વર્તમાન સરકારના પાંચ વર્ષના શાસનકાળમાં સેન્સેકસમાં વાર્ષિક સરેરાશ માત્ર 9.20 ટકાની વૃદ્ધિ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

વર્તમાન સરકારના પાંચ વર્ષના શાસનકાળમાં સેન્સેકસમાં વાર્ષિક સરેરાશ માત્ર 9.20 ટકાની વૃદ્ધિ

મુંબઈ,તા. 26  માર્ચ, 2019, મંગળવાર

ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર મે ૨૦૧૪માં જ્યારે કેન્દ્રમાં સત્તા પર આવી ત્યારે, શેરબજારમાં ઉછાળો આવ્યો હતો. એનડીએને મળેલી ભારે સફળતાથી ઉદ્યોગો માટે  સાનુકૂળ નીતિવિષયક નિર્ણયો આવશે એવી ધારણાં આ ઉછાળો જોવાયો હતો. 

જો કે સરકારને પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે શેરબજારમાં રોકાણકારોને છેલ્લા પાંચ વર્ષમાં વાર્ષિક સરેરાશ ચક્રવૃધ્ધિ દરે ૯.૨૦ ટકા વળતર છૂટયું છે. પાંચ વર્ષના વળતરની વાત કરીએ તો આ આંક ૫૩ ટકા રહ્યો છે એટલે કે હાલની સરકાર સત્તા પર આવી ત્યાર બાદ છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારનો મુખ્ય ઈન્ડેકસ સેન્સેકસ તા. ૨૫મી માર્ચના બંધ પ્રમાણે ૫૩.૧૦ ટકા વધ્યો છે. 

એસેટસ તરીકે ઈક્વિટીઝ પર વાર્ષિક  ચક્રવૃધ્ધિ દરે ૯ ટકાનું વળતર નબળું ગણવામાં આવે છે. સામાન્ય રીતે ઈક્વિટીઝ પર ૧૧થી ૧૪ ટકાના વળતરને યોગ્ય ગણવામાં આવે છે.

આ અગાઉ ૨૦૦૪થી ૨૦૧૪ના ગાળામાં કોંગ્રેસની આગેવાની હેઠળની બે વખતની સરકારમાં સેન્સેકસે આનાથી ઘણું ઊંચુ વળતર પૂરું પાડયું હતું. ૨૦૦૪થી ૨૦૦૯ના ગાળામાં સેન્સેકસ પાંચ વર્ષમાં ૧૭૬.૯૦ ટકા એટલે કે વાર્ષિક ચક્રવૃધ્ધિ દરે  સરેરાશ ૨૨.૬૦ ટકા વધ્યો હતો અને ૨૦૦૯થી ૨૦૧૪ના ગાળામાં સેન્સેકસ ૭૯.૮૦ ટકા વધ્યો હતો એટલે કે વાર્ષિક ચક્રવૃધ્ધિ દરે સરેરાશ વૃદ્ધિ ૧૨.૪૦ ટકા રહી હતી. 

આમ વર્તમાન સરકારના ગાળામાં નીચા વળતરથી રોકાણકારો નિરાશ થયા છે. વર્તમાન સરકારના ત્રણ મુખ્ય નીતિવિષયક નિર્ણયો નોટંબધી, જીએસટીનો અમલ તથા આઈબીસી લાગુ થતા કોર્પોરેટસની આવક પર નોંધપાત્ર અસર થઈ હતી એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

નોટબંધીને કારણે સ્મોલકેપ્સ તથા મિડ-કેપ્સ કંપનીઓએ આવક મોરચે ઘણું જ સહન કરવું પડયું હતું. 

એનડીએ સરકારને મળેલી બહુમતિથી ૨૦૧૪માં લાંબા સમય બાદ મજબૂત રાજકીય સ્થિરતા જોવા મળી હતી જેને કારણે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો હતો. વર્તમાન સરકાર દ્વારા હાથ ધરાયેલા કેટલાક આર્થિક સુધારાઓ કંપનીઓ માટે કામકાજમાં સાનુકૂળ રહ્યા છે પરંતુ  આવક વધારવામાં ખાસ સફળ રહ્યા નથી. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HSNgZK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages