
ભા ભીઓએ હંમેશા સમાજ ઉપર અને સંસાર ઉપર મોટી કૃપા જ કરી છે. તેમની એ મહેરબાની ગુસ્સાને લઇને હોય કે નારાજીને લઇને હોય, પણ તેમણે તો અજ્ઞાાનતામાં આપણા સૌ પર મહેરબાની જ કરી છે. એ ભાભીઓએ જ આપણને નરસિંહ મહેતા જેવા કવિની ભેટ આપી છે. બીજા કાંઈ કેટલાય જાણ્યા-અજાણ્યા કવિ-લેખકો આપણને ભાભી તરફથી જ મળ્યા છે.
કવિ ભૂષણની પણ કથા એવી જ છે. તે જાતે મસ્ત માનવી હતો. આખો દિવસ પોતાની કવિતા મસ્તીમાં મસ્ત રહેતો હતો. રખડતો-ભટકતો હતો. કમાવાનું તેને સૂઝતું ન હતું. તેને મન તો કવિતા જ સર્વસ્વ હતી. કવિતા કરી કે જાણે પેટ ભરાઈ ગયું !
એકવાર તે કવિતા ગણગણતો આવ્યો, અને પોતાની રીતે પાટલો માંડી ખાવા બેસી ગયો. આનંદમાં તેણે ભાભીને કહ્યું: 'શું બનાવ્યું છે ભાભી ?' લાવો જોઈએ.
રોજ તેની સાથે આનંદભરી વાતો કરતી ભાભી આજે આનંદમાં નથી, એ વાત એને સમજાઇ નહિ. બધા દિવસો કાંઈ એક સરખા હોતા નથી. ઘર-ગૃહસ્થીમાં ક્યારેક સ્ત્રીનો સ્વભાવ પણ બગડી બેસે છે.
જમવા બેઠેલા ભૂષણથી બોલી જવાયું: 'અરે ભાભી, આજે તો શાકમાં મીઠું જ નથી લાગતું.'
તરત જ ભાભીએ સંભળાવી દીધું: 'બહુ મીઠું કમાઇને લાવો છો ને દિયરજી ! તે શાકમાં મીઠું નાખી દઉં ? પોતાનામાં તો મીઠું છે નહિ તે શાક મીઠાવાળું જોઇએ છે. જૂઓ તો ! કોણ જાણે કવિતા ય શી મીઠાવાળી કરતા હશે !'
બસ ભૂષણ ત્યાંથી ઉઠયો તે ઉઠયો. તેણે હાથમાં અન્નનો છેલ્લો કોળિયો લઇને પ્રતિજ્ઞાા કરી કે 'આ ઘરમાં મીઠું લઇને જ પાછો આવીશ, મીઠાવાળો બનીને જ પાછો આવીશ. મારી કવિતા જ્યાં સુધી મીઠાવાળી બને નહિ ત્યાં સુધી જંપીશ નહિં.'
ભૂષણ ગયો તે ગયો અને જ્યારે તે મીઠાવાળો કવિ બન્યો ત્યારે જ રહ્યો.
મીઠા વગરના દિયરને, ભાભી બનાવે મીઠા એવા ભાભીજીના વહાલ, કહો કોણે નથી દીઠા?
- હરીશ નાયક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3keGIEp
No comments:
Post a Comment