રાધનપુર,તા.19 જૂન 2020, શુક્રવાર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કેટલાક ગામોને નર્મદાનું પાણી પહોંચાડવા ત્રણ વર્ષ અગાઉ પાઈપલાઈન નાખવામાં આવી હતી. નવીન પાઈપ લાઈન નાખ્યા બાદ તાલુકાના પરસંદ કે વાઘપુરા ગામના ખેડૂતોને પાણી ના પહોંચતા પાઈપ લાઈન અધુરી નાખી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
સાંતલપુર તાલુકાના ઝઝામથી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી પાઈપ લાઈન દ્વારા પરસુંદ અને વાઘપુરા ખાતે ખેડૂતોને પાણી પહોંચાડવા ૨૦૧૭માં અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવામાં આવી હતી. ત્રણેક વર્ષ અગાઉ નાખવામાં આવેલ પાઈપ લાઈનમાં નર્મદાનું પાણી ના આવતા વિસ્તારના ખેડૂતોએ વખતો વખત ઉપરી અધિકારીઓને રજૂઆતો કરી હતી. પરસુંદની સીમમાંથી વાઘપુરા વચ્ચે નિગમ દ્વારા નાખવામાં આવે પાઈપ લાઈનનું કામ અધુરું મુકવામાં આવ્યું હોવાનું કાનજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવેલ કે પરસુંદ તરફ જતી પાઈપ લાઈનમાં વાઘપુરાની પાઈપ લાઈનનું કનેક્શન કર્યા વગર અધુરુ કામ કરવામાં આવ્યું હતું. જ્યારે વાઘપુરા ગામ નજીક અને વચ્ચે કેટલીક જગ્યો ત્રણ વરસ અગાઉ થયેલ કામમાં પાઈપ લાઈન નાખવામાં આવી ના હતી. જેના કારણે ખેડૂતોને પાણી મળતું ના હતું. અમોએ આ બાબતે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરતા નિગમ દ્વારા જુની પાઈપ લાઈન કાઢીને ફરી નવિન પાઈપ લાઈન નાખવાનું કામ શરૃ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ પહેલા નાખવામાં આવેલ પીવીસી પાઈપ લાઈનના જમીનમાંથી ટુકડા બહાર નીકળેલા સ્થળ પર જોવા મળતા હતા. ત્રણ વર્ષ અગાઉ નાખેલ પીવીસી પાઈપના જમીનમાંથી ટુકડા નીકળેલા સ્થળ પર જોવા મળતા પાઈપ લાઈનના કામમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સ્પષ્ટપણે જણાતું હતું. જ્યારે જુની પાઈપ લાઈનમાં માટી ભરાઈ જવાને કારણે પાણી પહોંચતુ ના હોવાનું સ્થળ પર હાજર સુપરવાઈઝરે જણાવ્યું હતું. અને પરસુંદની પાઈપ લાઈનમાંથી વાઘપુરાની પાઈપલાઈન ફીટ કરેલું જુનુ કનેક્શન ક્યાં છે તેમ પુછતા સુપરવાઈઝરે કનેક્શનની બાબતમાં ગાળાચાવ્યા હતા.
પાઈપ લાઈન નાખ્યા વગર બીલો ચુકવાયા
ત્રણ વરસ અગાઉ વાઘપુરા અને પરસુંદ વચ્ચે નર્મદા નિગમ દ્વારા પાઈપ લાઈન નાખ્યા વગર કોન્ટ્રાક્ટરને બીલો ચુકવવામાં આવ્યા હોવાની લોકોની ફરિયાદ આવતા આ બાબતે નિગમના અધિકારી એસ.પી. મહંતને પુછતા તેમને પાઈપ નંખાઈ કે નહી તેની જવાબદારી પોતાની ના હોવાનું જણાવી અધિકારીએ જવાબદારીમાંથી છટકવાની કોશીષ કરી હોવાનું પૂર્વ ધારાસભ્ય લવીંગજી ઠાકોરે જણાવ્યું હતું.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NaSbXp
No comments:
Post a Comment