શીત યુદ્ધ તરફ પાછા વળી રહેલાં અમેરિકા અને રશિયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

શીત યુદ્ધ તરફ પાછા વળી રહેલાં અમેરિકા અને રશિયા


બંને દેશો વચ્ચે અણુયુદ્ધ ન ફાટી નીકળે એની તકેદારી માટે રોનાલ્ડ રેગન અને મિખાઇલ ગોર્બાચોવે ત્રણ દાયકા પહેલા કરેલી સંધિ ખતમ કરવા ઉતાવળા બનેલા ટ્રમ્પ અને પુતિન ફરી વખત વૈશ્વિક શાંતિને જોખમાવી રહ્યાં છે

શીત યુદ્ધના સમયની એક મહત્ત્વપૂર્ણ મિસાઇલ સંધિમાંથી અમેરિકાએ પાછા હટવાની જાહેરાત કર્યા બાદ રશિયાએ પણ આ સંધિથી અલગ થવાની જાહેરાત કરી છે. અમેરિકાના માથાફરેલા ગણાતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા શુક્રવારે જાહેરાત કરી હતી કે અમેરિકા ઇન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિઝ ટ્રીટી (INF) સંધિ અંતર્ગત પોતાની પ્રતિબદ્ધતાઓને સ્થગિત કરે છે અને છ મહિનામાં આ સંધિથી અલગ થવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.

સંધિ સ્થગિત કરવા પાછળ અમેરિકાનો દાવો છે કે રશિયાએ આ સંધિનું અવારનવાર ઉલ્લંઘન કર્યું છે. એ સાથે જ અમેરિકાએ કહ્યું છે કે આ સંધિ બચાવવાનો એક માત્ર ઉપાય એ છે કે રશિયા છ મહિનાની અંદર તેણે વિકસાવેલી  ક્રૂઝ મિસાઇલો નષ્ટ કરી દે. 

જવાબમાં એક જ દિવસ પછી રશિયાએ પણ આ સંધિમાંથી નીકળી જવાની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવું છે કે અમારા અમેરિકી ભાગીદારોએ જ જ્યારે આ સંધિ સ્થગિત કરવાની જાહેરાત કરી છે તો અમે પણ અમારી ભાગીદારી સ્થગિત કરી રહ્યાં છીએ.

એ સાથે જ પુતિને કહ્યું છે કે રશિયા હવે નિશસ્ત્રીકરણને લઇને અમેરિકા સાથે કોઇ મંત્રણા કરવાની પહેલ નહીં કરે. ટ્રમ્પના અવિચારી અને સનકી પગલાં તરફ આંગળી ચીંધતા પુતિને એમ પણ કહ્યું કે જ્યાં સુધી અમેરિકા આ મહત્ત્વના વિષય ઉપર સમાન અને સાર્થક વાતચીત કરવા જેટલું પરિપક્વ ન બની જાય ત્યાં સુધી અમે રાહ જોઇશું. 

વર્ષ ૧૯૮૭માં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન અને તત્કાલિન સોવિયેત સંઘના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચોવે પરમાણુ શસ્ત્રો નહીં બનાવવાને લઇને ઇન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિઝ ટ્રીટી (INF) નામની એક સંધિ કરી હતી કે જેથી કરીને દુનિયામાંથી પરમાણુ હથિયારોની હોડ ખતમ થઇ શકે. આ સંધિ અંતર્ગત બંને દેશો એ વાતે સહમત થયા હતાં કે બંને દેશો ૫૦૦થી ૫૫૦૦ કિલોમીટર રેન્જની પરમાણુ હથિયારોનું વહન કરી શકે તેવી ક્રૂઝ અને બેલાસ્ટિક મિસાઇલોનું ઉત્પાદન, તૈનાતી અને પરીક્ષણ નહીં કરે. 

અમેરિકાનું માનવું છે કે રશિયા મિસાઇલ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. એ સાથે જ રશિયાએ આ કરારનો ભંગ કરતા જમીન ઉપરથી પ્રહાર કરી શકતી એક સિસ્ટમ પણ તૈયાર કરી દીધી છે જે યુરોપ ઉપર બહુ થોડા સમયમાં પરમાણુ હુમલો કરી શકે છે. જોકે રશિયા અમેરિકાના આ આરોપનું ખંડન કરતું આવ્યું છે.

આ સંધિ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર રોનાલ્ડ રેગનનું તો મૃત્યુ થઇ ચૂક્યું છે જ્યારે  ૮૭ વર્ષના થઇ ચૂકેલા ગોર્બાચોવ આ મામલે અગાઉ ચેતવણી આપી ચૂક્યાં છે કે જો અમેરિકા આ સંધિ તોડી નાખશે તો એ એક ભયાનક ભૂલ હશે. ગોર્બાચોવે એવું પણ કહ્યું હતું કે આ સંધિ ફોક થવાથી તેમણે શીત યુદ્ધ દરમિયાન હથિયારોની રેસ ખતમ કરવા માટે જે પગલાં લીધાં એ જ ખતમ થઇ જશે. 

હવે આ મહાસત્તાઓ વચ્ચે ફરી વખત શીતયુદ્ધની પરિસ્થિતિ પેદા થાય એવો ભય ઊભો થયો છે. સવાલ એ થાય કે અમેરિકા અને રશિયા વચ્ચે છેડાયેલું આ કથિત શીત યુદ્ધ દુનિયાને કેવી રીતે અસર કરશે? શીતયુદ્ધ એ છજ્ઞા યુદ્ધનો એવો પ્રકાર છે જેમાં શત્રુદેશો સામસામે હથિયારો કે સેના વડે યુદ્ધ લડતા નથી. ખરેખર તો શીતયુદ્ધમાં શત્રુ રાષ્ટ્રો એકબીજા ઉપર કૂટનીતિક દાવપેંચો અપનાવે છે અને જૂથબંધી દ્વારા એકબીજા ઉપર દબાણ સર્જવાના ખેલ કરે છે. 

શીતયુદ્ધનો આરંભ અમેરિકા અને તત્કાલિન સોવિયેત સંઘ વચ્ચે બીજા વિશ્વયુદ્ધની સમાપ્તી પછી મતભેદો સર્જાયા બાદ થયો હતો. એ વખતે એવી પરિસ્થિતિ ઊભી થઇ કે સામ્યવાદના તરફદાર દેશો સોવિયેત સંઘ સાથે ઊભા રહ્યાં અને મૂડીવાદી શાસનવ્યવસ્થા ધરાવતા દેશો અમેરિકાના પક્ષમાં ગયા.

એ પછી નેવુંના દશકમાં સોવિયત સંઘનું વિભાજન થતા તેની તાકાતમાં ઘટાડો થયો. એ પછી આર્થિક રીતે કંગાળ થઇ ગયેલું રશિયા અમેરિકાને લડત આપી શકવાની સ્થિતિમાં ન રહ્યું અને વૈશ્વિક મહાસત્તાના રૂપમાં એકમાત્ર અમેરિકાનો દબદબો રહ્યો. એ સાથે જ અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધનો પણ અંત આવ્યો. હવે હાલ જે પરિસ્થિતિ સર્જાઇ રહી છે એ કાળક્રમે શીતયુદ્ધમાં પરિણમે એવી પૂરેપૂરી શક્યતા છે.

અત્યાર સુધીના અમેરિકી રાષ્ટ્રપતિઓની નીતિ એવી રહી હતી કે પરમાણુ શસ્ત્રોનો જંગી ભંડાર ઘટાડવો અને શસ્ત્ર નિયંત્રણના નવા કરાર કરવા. જ્યારે ટ્રમ્પનું માનવું છે કે પરમાણુ શસ્ત્રોના જોખમને કાબુમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે શસ્ત્રોના ભંડારો વધારવા અને નવા નવા આધુનિક શસ્ત્રો વિકસાવવા.  આમ તો છેક આઇઝનહોવરના જમાનાથી અમેરિકી રાષ્ટ્રપતિઓ પરમાણુ યુદ્ધ ટાળવાની વાતો કરતા આવ્યાં છે પરંતુ ટ્રમ્પના તેવર સાવ અલગ છે. ટ્રમ્પ તો દુનિયાએ કદી ન જોયું હોય એવું પરમાણુ યુદ્ધ છેડવાની ધમકી પણ આપી ચૂક્યાં છે. 

પરમાણુ શસ્ત્રોની દુનિયામાં પોતાનો દબદબો જાળવી રાખવાની અમેરિકાની મહેચ્છા જગજાહેર છે. હથિયારોના બળે જ અમેરિકા આખી દુનિયા ઉપર દાદાગીરી કરે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશો તેના માટે પડકાર ઊભો કરી રહ્યાં છે. રશિયા અને ચીનને નિશાન ઉપર લેતા અમેરિકાએ એક રિપોર્ટમાં કહ્યું હતું કે ચીન પોતાના પરમાણુ હથિયારોના ભંડારમાં વધારો કરી રહ્યું છે તો રશિયા પણ પોતાના અણુશસ્ત્રોના ભંડારમાં ઘટાડો કરવા તૈયાર નથી.

એ વખત રશિયા અને ચીને ઉલટું અમેરિકાને સાણસામાં લેતા કહ્યું હતું કે પહેલા અમેરિકાએ પોતાના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં ઘટાડો કરવાની જરૂર છે. એક અનુમાન પ્રમાણે માત્ર રશિયા અને અમેરિકા પાસે મળીને જ ૧૪ હજાર જેટલા પરમાણુ શસ્ત્રો છે જે દુનિયાનો અનેક વખત વિનાશ કરવા માટે પૂરતા છે. 

ગયા વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક સંમેલનમાં કહ્યું હતું કે રશિયાએ પોતાના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોની ક્ષમતા વધારવાની જરૂર છે. પુતિનના આ નિવેદનના થોડા જ કલાકો બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે અમેરિકાએ પોતાના પરમાણુ હથિયારોના જથ્થાને મજબૂત કરવાની અને તેનો વિસ્તાર કરવાની જરૂર છે.

જો પુતિન અને ટ્રમ્પે પોતાની વાતો પર અમલ કરવાનો શરૂ કર્યો તો દુનિયા માટે ખરેખર મોટું સંકટ ઊભું થઇ શકે છે. આ બંને મહાસત્તાઓની પરમાણુ હથિયારો વધારવાની જિદના કારણે દુનિયાના બીજા દેશો પણ શસ્ત્રસ્પર્ધામાં નવેસરથી જોડાઇ શકે છે. 

હકીકતમાં ટ્રમ્પની ચિંતા પણ એ વાતે જ છે. આ સંધિ માત્ર રશિયા અને અમેરિકા વચ્ચે જ અમલમાં રહી છે. બીજી બાજુ ચીને છેલ્લા થોડા દાયકામાં પોતાની પરમાણુ ક્ષમતામાં ભારે વધારો કર્યો છે. ટ્રમ્પે આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું પણ છે કે આ સંધિ બાદ ચીને પોતાની તાકાતમાં ભારે વૃદ્ધિ કરી છે અને આ સંધિથી બંધાયેલા હોવાના કારણે અમેરિકા ચીનમાં વિકસિત કરવામાં આવેલા કેટલાક શસ્ત્રોના જવાબમાં શક્તિશાળી શસ્ત્રો તૈનાત કરી શકતું નથી.

ખરેખર તો ટ્રમ્પ અને તેમના અધિકારીઓ આઇએનએફ સંધિમાં બીજા દેશોને સામેલ કરાવવાના સંકેત આપી ચૂક્યાં છે. તેમનું કહેવું છે કે આ સંધિને નવેસરથી લાગુ કરવાની જરૂર છે. એ માટે એ તમામ દેશોએ આ સંધિમાં સામેલ થવું પડશે જેમની પાસે ૫૦૦થી ૫૫૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી મિસાઇલો છે. જો આમ થાય તો આ સંધિમાં ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા, ઇરાન અને ચીન જેવા દેશોએ પણ સામેલ થવું પડે. આ તમામ દેશોને આવી સંધિ માટે રાજી કરવા એ હાલની સંધિ ટકાવી રાખવા કરતા પણ વધારે મુશ્કેલ કામ છે. 

પુતિન ભૂતકાળમાં ધમકી આપી ચૂક્યાં છે કે જો INF સંધિ રદ કરવામાં આવશે તો રશિયા પરમાણુ મિસાઇલો વિકસાવશે. એટલું જ નહીં, જો આ સંધિ તોડયા બાદ અમેરિકા યુરોપમાં વધારે મિસાઇલો ગોઠવવા માટે પગલાં લેશે તો રશિયા પણ જવાબમાં મિસાઇલો ગોઠવશે અને જો કોઇ યુરોપી દેશ અમેરિકાને મિસાઇલો ગોઠવવાની સંમતિ આપશે તો તેના ઉપર રશિયાના હુમલાનું જોખમ રહેશે. સ્વાભાવિક છે કે અમેરિકા અને રશિયાના આ સંધિ સ્થગિત કરવાના નિર્ણયના કારણે યુરોપી દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે અમેરિકા અને રશિયારૂપી બે આખલાઓ વચ્ચેની લડાઇમાં ખો તો યૂરોપની જ નીકળે એમ છે. 

આજે પરિસ્થિતિ એવી છે કે કોઇ એકલદોકલ દેશ પરમાણુ હથિયારોના મહાસંકટને નાથી શકવા સક્ષમ નથી. દુનિયાના તમામ દેશોએ અને તમામ તાકાતોએ ભેગા મળીને આ દિશામાં કામ કરવાની જરૂર છે. પરમાણુ હથિયારો પર ખર્ચ વધારવાથી સામાજિક-આર્થિક વિકાસ માટે થનારા ખર્ચમાં જ કાપ મૂકાશે જેનં  નુકસાન અંતે તો જે-તે દેશના લોકોને જ ભોગવવું પડશે. આ સંજોગોમાં વૈશ્વિક સમુદાયે ભેગા મળીને જ પરમાણુ હથિયારોના પ્રસાર અટકાવવા માટે અને તેમની નાબૂદી માટે આગળ આવવાની જરૂર છે.

જોકે અમેરિકા અને રશિયાનો આક્રમક મિજાજ જોતાં આગામી સમયમાં બંને દેશો વચ્ચે નવેસરથી શસ્ત્રોની દોડ જામે એવી શક્યતા જણાઇ રહી છે. જો એવું થયું તો વિશ્વ ફરી વખત શીત યુદ્ધના જમાનાના અનિર્ણિત અને માથે કાયમ અણુ યુદ્ધ તોળાતું રહેવાનો ભય રહે એવા સમયમાં પહોંચી જશે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GoCTvQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages