પર્યાવરણીય ઉપેક્ષાની સજા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 October 2020

પર્યાવરણીય ઉપેક્ષાની સજા


પર્યાવરણીય ઉપેક્ષાની સજા 

ગ્લોબલ વોર્મિંગ સંબંધિત ચિંતાઓ માટે પેરિસ જ હવે તો જાણે ગ્લોબલ કેપિટલ બની ગયું છે. પરંતુ ત્યાં અવારનવાર જે વારતાઓ થાય છે તેમાં મહા અને મહાન રાષ્ટ્રોના વડાઓ ભાગ લઈને જે ડાહી ડાહી વાતો કરે છે તે પૂર્ણતઃ નિરર્થક છે એમ દુનિયા હવે સમજી ગઈ છે. એટલે પર્યાવરણ સંબંધિત એવી ચર્ચાનો પ્રભાવ શૂન્ય ડિગ્રી સુધી પહોંચી ગયો છે. માણસ જાત આજકાલ ભીંસમાં આવી ગઈ છે એટલે એને વિપદા નિકટ હોય ત્યારે જે સારા વિચારો આવવા જોઈએ એમાં પર્યાવરણ પણ છે એટલે પ્રાકૃતિક સમતુલાની વાતોએ ફરી ઉછાળો માર્યો છે, જે પણ આખરે તો વ્યર્થ જ નીવડવાની સંભાવના છે. ૩૫ સેન્ટિગ્રેડથી વધારાનું ઉષ્ણતામાન મનુષ્યના ચૈતસિક કોષો અને મસ્તિષ્કની સૂક્ષ્મ પ્રણાલિકાને કાયમી ધોરણે નુકસાન કરે છે. વધતા ઉષ્ણતામાનને કારણે કોઈ પણ દેશની બૌદ્ધિક સંપદામાં ઘટાડો થઈ શકે છે. ચકલી અને કબુતર બે એવા પંખીઓ છે જેને ભારે ગરમીમાં ઉડ્ડયન વિના પણ હાંફ ચડી જાય છે અને પછી એકાએક જ તેઓ શ્વાસ ચૂકી જાય છે. 

કુદરતનું વ્યવસ્થાતંત્ર એવું છે કે જે આજે ઈતર જીવોએ ભોગવવાનું આવે તે જ આવતીકાલના વરસોમાં માનવજાતે વેઠવાનું આવે. ગ્લોબલ વોર્મિંગથી થઈ રહેલા જળવાયુ પરિવર્તનને કારણે છેલ્લા પચાસ વરસમાં દુનિયાના તમામ દેશોમાં આર્થિક અને સામાજિક ગતિમાં અવરોધ અથવા આશ્ચર્યજનક રીતે પ્ર-ગતિ નોંધાઈ છે. છેલ્લું વીતેલું ચોમાસુ આડેધડ વરસાદનું હતુ. હવામાન ખાતાની આગાહી એક ઝંઝાવાત માટે હોય અને આવી જાય ત્રણ. ઓરિસ્સા અને બિહારના જળપ્રલયના સમાચારને સરકારી માધ્યમોએ બ્લેકઆઉટ કર્યા હતા. એ બન્ને રાજ્યોમાં આ વખતે વરસાદે રીતસર હાહાકાર મચાવ્યો હતો જેની અસરોમાંથી પ્રજા હજુ મુક્ત થઈ નથી. છેલ્લી અરધી સદીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે શ્રીમંત દેશો વધુ શ્રીમંત થયા છે અને ગરીબ પ્રજા વધુ ગરીબ બની છે. 

સ્ટેનફર્ડ યુનિવસટીના સંશોધક પ્રાધ્યાપકોની એક ટુકડીએ અખંડ પરિશ્રમથી કરેલા અભ્યાસમાં સપાટી પર આવેલા તારણો એક રીતે વિકાસશીલ અને અવિકસિત દેશો માટે ચેતવણીની નવી ઘંટડી છે. આ સંશોધન કહે છે તે પ્રમાણે વધતા ઉષ્ણતામાનને કારણે ભારતીય અર્થતંત્રને એકત્રીસ ટકા નુકસાન જઈ રહ્યું છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગની ભયાનક નકારાત્મક અસરો ભારત પર ન પડી હોત તો આપણું અર્થતંત્ર હજુ તેત્રીસ ટકા વધુ આગળ વધી ગયું હોત. આપણે વિકાસની જે કલ્પના કરીએ છીએ તે તો ક્યારનીય સાકાર થઈ ગઈ હોત. આનો અર્થ એ છે કે આપણે હવે કુદરતનું સંતુલન વેરવિખેર કરવાની આકરી કિંમત ચૂકવવા લાગ્યા છીએ. કોરોના તો એની એક માત્ર પ્રાથમિક શરૂઆત છે. આ માત્ર ઘેરી કરૂણતાનો પ્રથમ અધ્યાય જ છે. આગળના ખતરનાક વળાંક માટે નાછૂટકે સહુએ તૈયાર રહેવાનું છે. દુનિયાના દેશો વચ્ચે વોટર વૉર કે વેક્સિન વૉર શરૂ થવાને ઝાઝાં વરસોની વાર નથી. 

નવાઈની વાત એ છે કે ગ્લોબલ વોર્મિંગથી જે ઠંડા દેશોનું ઉષ્ણતામાન વધ્યું છે એને આનો લાભ પણ થયો છે. જેમ કે નોર્વેનું ઉષ્ણતામાન વધીને સામાન્યની નજીક પહોંચી ગયું છે. તો એનો રાષ્ટ્રીય વિકાસ દર ઊંચે ને ઊંચે જવા લાગ્યો છે. એનાથી વિપરીત ભારત જેવા સમશીતોષ્ણ કહેવાતા પણ અનુભવે ખરેખર ઉષ્ણ બની ગયેલા દેશનું તાપમાન વધવાથી આર્થિક  વિકાસનો ઘટાડો આપણે ભોગવવાનો આવ્યો છે. વધતા જતા ઉષ્ણતામાને જૈવવૈવિધ્ય પર પણ ગંભીર અસર કરી છે. અંદાજે વિવિધ જીવસૃષ્ટિની દસ લાખ પ્રજાતિઓ સંપૂર્ણ નામશેષ થવાના આરે છે.

વરસાદી જંગલોનો નાશ થતો જાય છે અને બાકીના જંગલો પણ ઝાંખા થઈ ગયા છે. પડતર જમીનો તો દરેક દેશ પાસે લાખો અને કરોડો હેક્ટરની છે પણ એના પર નવા જંગલો વિકસાવવામાં કોઈ પણ દેશના કોઈ રાજકર્તાને રસ નથી. એમને એમની મતભૂમિ ફેલાવવામાં જ રસ છે. મતભૂખ્યા શાસકો જ સત્તા પર છે. દુનિયામાં બધે જ ટૂંકી દ્રષ્ટિ ધરાવતા લોકોનું શાસન છે. જગતકાજી ગણાતા અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ પણ જો નફ્ફટ થઈને પર્યાવરણ સંબંધિત વિવિધ સંધિઓમાંથી છેડો ફાડી નાંખતા હોય તો બીજા દેશોની સ્વાર્થલુબ્ધ અવદશાની તો શું વાત કરવી !

દેશ અને દુનિયાના કૃષિક્ષેત્રોમાં રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે અન્ન ઉત્પાદનની ગુણવત્તામાં જે ઘટાડો થયો છે એને કારણે માનવ શરીરના આંતરિક ઉષ્ણતામાનની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થયો છે. જેથી મનુષ્યની રોગપ્રતિકારક ક્ષમતા પણ ઘટી છે. અત્યારે ઈમ્યુનિટીની ઘટ જ માણસના મોતનું એક પ્રબળ કારણ છે. જેને આપણે આવતીકાલના નાગરિકો કહીએ છીએ એ ઉછરતી નવી પેઢીમાં પણ પર્યાવરણના સંસ્કારોની કોઈએ માવજત કરી નથી. તેઓનામાં પણ પ્રકૃતિનો આદર કરવાની વૃત્તિ નથી. તેઓ પણ ભોગવાદી માર્ગે જ આગેકૂચ કરી રહ્યા છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34qAtZc

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages