
જીડીપીના આંકડા અંગેની શંકાઓ દૂર કરવા માટે નિષ્ણાત અર્થશાસ્ત્રીઓની સમિતિ બનાવવા સૂચન
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર
ભારતમાં હાલમાં પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ રહ્યું નથી ત્યારે દેશનો જીડીપી સાત ટકા રહેવા અંગે પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને શંકા વ્યક્ત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીડીપી આંકડા અંગે પ્રવર્તતી શંકાઓ દૂર કરવા માટે સન્માનિત અર્થશાસ્ત્રીઓની એક સમિતિની રચના કરવી જોઇએ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઇએમએફ)માં મુખ્ય અર્થશાસ્ત્રી રહી ચૂકેલા રાજને જણાવ્યું છે કે ભારતનો સાચો વિકાસ દર શું છે તે સ્પષ્ટ કરવું જરૂરી છે.
રાજને જણાવ્યું હતું કે હું નરેન્દ્ર મોદી સરકારમાં એક પ્રધાનને ઓળખું છું જેમણે કહ્યું હતું કે આપણે સાત ટકાના દરે વિકાસ કરતા હોઇએ અને રોજગારીનું સર્જન ન થાય તે કેવી રીતે બને. એનો અર્થ એવો થાય છે કે આપણે સાત ટકાના દરે વિકાસ કરી રહ્યાં નથી. જો કે રાજને આ પ્રધાનનું નામ આપ્યું ન હતું.
સપ્ટેમ્બર, ૨૦૧૩થી સપ્ટેમ્બર, ૨૦૧૬ સુધી આરબીઆઇના ગવર્નર રહી ચૂકેલા રાજને જણવ્યંર છે કે રોજગારીનું સર્જન કરવા માટે વ્યાપક ભૂમિકાવાળા વિકાસની જરૂર છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર, ૨૦૧૮માં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(સીએસઓ)એ યુપીએ શાસનકાળમાં જાહેર કરાયેલા જીડીપીમાં ઘટાડો કર્યો હતો.
ગયા મહિને સરકારે ૨૦૧૭-૧૮નો જીડીપીમાં ફેરફાર કર્યો હતો. અગાઉ ૨૦૧૭-૧૮નો જીડીપી ૬.૭ ટકા જાહેર કરવામાં આવ્યો હતો. જે વધારીને ૭.૨ ટકા કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા એનએસએસઓના આંકડા જાહેર ન કરવા અંગે પણ પ્રશ્રો ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ સર્વે મુજબ વર્ષ ૨૦૧૭માં ભારતનો બેકારી દર ૪૫ વર્ષની ઉચ્ચ સપાટીએ હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fv7OVh
No comments:
Post a Comment