
(પીટીઆઇ) બેઇજિંગ, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
પાકિસ્તાન સ્થિત આતંકી જૂથ જૈશે મોહંમદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની યુએન સુરક્ષા પરિષદમાં નવેસરથી પ્રસ્તાવ દાખલ કરવાની યોજના અંગે ચીને કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અનેક વખત પાકિસ્તાનના નજીકના સહયોગી ચીને યુએન સુરક્ષા કાઉન્સિલમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો વિરોધ કર્યો છે.
ચીને વધુમાં જણાવ્યું હતું કે તે આ મુદ્દે જવાબદારપૂર્ણ ભૂમિકા ભજવશે અને સુરક્ષા કાઉન્સિલમાં થનારી ચર્ચા દરમિયાન ભાગ લેશે.
ચીન પાકિસ્તાની આતંકી જૈશ-એ-મોહંમદના વડા અઝહર મસૂદ પર પ્રતિબંધ મૂકવાની ભારતની માગ પર વિરોધ કરવા બદલ ભારત-ચીન વચ્ચેના સંબધોમાં તિરાડ પડી હતી. ભારતના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા પછી ચીન દ્વારા જૈશે મોહંમદ અંગે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.જો કે એક વાત સ્પષ્ટ છે કે ચીન ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ બહાલ કરવાના તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આ માટે તેણે બંને દેશોને શાંતિ રાખવાની અપીલ કરી છે.
ચીનના વિદેશ પ્રધાન વાંગે આ સંદર્ભમાં ભારત અને પાકિસ્તાન બંનેના વિદેશ પ્રધાનો સાથે વાત કરી હતી. ચીને ભારત અને પાકિસ્તાન બંનેને પોતાના મિત્રો ગણાવી જણાવ્યું છે કે બંને દેશોએ મંત્રણા દ્વારા પરસ્પરના મતભેદો દૂર કરવા જોઇએ.
ચીનના બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો
સાર્વભૌમત્વનું સન્માન થવું જોઇએ : ચીનની પાક.ને સલાહ
પાક.ના વિદેશ પ્રધાને ચીનના વિદેશ પ્રધાન સાથે ફોન પર વાત કરી
નવી દિલ્હી, તા. ૨૮
પાકિસ્તાનના વ્યૂહાત્મક ભાગીદાર ચીને જણાવ્યું છે કે તે ઇચ્છતું નથી ભારત અને પાકિસ્તાન વચ્ચ તંગદિલી વધે અને બંને દેશોના સંબધો વધુ ખરાબ થાય.
ગઇકાલે ચીન, ભારત અને રશિયાના વિદેશ પ્રધાનોે વચ્ચે થયેલી મંત્રણાના અંતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીએ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીન સાથે ફોન પર વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાને બે વખત ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ફોન પર વાત કરી હતી. ગઇકાલે પાકિસ્તાની એરફોર્સ વિમાનો ભારતીય સરહદમાં પ્રવેશતા બંને દેશો વચ્ચેની તંગદિલીનું પ્રમાણ વધી ગયું છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2C1qPh7
No comments:
Post a Comment