અમદાવાદ,તા.4 ફેબ્રુઆરી 2019,સોમવાર
અમદાવાદ જિલ્લા પંચાયતમાં સાત મહિના બાદ આખરે આગામી તા.૨૨ ફેબુ્રઆરીના રોજ સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા બે સમિતિઓની પૂનઃરચના કરવાની સાથે વર્ષ ૨૦૧૯-૨૦નું ૩૫ કરોડનું બજેટ પણ રજૂ કરાશે. લાંબા સમય બાદ મળનારી આ સામાન્ય સભા તોફાની બની રહેવાની પુરેપુરી સંભાવના જોવાઇ રહી છે.
આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ ગત વર્ષની તુલનામાં આ વર્ષે ૧૦ ટકાના વધારાવાળું બજેટ રજૂ કરાશે. જેમાં શિક્ષણ, આરોગ્ય, પાણી, પશુપાલન તેમજ વિકાસના કામો માટે વિશેષ જોગવાઇ કરાશે.
સિંચાઇ અને મહિલા બાળ વિકાસ સમિતિની પણ પુનઃરચના કરવા માટેનો ઠરાવ લવાશે. ઉપરાંત સામાજીક ન્યાય સમિતિમાં સભ્યોની નિમણૂંકોને લઇને પણ ઠરાવ લવાશે. અમદાવાદ જિલ્લાને વિકાસની દિશામાં આગળ લઇ જનારુ ઉત્તમ બજેટ રજૂ કરાશે. જેમાં તમામ તાલુકાઓ અને વર્ગોનું ધ્યાન રખાશે.
રાજ્ય સરકારમાંથી ૩૦૦ કરોડ જેટલી ગ્રાન્ટ પણ તબક્કાવાર ફાળવાશે જેનું અમલીકરણ જિલ્લા પંચાયત દ્વારા થશે. આ ગ્રાન્ટો પણ વહેલી તકે વિકાસ કામોમાં વાપરવામાં આવશે.
બીજી તરફ વિપક્ષ કોગ્રેસ દ્વારા એ બાબતે વિરોધ નોંધાવાયો છે કે દર ત્રણ મહિને સામાન્ય સભા ફરજીયાત બોલાવવાનો નિયમ હોવા છતાંય છેલ્લા સાત માસથી તેનું પાલન કેમ કરાયું નથી. હવે આગામી વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ કરવાનું થયું છે. ત્યારે મજબૂરી વશ સામાન્ય સભા બોલાવાઇ રહી છે.
નવાઇની વાત એ પણ છેકે જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતાની પણ આજદીન સુધી નિમણૂંક કરવામાં આવી નથી. જેને લઇને હાલમાં કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષની અસરકારક ભુમિકા ભજવવામાં પણ ઉણો ઉતર્યો હોવાની ચર્ચા પણ જિલ્લા પંચાયતમાં ચાલી રહી છે. કોંગ્રેસના અઢી વર્ષના શાસન બાદ કોંગ્રેસના સાત સભ્યો બળવો કરીને ભાજપમાં જોડાઇ જતા બાકીના અઢી વર્ષ માટે ભાજપ પક્ષ સત્તા પર આવી ગયો હતો.
તેવામાં કોંગ્રેસ દ્વારા તેના સાત સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ સભ્યપદેથી સસ્પેન્ડ કરવાની અરજી ગાંધીનગરમાં સક્ષમ અધિકારી સમક્ષ કરાઇ છે. જે માટે બંને પક્ષોની દલીલો સાંભળવા માટે આગામી બુધવારના રોજ બેઠક યોજાશે. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આખો મામલો હુકમ પર જશે.
આમ સામાન્ય સભા, બજેટ અને પક્ષાંતર ધારાના મામલે દલીલો રજૂ કરવા સહિતની આગામી ગતિવિધીઓને લઇને અમદાવાદ જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DSIGZ0
No comments:
Post a Comment