
ફેશનની વાત આવે એટલે સ્ત્રી અનંત સમયથી એની સાથે લડાઇ કરતી જોવામાં આવે. ફેશન સાથે સ્ત્રીઓનો લવ-હેટ સંબંધ હોય છે. ફેશન તમારામાં આત્મવિશ્વાસ જગાડી શકે છે કે પછી ફેશન પરસ્તી તમને નિરાશ પણ કરી શકે છે. તમે જીમમાં જઇને કસરત કરો કે પછી લિપોસકશન કરાવવામાં તમારી બચત વેડફી નાખો અને છતાં પણ ફેશનને અનુરૂપ દેખાવ તમને મળે એવું બને નહીં. તેને બદલે પાતળા દેખાવા કે પછી લેટેસ્ટ ફેશનનાં વસ્ત્રો પહેરવા જો તમે ફેશન અંગેની થોડીઘણી વાતો ધ્યાનમાં રાખો તો ખૂબ જ ઓછા ખર્ચે તમે તમારા શરીરનો મનગમતો આભાસ ઊભો કરાવી શકો.
સ્લીપ ચોક્કસ પહેરો:
સ્કર્ટ માટેની સ્લીપ પહેરવાથી તમારા સાથળ પરની વધારાની ચરબી દેખાતી બંધ થઇ જશે. સ્લીપ એ માત્ર સ્કર્ટમાં કે કોન્વેન્ટના સ્ટુડન્ટ માટે જ પહેરવાની વસ્તુ નથી. કસરતની કડાકૂટમાં પડયા વગર માત્ર મસ્લીનનાં કપડાંની સ્લીપ તમારા પગ પાતળા હોવાનો દેખાવ ઊભો કરી શકે છે.
વધુ પડતા જાડા હીપ્સ:
જો તમારા હીપ્સ વધારે હોય અને તમને સ્કર્ટ પહેરવાનું ગમતું હોય તો સ્કર્ટની નીચે બંને તરફ કટ હોય તેવું સ્કર્ટ પસંદ કરો. નીચેના બંને ભાગ તરફના કટને લીધે હીપ્સ પરની ચરબી ઓછામાં ઓછી બે ઇંચ (હોય તેના કરતાં) ઓછી દેખાય છે. એ જ નિયમ ટોપને પણ લાગુ પડે છે. જો ટોપમાં પણ કમરના બંને ભાગ તરફ કટ હોય તો કમર પરની ચરબી આપોઆપ ઓછી દેખાય છે. વી ગળાના વસ્ત્રોથી તમારી કમર અને ગળું પાતળા હોવાનો આભાસ ઊભો થાય છે.
ક્રેપના વસ્ત્રો:
ક્રેપ એ એવું કાપડ છે, જે તમારા ફીગરને એક ઇંચનો પણ ઉમેરો કર્યા વગર જેવું છે, તેવું જ રજૂ કરે છે તેથી ક્રેપના સાડી કે ટોપ પસંદ કરી શકાય.
નેકલાઇન:
તમારું ગળું જેટલું ઉપરની તરફ ઢંકાયેલું હશે, તેટલો તમારો ચહેરો ભરાવદાર દેખાશે. તમે જેમ જેમ ઉંમરમાં મોટા થતાં જાઓ અને તમારી ત્વચા જેમ જેમ પોતાની કુમાશ ગુમાવતી જાય તેમ તેમ તમારે મોટા ગળાનાં વસ્ત્રોની પસંદગી કરવી જોઇએ. જો તમારો ચહેરો વધુપડતો ભરાવદાર હોય તો ડ્રેસના ગળાની ડિઝાઇન ખૂણાઓવાળી પસંદ કરી શકાય. તેનાથી તમારો ચહેરો પાતળો દેખાશે અને જો તમારો ચહેરો સાવ સંકોચાયેલો કે પાતળો હોય તો પોલો નેકનાં વસ્ત્રો પહેરો.
કેપ સ્લીવ:
કેપ સ્લીવ એ માત્ર '૭૦ના દાયકાની ફેશન નથી. ટાઇટ કેપ સ્લીવના કુરતા કે શર્ટ પહેરવાથી તમારા હાથ એકદમ સુડોળ દેખાશે. જેમના બાવડા વધુ પડતાં ગોળાકાર દેખાતાં હોય તેમને માટે તો ટૂંકી બાંયને બદલે પોણી અથવા આખી બાંય વધુ સારી દેખાશે.
હેમલાઇન:
વધુ પડતાં ઘેર વગરનું લાંબુ અને ઘૂંટણ સુધી પહોંચતું સ્કર્ટ પહેરવાથી તમારી ઊંચાઇ વધુ હોય તેવો આભાસ ઊભો થાય છે. લાંબા દેખાવા તમારે દર વખતે પાતળા હિલવાળા શૂઝ નહીં પહેરવા પડે.
ભરાવદાર સ્તન:
સ્તન ભરાવદાર હોય ત્યારે છાતીના ભાગ ઉપર અને સ્તનની નીચે વધુ ટાઇટ હોય તેવા કપડાં પહેરવાનું ટાળો. તેને લીધે વગર કારણે લોકોનું ધ્યાન ત્યાં જઇ શકે છે.
સિંગર કલર ટોન:
એક જ રંગના પૂરા વસ્ત્રો પહેરવાથી તમે વધુ લાંબા, પાતળા અને સુડોળ લાગો છો. પણ જો તમને એકના એક રંગોથી કંટાળો ઉત્પન્ન થતો હોય તો એક જ કપડામાં જુદા જુદા ટેક્ષચર પસંદ કરો. ઉદા. તરીકે લિનનનાં ગુલાબી વસ્ત્રો ઉપર ગુલાબી રંગનો શિફોનનો સ્કાર્ફ પહેરી શકાય. ઘેરા રંગો પણ તમને સફેદ અને પેસ્ટલ રંગોની સરખામણીમાં વધુ પાતળા દેખાડે છે. જેઓ વધુ પડતાં સ્થૂળ છે, તેમને માટે કાળો રંગ શ્રેષ્ઠ છે. કાળા રંગના વસ્ત્રોમાં શરીરની મોટા ભાગની ચરબી છુપાઇ જાય છે.
વધુ પડતી લંબાઇ:
આપણે ત્યાં લાંબી યુવતીઓનાં મગજમાં એવું ઠસાવવામાં આવે છે કે વધુ પડતી લંબાઇ અકુદરતી છે, પણ એવું મનમાંથી તદ્દન કાઢી નાખો. લાંબી સ્ત્રીઓએ ટૂંકા દેખાવાના કોઇ જ પ્રયત્ન કરવાની જરૂર હોતી નથી. તેને બદલે હાઇ હિલ્સ પહેરો અને આત્મવિશ્વાસથી ભરપૂર બનો.
પોઇન્ટેડ શૂઝ:
જેમને લાંબા દેખાવાનો શોખ હોય તેમણે પોઇન્ટેડ હિલ્સ ધરાવતાં શૂઝ પહેરવા જોઇએ. રાઉન્ડ હિલ્સને બદલે આવા પોઇન્ટેડ શૂઝથી હૉઇટ વધુ હોવાનો આભાસ ઊભો થાય છે.
જીન્સ:
યુવતી અને મહિલાઓના વોર્ડરોબમાં જીન્સ તો હોય છે જ. પણ જીન્સની ખરીદી આંખ બંધ કરીને કરવી નહીં. ઘણાં લોકો એવાં હોય છે કે જીન્સ ખરીદતાં પહેલાં તે પહેરીને પૂરતી ટ્રાયલ કરતાં નથી. તેને કારણે જીન્સમાં જે રીતે ફીગર દેખાવું જોઇએ તેવો લાભ તેમને મળતો નથી. વળી, અમુક નવા પ્રકારનાં જીન્સ જેમાં સાથળ કે પોકેટના ભાગ ઉપર ફેડીંગ કે આછો રંગ હોય તેવા જીન્સની પસંદગી કરવાથી જો તમારા શરીરના તે ભાગ ઉપર ચરબી વધારે હશે તો તે વધુ પડતી દેખાશે. તેથી કપડાં ખરીદતી વખતે ખૂબ જ સાવચેત રહેવું અને જેટલાં બની શકે તેટલાં કપડાં ટ્રાય કર્યા પછી જ ફાયનલ પસંદગી કરવી.
મધ્યમ લંબાઇની પસંદગી:
ટૂંકા કદની મહિલાઓએ ક્યારેય ઘેરવાળા કે ફ્લેટેડ પેન્ટની પસંદગી કરવી નહીં. જો તમારી ઉંચાઇ પાંચ ફૂટ ત્રણ ઇંચથી ઓછી હોય તો ફ્લેટેડ પેન્ટની પસંદગી ટાળો અને માત્ર સ્ટ્રેઇટ પેન્ટ જ પસંદ કરો.
સ્ટ્રેચ કપડાંની પસંદગી:
આધુનિક ફેશન વિશેની માન્યતા એવી છે કે સ્થૂળ મહિલાઓ જો સ્ટ્રેચ કાપડનાં વસ્ત્રો પહેરે તો તેની જાડાઇ કે સ્થૂળતા દેખાતી નથી. એ વાત ખરી છે કે સ્થૂળ મહિલા માટે સ્ટ્રેચ કાપડ યોગ્ય હોય છે, પણ જો તમે સ્ટ્રેચ કપડાં પહેરો અને એમાં કરચલી પડે કે તે વધુ પડતું ટાઇટ હોય તો તેની સુંદરતા મરી જાય છે. તેથી સ્ટ્રેચ ટાઉઝરની પસંદગી કરતી વખતે તેની સાઇઝ યોગ્ય રીતે પસંદ કરો.
ઉપવસ્ત્રોની પસંદગી:
મહિલાઓએ હંમેશાં શ્રેષ્ઠ કક્ષાની અને યોગ્ય ફીટિંગવાળા ઉપવસ્ત્રોની જ પસંદગી કરવી જોઇએ. ઘણી મહિલાઓનાં ફિગર ખરાબ એટલા માટે લાગતાં હોય છે કે તેમને તેમનાં અંડર ગારમેન્ટ્સની યોગ્ય સાઇઝ ખબર જ હોતી નથી અને તેઓ દુકાનદારને આ બાબતે પૂછતાં શરમાય છે. પણ આજકાલ મોટા ભાગના સેલ્સ આસિસ્ટન્ટ આ બાબતે માહિતગાર હોય છે અને તેઓ સાઇઝ અંગે તેમને યોગ્ય સલાહ આપી શકે છે કે તમારે કેવી રીતે માપ કાઢવું. આ બાબતે તેમની સલાહ લો અને માપ કરતાં નાના કદની બ્રેસિયરની પસંદગી ક્યારેય કરો નહીં કારણ કે તેનો અર્થ એવો થાય કે તમે એ વાત સ્વીકારવા નથી માંગતા કે તમારા શરીરનું કદ વધ્યું છે. આ જ વાત વસ્ત્રોની પસંદગીને પણ લાગુ પડે છે.
ઓછા ભરાવદાર સ્તન:
મોટી પ્રિન્ટ કે ડિઝાઇનનાં ટીશર્ટ, પોલોનેક કે જાડા સ્વેટર પહેરે તો પણ ઓછા ભરાવદાર સ્તનવાળી સ્ત્રી સુંદર લાગે છે. બ્રેસ્ટ પોકેટ ઉપર ડિઝાઇન, સ્મોકિંગ, છાતીના ભાગ નીચે ગેધર વગેરે સ્ટાઇલ અપનાવવાથી સ્તન ભરાવદાર હોવાનો આભાસ ઊભો થાય છે. તેના માટે મોલ્ડેડ બ્રા અને પેડેડ કપ બ્રા વાપરી શકાય.
ટૂંકા કદની સ્ત્રી:
પાતળો દેખાવ ઊભો કરવા માટે ટૂંકા કદની સ્ત્રીએ માથાથી પગ સુધીની એકરૂપતા જાળવી રાખવી જોઇએ. આડા પટ્ટા કે મોટી ડિઝાઇનોવાળા વસ્ત્રો હંમેશાં ટાળવા કારણ કે તેનાથી તમે જાડા અને વધુ બટકા દેખાશો. ટૂંકા કદની વ્યક્તિએ એવા કપડાં ક્યારેય પસંદ કરવા નહીં જેમાં તેમનું કુદરતી શરીર દેખાઇ આવે કારણ કે તેનાથી તેમના શરીરની પહોળાઇ વધેલી અને ઊંચાઇ ઘટેલી લાગશે.
છેલ્લે, તમે લાંબા, પાતળા, મોટા કુલા કે સ્થૂળ કાયા ધરાવતાં વ્યક્તિ હો પણ તમારે ફિલોસોફી એવી અપનાવવી જોઇએ કે માત્ર સારા વસ્ત્રો પહેરીને સારો દેખાવ જ ઊભો કરવો પૂરતો નથી પણ પોતાના મનથી પણ તમારે તમારી જાતને સુંદર માનવાની છે. મોટે ભાગે તમે એવું દર્શાવતાં હો છો, જેવા અંદરથી હો છો. જો તમે સ્ટાઇલીશ હોવાનું અનુભવશો તો તમે એવા દેખાશો. સુંદર રીતે તૈયાર થવું, શરીરના ફીટનેસ માટેના નિયમોને અનુસરવા અને સ્વસ્થ દેખાવું જરૂરી છે. આખરે, માત્ર સારા શૂઝ, રંગાવેલા વાળ કે સુંદર વસ્ત્રો સિવાય તમારા સમગ્ર વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસની આભા છે, જે તમારી પર્સનાલિટીને અનોખી બનાવે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d4wHr2
No comments:
Post a Comment