
(પીટીઆઈ) લુધિયાણા, તા.30 માર્ચ, 2019, શનિવાર
લોકસભા ચૂંટણીને અન્વયે આચાર સંહિતા લાગુ થયા બાદ મોટી રકમની હેરાફેરી પર સરકાર નજર રાખે છે ત્યારે પંજાબના લુધિયાણામાં ત્રણ મોંઘી ગાડીઓમાંથી ભારે મોટી રકમ હાથ લાગી છે. પોલીસે બાતમીને આધારે તલાશી લેતા ગાડીઓમાંથી રૂ. ૧૦ કરોડનું બીનહિસાબી નાણું મળી આવ્યું હતું.
પંજાબ પોલીસે ચેકિંગ દરમિયાન ત્રણ એસયુવી ગાડીઓમાંથી રૂ. ૧૦ કરોડનું બીનહિસાબી નાણું જપ્ત કર્યું છે. એક બાતમીને આધારે શુક્રવારે પોલીસે લુધિયાણા જિલ્લાના દોરાહા પાસે ચેક પોસ્ટ ગોઠવી હતી અને અંબાલાથી લુધિયાણા જતી ત્રણ ગાડીઓને ઝડપી લીધી હતી.
પંજાબમાંથી ઝડપાયેલી આ બીનહિસાબી રકમ આચાર સંહિતા લાગુ થયા બાદ જપ્ત થયેલી સૌથી માતબર રકમ છે. લુધિયાણા જિલ્લાના ખન્ના ગામના એસએસપી ધુ્રવ દહિયાએ જણાવ્યા મુજબ એક બાતમીને આધારે તેમણે ચેકપોસ્ટ બનાવીને દોરાહા પાસે ત્રણ એસયુવી ગાડીને રોકી હતી અને તલાશી દરમિયાન તેમાંથી રૂ. ૯,૬૬,૬૧,૭૦૦ મળી આવ્યા હતા.
કારમાંથી મળી આવેલા બીનહિસાબી નાણાંને આગળની કાર્યવાહી માટે આવક વેરા વિભાગ અને ઈડીને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યા મુજબ ઝડપાયેલી કારના માલિકોમાં એક જલંધર જિલ્લાના પ્રતાપપુરા ગામના ચર્ચનો પાદરી એન્ટોની હતો.
જ્યારે બાકીની બે ગાડીઓમાંથી એક તરન તારન સાહિબ જિલ્લાના ભીખીવીંડ ગામના રચપાલ સિંહની હતી જ્યારે અન્ય એક કારની માલિકી પંજાબ, મુંબઈ અને હિમાચલ પ્રદેશના લોકોની હતી. ઉલ્લેખનીય છે કે આચાર સંહિતા બાદ ઝડપાયેલી આ સૌથી મોટી રકમ છે અને તેનો કયા હેતુથી ઉપયોગ થવાનો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uJTZgV
No comments:
Post a Comment