પૃથ્વીનું શોષણ, મનુષ્ય દૂષણ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 7 September 2020

પૃથ્વીનું શોષણ, મનુષ્ય દૂષણ

- જીવનશૈલીમાં પરિવર્તન નહીં લાવીએ તો કોરોના કરતા અનેક ગણી મોટી આફતો માટે તૈયાર રહેવું પડશે


દુનિયાની લગભગ દરેક સરકાર જેટલું રાજસ્વ પ્રાપ્ત કરે છે તેના કરતાં અધિક ખર્ચ કરે છે. આવક કરતાં વધારે ખર્ચ કરવાના કારણે જે ગાળો પડે છે તે લોન લઇને ફૂલફીલ કરવો પડે છે. ભારત સરકારે અત્યાર સુધીમાં જેટલી લોન લીધી છે તે પ્રમાણે પ્રત્યેક ભારતીય પર ૧૪૦૦ ડોલરનું દેણું થાય છે. દરેક ભારતીય બાળક રૂા.૧,૦૫,૦૦૦ના દેણા સાથે જન્મે છે. આ આંકડા ફક્ત સરકારી દેણાના છે, આપણું નિજી દેણું અલગ.

ખાધના બજેટ જેવું જ પ્રાકૃતિક સંશાધનોનું છે. પૃથ્વી એક વર્ષમાં જેટલા સંસાધનો પેદા કરે છે તેના કરતાં અનેકગણા સંસાધનો આપણે વાપરી રહ્યા છીએ. સમજી લો કે સોનાનું ઇંડુ આપતી એક મરઘીને ઇન્જેકશન આપીને આપણે તેની પાસેથી બેથી ત્રણ ઇંડા મેળવી રહ્યા છીએ. જે રીતે આપણી આ હરકત મરઘીની આવરદા ઘટાડી નાખવાની એમ સંસાધનોનો અધિક વ્યય એક સમયે પૃથ્વીને ખતમ કરી નાખવાનો, ખજાના વિહોણી કરી નાખવાનો. 

કાલે શું થશે એનો આપણને વિચાર આવતો નથી તે દર્શાવે છે કે કમસેકમ આ બાબતમાં આપણે નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. જે થશે તે જોયું જશે. 

એક વર્ષમાં આપણે જેટલા પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઇએ તે આપણે પોણા આઠ મહિનામાં જ કરી કાઢયો. ૩૧ ડિસેમ્બર સુધીમાં આપણે જેટલા સંસાધનો ખર્ચ કરવા જોઇતા હતા તે આપણે ૨૨મી ઓગસ્ટ સુધીમાં જ વાપરી કાઢયા. આ પોણા આઠ મહિનામાં પછીના સવા ચાર મહિનામાં આપણે જેટલો કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન કરી રહ્યા છીએ તેટલો શોષી શકવાની ક્ષમતા આપણા પર્યાવરણમાં નથી. પણ કહ્યું ને આપણે તો નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ, આપણને પડી નથી કે કાલે શું થશે? ને કૃપા કોરાનાની કે આપણને પૃથ્વીના આંચળ નિચોવવામાં પોણા આઠ મહિના લાગ્યા.

જો કોરોના ન આવ્યો હોત અને લોકડાઉન ન થયું હોત તો ત્રણ મે સુધીમાં જ આપણે એક વર્ષનો ક્વોટા પૂરો કરી નાખ્યો હોત. આ રીતે જોઇએ તો કોરોના આપણા માટે દૈત્ય છે બાકી પૃથ્વી તો તેને દુઆ દેતી હશે, માણસ નામના દૈત્યના ત્રાસથી થોડો ઘણો સમય રાહત આપવા માટે.

જે દિવસે માણસ પૃથ્વી દ્વારા એક વર્ષમાં પેદા કરવામાં આવતા સંસાધનોની લિમિટ ક્રોસ કરી જાય તે દિવસને અર્થ ઓવરશૂટ ડે અથવા ઇકોલોજિકલ ડેઇટ ડે કહેવામાં આવે છે. ગુજરાતીમાં કહીએ તો પ્રાકૃતિક સંસાધન  સીમોલ્લઘંન દિવસ. ૨૦૧૯માં, ૨૦૧૮માં આપણે ૨૯ જૂલાઇના રોજ એક વર્ષના સંસાધનો ખતમ કરી નાખેલા. પછીના દિવસોમાં જે કર્યું તે પૃથ્વીનું શોષણ, નર્યુ શોષણ. અર્થ ઓવરશૂટ ડેનો કન્સેપ્ટ બ્રિટનની થીંક ટેન્ક ન્યુ ઇકોનોમિક ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો છે.

આ કન્સેપ્ટના આધારે સંયુક્ત રાષ્ટ્રની સહયોગી સંસ્થા ગ્લોબલ ફૂટ પ્રિન્ટ નેટવર્ક મનુષ્ય જાતિ દ્વારા ખપમાં લેવામાં આવતી તમામ પ્રાકૃતિક સંસાધનોની ડિમાન્ડ અને સપ્લાયનું આકલન કરે છે. આપણે સાડા સાત મહિનામાં જ એક વર્ષના સંસાધનો ખતમ કરી નાખીએ છીએ અને તે પછી જે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે તે પ્રદૂષણ નામનું ભૂત બનીને ભટકતો રહે છે. 

સંસાધનોમાં બધું જ આવી ગયું. વન સંપદા, જમીન, જળ સ્ત્રોત, સમુદ્રી સંશાધનો, ખનિજ  પદાર્થો, કોલસો, પ્રાકૃતિક ગેસ અને બીજું ઘણું બધું.  સ્માર્ટફોનથી માંડીને દૂધની થેલી સુધી એક પણ વધારાની ચીજ ખરીદવામાં આવે તો તેનો ભાર પૃથ્વીને, પ્રકૃતિને પડે છે. આ આમ તો ચવાઈ ગયેલું સત્ય છે. ને આપણે તો એ જ લાગમાં હોઈએ છીએ કે કોઈ આપણને ચાવીને આપે. પૃથ્વી દર વર્ષે જેટલા કચરાનું વિઘટન કરી શકે એના કરતાં અનેકગણો વધારે કચરો આપણે પેદા કરીએ છીએ.

આપણે એવો-એવો કચરો પેદા કરીએ છીએ, જેનું હજારો વર્ષો સુધી વિઘટન થતું નથી તે પૃથ્વીને, પર્યાવરણને દૂષિત કરતો રહે છે. એ કચરાના ડુંગરા ખડકાતા જાય છે. એવા ડુંગર જે દૂરથી પણ રળિયામણ લાગતા નથી.

વિજ્ઞાાનીઓના અનુમાન પ્રમાણે પૃથ્વી આપણને પ્રતિવર્ષ ૯૧૦ અબજ ડોલરના સંસાધનો આપે છે. એટલે કે ૬૮,૨૫૦ અબજ રૂપિયા. એક અબજમાં નવ મીંડા હોય, આના પરથી કલ્પના કરો કે પૃથ્વીનું હૃદય કેટલું વિશાળ છે ને તેની સામે આપણે તેને કશું આપીએ છીએ? એની પણ કલ્પના કરી લો.  માત્ર કલ્પના જ કરવાની છે.

હકિકતમાં તો ક્યાં કંઇ આપીએ છીએ? પૃથ્વીના સંસાધનોની કિંમતનું જે અનુમાન છે તે ૨૦૧૪માં લગાવવામાં આવેલું અને ડોલરની કિંમત ૨૦૦૫ના હિસાબથી ગણવામાં આવેલી. ૨૦૨૦ મુજબ હિસાબ કરીએ તો આંકડો આના કરતાં ઘણો મોટો થાય.

ગ્લોબલ ફૂટ પ્રિન્ટ નેટવર્કના કહેવા પ્રમાણે આપણને એક પૃથ્વી ઓછી પડી રહી છે. વસ્તીની દ્રષ્ટિએ તો ખરી જ, તેના કરતાં વિશેષ તેમાંથી મળતા દ્રષ્ટિએ. આપણી જેટલી જરૂરિયાત છે તે પૂરી કરવા કમસેકમ બીજી પૃથ્વીની જરૂર છે, એ પણ વર્તમાન પૃથ્વી કરતા  ૬૦ ટકા મોટી. પૃથ્વીની ક્ષમતાને ૧ ધારી લો તો આપણે તેનું ૧.૬ ટકા દોહન કરી રહ્યા છીએ. સમજી લો કે આવનારી પેઢી માટે જે બેલેન્સ પડી છે તે ખર્ચ કરીને આપણે તેમને જન્મ્યા પહેલાં જ દરિદ્ર બનાવી રહ્યા છીએ.   

આપણી ડિમાન્ડ દાવાનળની જેમ વધતી જાય છે. ૧૯૭૦માં દર વર્ષે ૨૭ અબજ ટન ખનિજ પદાર્થ અને ખનિજ તેલનું ઉત્પાદન કરાતું. ૨૦૧૭માં તે સાડા ત્રણ ગણું વધીને ૯૨ અબજે પહોંચ્યું. છેલ્લાં ૫૦ વર્ષમાં પૃથ્વીની વસ્તી સવા બે ગણી થઇ ગઇ છે. આપણે જેમની જમીન, જેમના જંગલ દબાવ્યા છે એ જીવજંતુ અને પક્ષીઓની વસ્તી ૬૦ ટકા ઘટી ગઇ છે.

જો આ જ સિલસિલો યથાવત રહ્યો તો ૨૦૫૦માં માનવ વસ્તી ૧૦ અબજ હશે અને આપણને દર વર્ષે પૃથ્વીની ક્ષમતા કરતાં ૩ ગણા વધારે સંસાધનોની આવશ્યકતા પડશે. પર્યાવરણવાદી સંસ્થા જર્મન વોચ ધ્યાન દોરે છે કે, વિશ્વના બીજા દેશો પણ જર્મનોની જીવનશૈલી અપનાવે તો આજે જ આપણને પૃથ્વીની ક્ષમતા કરતા ૩ ગણા વધુ કુદરતી ભંડારોની જરૂર પડે. ભૌતિક સુખના નામે પશ્ચિમી સંસ્કૃતિએ જે દાટ વાળ્યો છે તેનો ઇતિહાસ અતિશય કલંકિત છે.   

અર્થ ઓવરશૂટ ડે સરકાર અને જનસાધારણને જગાડવાનું એક અભિયાન છે, જે ભયંકર નિષ્ફળ નિવડી રહ્યું છે. ભારતના મીડિયામાં તેની કોઇ ચર્ચા જ નથી. જો આપણે જાગશું નહીં તો કોરોના મહામારી કરતાં સેંકડો ગણી મોટી પ્રાકૃતિક આફતનો સામનો કરવો પડશે. આપણે જાગવાના નથી એ નિશ્ચિત છે અને પ્રાકૃતિક આફતનો સામનો કરવો પડશે તે પણ. આ વાત બે ઉદાહરણ દ્વારા સમજી શકાય. 

એક, તમે અમીર બનવા માગો છો, અબજપતિ બનવા માગો છો, તમારા સપનાંની પાછળ પાગલની જેમ દોડો છો, તમારી મહત્ત્વાકાંક્ષા તમને પોતાના આરોગ્યની દરકાર લેવાનું પણ ભુલાવી દે છે. ગમે તેમ કરીને તમે તમારૂં સપનું તો પૂરૂ કરી લો છો પણ જ્યારે તમે અબજપતિ બની ગયા હો છો ત્યારે તમારી હેલ્થ ખલાસ થઇ ચૂકી હોય છે. એ જ પૈસા હવે તમે મોંઘી હૉસ્પિટલોમાં સારવાર પાછળ ખર્ચો છો.

બે, તમે સપનાં જૂઓ છો તે પૂરાં કરવા માટે મહેનત કરો છો, પરંતુ એ દરમિયાન જાતને ખુવાર કરી દેતા નથી. તમે સંતુલિત જીવન જીવો છો. નોકરી-ધંધો પણ કરી લો છો અને પોતાના શોખ માટે પોતાના આરોગ્ય માટે અને પોતાના પરિવાર માટે પણ સમય કાઢી લો છો.  સપનાં પૂરાં થાય કે ન થાય એ ગૌણ રહી જાય છે, પણ તમે એક સરસ અને સંતુલિત જીવન જીવો છો. 

આપણે પહેલો ઓપ્શન પસંદ કરીએ છીએ એટલે જ આપણે દુઃખી છીએ, બીજાને પણ દુઃખી કરીએ છીએ અને આપણી આસપાસની સમગ્ર સૃષ્ટિ પણ દુઃખી થાય છે. અબજપતિ બનવું એ કંઇ ખરાબ નથી પણ એ દરમિયાન તમે શું કિંમત ચૂકવી રહ્યા છો એનો પણ વિચાર કરવો જોઇએ. પશ્ચિમનો વિકાસ પ્રકૃતિ પર જીતની પરિકલ્પના પર નિર્માણ પામ્યો છે.

આ વિકાસ સ્વર્ગીય ભૌતિક સુખ આપે છે એમાં ના નહીં, પણ તેની સામે તે જે આપણી પાસેથી છીનવી લે છે તેનો હિસાબ લગાવીએ તો સમજાય છે કે આ હદે ખોટનો સોદો કરવા જેવો નથી. 

લોભને થોભ આપવો જ પડશે. પ્રકૃતિ પર વિજયની આઉટ ડેટેડ પરિકલ્પના જતી કરી  પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વની જીવનશૈલી અપનાવવી પડશે. એ સમજવું પડશે કે પ્રકૃતિ પર કરેલી ચઢાઇ એ આપણા ભવિષ્ય પરની ચઢાઇ છે. પ્રકૃતિ પરની જીત આપણા ભવિષ્યની હાર છે.

સાધુ-સંત બની જવાનું નથી પણ થોડું તો બદલાવું જ પડશે, થોડું તો પ્રદૂષણ ઘટાડવું જ પડશે. જ્યાં ચાલીને જઈ શકાય ત્યાં સ્કૂટર લઈ જવાનું ટાળવું પડશે, શાકવાળાને ઝભલાની ના પાડવી જ પડશે. જૂના પેન્ટની થેલી બનાવવી જ પડશે.- ઉદાહરણ નંબર બે સ્વીકારવું જ પડશે.

આજની નવી જોક

છગન (લીલીને) : તારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હતું તોય મેમો કેમ આવ્યો?

લીલીઃ લાયસન્સ ન બતાવ્યું. કારણ કે એમાં મારો ફોટો સાવ બકવાસ છે.

છગનઃ હેં!?

જીકે જંકશન

- ભારત અને રશિયા વચ્ચે સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો તેને ઇન્દ્ર નામ આપવામાં આવ્યું છે. બે દેશના સૈન્યો વચ્ચે તાલમેલ કેળવી શકાય અને કશુંક નવું શીખવા મળે તે હેતુથી આ પ્રકારના સૈન્ય અભ્યાસો યોજાતા હોય છે. 

- આ વર્ષે શાંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની યજમાની ભારત દ્વારા કરવામાં આવશે. 

- તાજેતરમાં ક્રિકેટર ડેવિડ કેપેલનું નિધન થયું હતું. તેઓ ઇંગ્લેન્ડના બોલર હતા અને હાલ તેમની ઉંમર ૫૭ વર્ષ હતી. 

- હાલમાં જ યોજાયેલી ૪૮મી એન્યુઅલ વર્લ્ડ ઓપન ઓનલાઇન ચેસ ટુર્નામેન્ટમાં પી. ઇનીયન વિજેતા બન્યા હતા. સાઉદી અરેબિયામાં જી-૨૦ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાય હતી. 

- કેથલિક ધર્મના વડા પોપ ફ્રાન્સીસ દ્વારા એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, તેનું શિર્ષક છે લેટ અસ ડ્રીમ. આસામમાં વારસારૂપ ઇમારતોના રક્ષણ અને પુનઃ સ્થાપના માટે ખરડો પસાર કરવામાં આવ્યો હતો.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35gxOSD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages