અમદાવાદ,તા.10 માર્ચ 2019,રવિવાર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આગામી તા.૨૩ એપ્રિલના રોજ મતદાન થનાર છે. ત્યારે અમદાવાદમાં નવા નોંધાયેલા,મતદારકાર્ડમાં સુધારા-વધારા કરાયેલા કે સ્થળાંતર સહિતના તમામ કેસોમાં મોટાભાગના મતદારોના મતદારકાર્ડ તેઓને મળ્યા જ ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. મતદારોના મતે છેલ્લા ૬ માસથી મતદારને લગતા વિવિધ પ્રોગામો યોજાય છે. પરંતુ તેઓને નવા મતદારકાર્ડ હજુ સુધી મળ્યા નથી. એટલું જ નહીં ઓનલાઇન ડેટા પણ જોઇ શકાતો નથી.
મતદારોની આ ફરિયાદો અંગે ચૂંટણી ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ મતદારયાદીની પુરવણીમાં નવા મતદારના નામો આવી ગયા છે. તેમજ ચૂંટણીકાર્ડમાં સુધારા-વધારા સહિતની એન્ટ્રીઓ પણ પુરવણીમાં આવી ગઇ છે.
જોકે હજુ સુધી મતદારોના આ ડેટા ઓનલાઇન ચઢાવી શકાયા નથી. તે કામગીરી ચાલી રહી છે. સતત મતદારયાદીના ચાલતા કાર્યક્રમોને લઇને નવા ચૂંટણીકાર્ડ વિતરણ કરી શકાયા નથી. ચૂંટણી પહેલા તમામ મતદારોને તેમના નવા મતદારકાર્ડ મળી જશે અને તેઓના ડેટા પણ ઓનલાઇન ચઢાવી દેવાશે.
એકસામટા ચૂંટણીકાર્ડ વિતરણની કામગીરી ચાલશે ત્યારે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામતા અવ્યવસ્થા સર્જાવાની સાથે લોકોએ પારાવાર હાલાકી ભોગવવી પડશે તેવી પણ શક્યતા મતદારો વ્યક્ત કરી રહ્યા છે.
બીજી તરફ કેટલીક સોસાયટીઓના નામો પણ મતદારયાદીના લિસ્ટમાં જોવા મળતા ન હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર ગુલબાઇ ટેકરા શ્રી વેણુધર સોસાયટીના મતદારોના મતે તાજેતરમાં મતદારયાદી ચકાસણીમાં કાર્યક્રમમાં તેઓને મતદાર યાદીમાંથી આખી સોસાયટી જ ગાયબ હોવાનું ધ્યાને આવ્યું છે. આ મામલે તેઓએ રજૂઆત પણ કરી છે.
ઘાટલોડીયામાંથી નિકોલમાં સ્થળાંતર કરીને આવેલા એક પરિવારે જણાવ્યું હતું કે તેઓએ ચારેક માસ પહેલા ઘાટલોડીયામાંથી ચૂંટણીકાર્ડ રદ કરાવી સહપરિવારના નામ કમી કરાવ્યા છે. અને નિકોલના નવા સરનામે મતદારકાર્ડ ઇશ્યું કરવા અરજી પણ કરી છે. છતાંય આજદીન સુધી તેઓને ચૂંટણીકાર્ડ મળ્યું નથી. કે ઓનલાઇન તેઓના નામ પણ જોવા મળતા નથી. તેથી તેઓ મુંઝવણભરી સ્થિતિમાં મુકાઇ ગયા છે.નોંધપાત્ર છેકે અગાઉ ચૂંટણીઓ વખતે મતદારોના નામ રિજેક્ટ કરી દેવાનો મામલો સામે આવ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં મતદારો મતદાનના હકથી વંચિત રહી ગયા હતા. આ વખતે તમામ મતદારો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી ઉઠવા પામી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HdhVBv
No comments:
Post a Comment