અમદાવાદ, શુક્રવાર
અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનો પૈકીનું એક છે. સાથેસાથે કાલુપુર રેલવે સ્ટેશન મુસાફરો માટે સૌથી અસુરક્ષિત સ્ટેશન પણ બની રહ્યું છે. જેમાં ભીડનો ગેરલાભ લઇને મોબાઇલ અને પર્સની ચોરી કરતી ગેંગ સાથે ટ્રેનના કોચમાંથી મુસાફરોનો સાામાન અને અન્ય કિંમતી ચીજ વસ્તુઓની લૂંટ અને ચોરીના બનાવો પણ સતત વધી રહ્યા છે. જો કે રેલવે પોલીસ મોટાભાગના કેસનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ ગઇ હોવાથી મુસાફરોની સુરક્ષા પર પણ સવાલ ઉભા થયા છે.કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતા અને ઉતરતા સમયે મુસાફરોના મોબાઇલ ફોનની ચોરીના દિવસ દરમિયાન ત્રણ થી ચાર બનાવો પોલીસ દફતરે નોંધાઇ છે. જો કે હકીકતમાં પ્રતિદિન ૫૦ થી વધારે મુસાફરોના મોબાઇલની ચોરી થવાની બનાવો ૂબને છે. પરંતુ, મોટાભાગના મુસાફરો મોબાઇલના બીલ ન હોવાને કારણે કે ટ્રેનમાં બેસી ગયા હોવાથી ફરિયાદ કરવાનું ટાળે છે. તો ટ્રેનમાં મુસાફરોના સામાન અને અન્ય કિમતી મત્તાની ચોરી અને લૂંટના બનાવો પણ સતત વધી રહ્યા છે. છેલ્લાં એક મહિનામાં ૧૩૦ થી વધુ ચોરીના બનાવો રેલવે પોલીસના ચોપડે નોંધાયા છે.જેમાં ટ્રેનમાં રાતના કે વહેલી સવારે ટ્રેનમાં સુઇ રહેલા મુસાફરોના સામાનની ચોરીના બનાવો પણ સતત વધી રહ્યા છે. ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરતી ચોક્કસ ગેંગ કાર્યરત છે. જે ટ્રેનમાં મુસાફર તરીકે બેસીને રાતના સમયે સામાન અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરે છે. જેમાં સામાન કાલુપુર રેલવે સ્ટેશન આવે તે પહેલા ચોરીને ઉતરી જતા હોય છે. જેમાં પોીલીસને સામાનની ચોરી કરતી ગેંગને ઝડપી લેવામાં કે અન્ય કોઇ કડી મેળવવામાં સફળતા મળી નથી. આ સાથે ટ્રેન ધીમી પડે ત્યારે બારીમાં હાથ નાખીને સિનિયર સિટીઝનના ગળામાંથી સોનાની ચેઇન અને મોબાઇલ ફોનની ચોરીના બનાવો પણ સતત વધ્યા છે.મુંબઇના મલાડમાં રહેતા એક વ્યક્તિનો સામાન અમદાવાદ રેલવે સ્ટેશન આવતા સુધીમાં ચોરી થયો હતો. જેમાં જરૂરી દસ્તાવેજો હતા. જેના કારણે તેમનું ઇન્ટરવ્યુ થઇ શક્યું નહોતુ.સૌથી મહત્વની બાબત એ છે કે કાલુપુર રેલવે સ્ટેશન પર સીસીટીવી પણ છે. જો કે કેટલાંક ઓળખાયેલા શંકાસ્પદો સુધી પોલીસ પહોંચી શકી નથી. પોલીસ દાવો કરે છે કે આ ચોરીને અંજામ આપતી ગેંગ અમદાવાદ બહારની હોય છે અને તે સતત સામાનની ચોરી કરવા માટે રેલવે સ્ટેશનો બદલતા રહે છે. જેથી તેમની સુધી પહોંચવું મુશ્કેલ થઇ પડે છે. પરંતુ, જે રીતે ટ્રેનમાંથી ચોરીના બનાવો બની રહ્યા છે. જેના કારણે મુસાફરો માટે કાલુપુર રેલવે સ્ટેશન સુરક્ષિત નથી રહ્યું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Elu1mhi
No comments:
Post a Comment