અમલસાડમાં અનૈતિક સંબંધનો કરૂણ અંત : પરણીત પ્રેમીજોડાનો આપઘાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

અમલસાડમાં અનૈતિક સંબંધનો કરૂણ અંત : પરણીત પ્રેમીજોડાનો આપઘાત

નવસારી, તા.5 ફેબ્રુઆરી 2019,મંગળવાર

અમલસાડ ગામે, પાડોશમાં પાંગરેલા મંગળવારે સવારે પ્રેમીજોડાએ અમલસાડ રેલવે સ્ટેશન સામે ગરીબરથ એક્સપ્રેસ સામે પડતું મુકી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે.

અમલસાડનાં સરીબુજરંગ સુદામા નગરમાં રહેતા અને મજૂરીકામ કરતા રણજિત જગુભાઈ હળપતિ (ઉ.વ.૨૫) અને તેનાં પાડોશમાં રહેતી શીલા હેમંતભાઈ હળપતિ (ઉ.વ.૨૩) નાં અલગ-અલગ જગ્યાએ લગ્ન થયા હતા. બંન્નેને બે સંતાનો હતા. પરંતુ છેલ્લા ૧ વર્ષથી રણજીત અને શીલા વચ્ચે પ્રેમસંબંધ પાંગરતા રણજીત, શીલામય થઈ ગયો હતો.

જેના કારણે રણજીતની પત્ની સાથે તેનો મનમુટાવ થયો હતો. અને અંતે એક મહિના અગાઉ રણજીતના તેની પત્ની સાથે છુટાછેડા થયા હતા. જેમાં બે સંતાનો પૈકી તેનાં પુત્રને રણજીતે પોતાની પાસે રાખ્યો હતો. અને પુત્રીને તેની પત્ની લઈ ગઈ હતી. બીજી તરફ શીલાનો પતિ કડીયાકામ કરી ઘરપરિવાર ચલાવતો હતો. તેમને પણ બે સંતાનો હતા. જેમાં ત્રણ વર્ષનો જીત અને દોઢ વર્ષનો મીત હોવા છતાં શીલા સંસારની તમામ મર્યાદા ઓળંગી રણજીતમય થઈ હતી.

બંન્ને વચ્ચે ગળાડૂબ પ્રેમ સંબંધોને તેમણે લગ્ન કરીને સાથે જીવન જીવવાનું નક્કી કર્યુ હતું. પરંતુ બબ્બે સંતાનોનાં માતા-પિતાના પ્રેમ સંબંધને સમાજ સ્વીકાર કરશે નહીં. એવો છુપો ભય બંન્નેને સતાવવા લાગ્યો હતો. પોતાનાં પતિ અને બે સંતાનવાળો ભર્યો ભાદર્યો સંસારને લાત મારી, છુટાછેડાવાળા બે સંતાનના પિતા સાથે ઘરસંસાર માંડવાની હિમ્મત શીલાની પણ થઈ ન હતી.

પરંતુ બંન્નેને એકબીજા વિના રહેવું અસહ્ય થઈ ગયું હતું. આ ગુંચવાડામાં અટવાઈ પડેલા પ્રેમીજોડાએ સાથે જીવી નહીં શકાય તો કંઈ નહીં એક સાથે મરી જઈએ એવા નકારાત્મક વિચાર સાથે મંગળવારે અમલ કરી નાંખ્યો હતો. અને સવારે ૬-૪૫ વાગ્યાનાં સુમારે અમલસાડ રેલવે સ્ટેશન પાસે ગરીબ રથ એક્સપ્રેસ સામે સૂઈ ગયા હતા. ટ્રેન તેમના ઉપરથી ક્ષણભરમાં સડસડાટ પસાર થઈ જતાં બંન્નેના શરીરનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આમ આડા પ્રેમ સંબંધોનો કરૂણ અંજામ આવ્યો હતો.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WLtLah

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages