું કે એરફોર્સની એર સ્ટ્રાઈકના કારણે ભાજપને કર્ણાટકમાં ૨૮માંથી ૨૨ બેઠકો મળશે. આ નિવેદન પછી યેદિયુરપ્પા ઉપર લશ્કરની કાર્યવાહીનો રાજકીય લાભ ખાટવાનો આરોપ લાગ્યો હતો.
કર્ણાટકના ભાજપના પ્રદેશ પ્રમુખ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે દિવસે દિવસે ભાજપની લહેર ઉઠી રહી છે. વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી પછી મોદી સમર્થનની લહેર શરૃ થઈ છે. તેની અસર લોકસભાની ચૂંટણી થશે. કર્ણાટકની લોકસભાની ૨૮માંથી ૨૨ બેઠકો ભાજપને મળશે.આ નિવેદનના ઘેરા પડઘા પડયા હતા.
કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વિટ કરીને મોદી-જેટલીને સંબોધીને લખ્યું હતું કે ભાજપ લશ્કરી કાર્યવાહીનો રાજકીય લાભ ખાટે છે તેનો આનાથી બીજો શું પુરાવો જોઈએ છે? તે પછી અન્ય નેતાઓએ પણ ટ્વિટરમાં યેદિયુરપ્પાની રાજકીય માનસિકતાની ટીકા કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ પણ યેદિયુરપ્પાની ટીકા કરતા કહ્યું હતું કે દેશના જવાનોએ શહીદી વ્હોરી અને તેનો યેદિયુરપ્પા જેવા નેતાઓ રાજકીય ઉપયોગ કરે છે.
સોશિયલ મીડિયામાં આ નિવેદન બદલ યેદિયુરપ્પાની ભારે ટીકા થઈ હતી. તે પછી યેદિયુરપ્પાએ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેના નિવેદનને જુદી રીતે રજૂ કરાયું હતું. તેને ભારતીય લશ્કર માટે ઊંડો આદર છે. દેશ પ્રથમ ક્રમે આવે છે અને પછી પાર્ટી આવે છે. તેનો મતલબ એવો ન હતો જેવો વિપક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IKEb79
No comments:
Post a Comment