- ધન્વંતરી રથોનો બધા લોકોને લાભ મળે તેવી કાર્યનિષ્ઠાનો અભાવ
- શહેરમાં દર કલાકે એકથી વધારે કેસ! મૃત્યુ આંક પણ વધ્યો

રાજકોટ,તા.11 જુલાઈ 2020, શનિવાર
રાજકોટ આજે સાંજ સુધીમાં ચોવીસ કલાકમાં જ કોરોનાના વધુ ૩૧ કેસો નોંધાયા છે. શહેરના અનેક લત્તાઓમાં આ મહામારી હવે પ્રસરી ચૂકી છે. અગાઉ તા.૩૦ જૂન સુધીમાં સાડાત્રણ માસમાં ૧૭૩ કેસો સામે જૂલાઈના માત્ર ૧૧ દિવસમાં જ તેનાથી વધુ ૧૯૬ કેસો નોંધાયા છે. આજે સાંજ સુધીમાં જ કૂલ કેસોની સંખ્યા ૩૬૯ પર પહોંચી છે જેમાં ૧૫ના મૃત્યુ નીપજ્યા છે અને શહેરમાં હાલ ૧૭૧ લોકો સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા પછી રાજકોટમાં કેસો વધી રહ્યા છે.
શહેરમાં ચોમાસુ જમાવટ કરવા સાથે કોરોના મહામારી પણ જોખમી વધી છે અને જોખમ અગાઉના લોકડાઉનના સમય કરતા હવે દસ ગણુ વધી ગયું છે. અગાઉ દૈનિક સરેરાશ કરતા હાલ કેસો દસ ગણા વધુ નોંધાય છે ત્યારે લોકોએ અમને કાંઈ ન થાય, ધંધો તો કરવો પડેને એવી માનસિકતા છોડીને હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓનો ધસારો છે ત્યારે હળવા મળવાનું ,કાર્યક્રમો કે પ્રસંગોમાં જવાનું ટાળવું, માસ્ક પહેરવું, હાથ ધોવા, સ્વાદિષ્ટને બદલે શુધ્ધ-સુપાચ્ય,હળવો ખોરાક સહિતના પરંપરાગત ઉપચારોથી ઈમ્યુનિટી વધવારવી વગેરે અનિવાર્ય બની ગયું છે.શહેરમાં જૂલાઈમાં બીજા સપ્તાહમાં દર એક કલાકે એકથી વધુ કેસ નોંધાય છે અને મૃત્યુ પ્રમાણ પણ વધી ગયું છે અને હાલ મૃત્યુ આંક ૧૫ ઊપર પહોંચ્યો છે.
મહાપાલિકા સૂત્રો અનુસાર આજે શહેરના રોયલપાર્ક-૭, કાલાવાડ રોડ, રીંગરોડ બાલાજી હોલ પાસે, રૈયારોડ આમ્રપાલી ફાટક પાસે, કોઠારીયા રોડ હૂડકો ક્વાર્ટર નં.૮૬, માલવિયાનગરમાં વિઘ્નરાજ, ભગવતીપરા મેઈનરોડ, અમીનમાર્ગ પર પંચનાથ પાર્ક વગેરે સ્થળે આજે બપોર બાદ ૯ કેસો અને તે પહેલા નાણાવટી ચોક, સાધુ વાસવાણી રોડ ગાર્ડન સિટી, નહેરુનગર પારસ સોસાયટી, રાજલક્ષ્મી મોરબી રોડ, જીવરાજ પાર્ક, પંચનાથ આશુતોષ એપા., કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રૂક્ષ્મણી એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક, મણીનગર રામેશ્વર પાર્ક, કોઠારીયા મેઈન રોડ રાજલક્ષ્મી, ભાવનગર રોડ પર સીલ્વર નેસ્ટ, કોઠારીયા રોડ પર આશાપુરા-૧૩, સુખસાગર સોસાયટી-૧૦, માલવિયાનગર સિટી ગાર્ડન એપાર્ટ, રીંગરોડ પર ગુલાબવિહાર રાધે ગોવિંદ, જાગનાથ મંદિર સામે આનંદનગર કોલોની, બજરંગવાડી પાસે શીતલ પાર્ક, ગોંડલ રોડ પેટ્રોલ પંપ પાછળ, વગેરે વિસ્તારમાં ૨૨ સહિત આજે ૩૧ નવા કેસો ઉમેરાયા છે.
આ અન્વયે મનપાએ વિવિધ લત્તાઓમાં ડિસ્ઈન્ફેક્શનની કાર્યવાહી હાથ ધરી હતી જેનું મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા પણ આજે સ્થળ ચેકીંગ કરાયું હતું. હવેના સમયમાં લોકોની ઈમ્યુનિટી વધે તે જ મુખ્ય ઉપાય જણાય છે ત્યારે મનપાએ ધન્વંતરી રથ શરુ કર્યા છે તે આવકાર્ય છે પરંતુ, આ રથનો હજુ અનેક ઘરોમાં લાભ મળતો નથી અને કોઈ લત્તામાં રથ આવીને નીકળી જાય તો અનેક લોકોને જાણ પણ થતી નથી.
ધન્વંતરી રથની કામગીરી કોઈ બાકી ન રહે તેવી નિષ્ઠાથી થાય તેનું કમિશનરે સુપરવિઝન કરવાની પણ જરૃર છે. કારણ કે એક ચેપી વ્યક્તિ અનેકને ચેપ લગાડી શકે છે. મહામારીના વધતા જતા ખતરા વચ્ચે મનપાએ ૪૦ તબીબોની ભરતી કરી છે જેમને ધન્વંતરી રથમાં લત્તે લત્તે જઈને આરોગ્ય ચકાસણી, નિવારણના ઉપાય સહિતની કામગીરી સોંપાશે.
હોસ્પિટલોમાં 246 કોરોના દર્દીઓ સારવારમાં
રાજકોટમાં મહામારી ફેલાતા વધુ 5 કોવિડ હોસ્પિટલ જાહેર
સિવિલમાં 250 ઉપરાંત ખાનગીમાં હવે 300 બેડની સુવિધાઃ હજુ વધુ જરૂર પડશે
રાજકોટમાં મહામારીના કેસોનો રાફડો ફાટયો છે અને ખાસ કરીને જૂનના બીજા પખવાડિયાથી અને તેનાથી વધુ જૂલાઈમાં કેસોની સંખ્યા ખૂબ વધી જતા હવે નવી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર મળે તે જરૂરી થયું છે. આ અન્વયે મહાપાલિકાએ આજે વધુ ૫ હોસ્પિટલોને નિયત ચાર્જથી કોરોનાના કેસોની સારવારની મંજુરી આપી છ જ્યાં મંગળવારથી સારવાર શરુ થશે.
આ હોસ્પિટલોમાં દોઢસો ફૂટ રીંગરોડ પર ન્યુ વિંગ વોકહાર્ટ, રાષ્ટ્રીય શાળા મેઈનરોડ પર ઉદય કોવિડ, વિદ્યાનગર મેઈનરોડ પર કર્મયોગ, આસ્થા રેસીડેન્સી રીંગરોડ પર એચ.સી.જી. અને વિદ્યાનગર રોડ પર શ્રેયસ એમ પાંચને મંજુરી મળી છે. જો કે આ હોસ્પિટલોએ સરકારના નિયમો પાળવાની સાથે ફિક્સ ચાર્જથી વધુ ચાર્જ લઈ શકશે નહીં તેમ કમિશનરે જણાવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં હાલ 250, ખાનગીમાં 150 બેડની સુવિધા છે જેમાં હવે 150 ઉમેરાશે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gHY4rM
No comments:
Post a Comment